પરિવારથી વિખૂટી પડી ગયેલી સાત વર્ષની ભારતીનું 24 વર્ષે ભાઈ-બહેન સાથે મિલન...બાળસુધારગૃહમાં 11 વર્ષ વિતાવનારી ભારતીનાં લગ્ન થયાં અને અત્યારે બે સંતાન છે: પતિએ પ્રોત્સાહન આપતાં પરિવારને શોધવા નીકળી અને પોલીસની મદદ લીધી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈમાં મામાને ઘરે આવ્યા પછી પરિવારથી વિખૂટી પડી ગયેલી સાત વર્ષની બાળકી ભારતી કદમનું છેક 24 વર્ષે ભાઈ-બહેન સાથે મિલન થયું હતું. ગુમ થયેલી ભારતીએ 11 વર્ષ બાળસુધારગૃહમાં વિતાવ્યાં અને લગ્ન બાદ અત્યારે બે સંતાનની માતા છે. જોકે પતિએ પ્રોત્સાહન આપતાં પરિવારને શોધવા નીકળેલી ભારતી માટે 2002ની મતદારયાદી આશીર્વાદરૂપ બની હતી.
થાણે ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) વિનય ઘોરપડેએ જણાવ્યું હતું કે સાત વર્ષની ભારતી કદમ પરિવાર સાથે 2002માં નવી મુંબઈમાં રહેતા મામાને ઘેર આવી હતી. જોકે રસ્તામાં પરિવારથી વિખૂટી પડી ગયેલી બાળકી બેલાપુર પોલીસને મળી હતી. બાળકી પૂરી વિગતો આપી શકતી ન હોવાથી ખાસ્સી મહેનત છતાં પોલીસ તેના પરિવારને શોધી શકી નહોતી. બાળકીના હાથ પર તેનું નામ ત્રોફાયેલું હતું.
પરિવારના સભ્યોની ભાળ ન મળતાં બાળકીને ભિવંડીના બાળસુધારગૃહમાં રાખવામાં આવી હતી. ત્યાંના નિયમ અનુસાર બાળકી 19 વર્ષની થતાં તેની મરજીથી લગ્ન કરાવી દેવાયાં હતાં. સોલાપુરમાં પતિ સાથે રહેતી ભારતીને બે સંતાન છે, પરંતુ તેને વારંવાર પોતાનાં માતા-પિતા અને ભાઈ-બહેનની યાદ આવતી હતી. તેમને ભારતી ભૂલી શકી નહોતી. આખરે પતિએ ભારતીને તેના પરિવારજનોને શોધી કાઢવા પ્રોત્સાહન આપ્યું હતું.
ભારતીએ નવી મુંબઈનાં પોલીસ સ્ટેશનો અને પછી ભિવંડીના બાળસુધારગૃહમાં શોધખોળ કરી હતી, પરંતુ તેને પોતાના પરિવાર વિશે કોઈ વિગતો મળી નહોતી. આમ આઠ વરસ વીતી ગયા પછી બાળસુધારગૃહના અધિકારીની ભલામણથી ભારતી ગુરુવારે થાણે પોલીસના ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ (સીપીયુ)માં પહોંચી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે 24 વર્ષ જૂની ઘટના હોવાથી કોઈ દસ્તાવેજી પુરાવા મળતા નહોતા, પરંતુ તેને પરિવારજનોનાં નામ યાદ હતા. એટલે પોલીસને સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પ્રક્રિયા યાદ આવી.
તહસીલદારની મદદથી 2002ની મતદારયાદી તપાસવામાં આવી. લગભગ ત્રણ કલાકની જહેમત પછી ભારતીના ભાઈ વિજયનું નામ મતદારયાદીમાં મળી આવ્યું હતું. બૂથ લેવલ ઑફિસર (બીએલઓ)ની મદદથી વિજયનો મોબાઈલ નંબર મેળવવામાં આવ્યો હતો.પોલીસે પૂરી ખાતરી કર્યા પછી વિજયને વીડિયો કૉલ કરી ભારતીનો સંપર્ક કરાવ્યો હતો. ભારતીનાં માતા-પિતા ગુજરી ગયાં છે, પણ વિજય ઔરંગાબાદમાં રહે છે. સોમવારે તે થાણે પોલીસ મુખ્યાલયમાં બહેન ભારતીને મળવા આવશે, એવું પોલીસે જણાવ્યું હતું.