Sat Oct 10 2026

Logo

ગરબાના નામે છેતરપિંડી કરનારા સાવધાન: નકલી પાસ વહેંચ્યા તો સીધી થશે FIR...

2026-10-10 18:57:00
Author: Mayur Patel
ગરબાના નામે છેતરપિંડી કરનારા સાવધાન: નકલી પાસ વહેંચ્યા તો સીધી થશે FIR...

AI (પ્રતીકાત્મક તસવીર)


અમદાવાદઃ રવિવારથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ગરબા આયોજકોને જો કોઈ નકલી પાસ છપાયા હોય કે સોશિયલ મીડિયા પર ફકતા થયા હોય તો તેની તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરી હતી. ઉપરાંત આવા કિસ્સાઓમાં તાત્કાલિક એફઆઈઆર નોંધવાનો પોલીસને આદેશ આપ્યો હતો. 

ગરબા આયોજકો અને પોલીસ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ગેહલોતે જણાવ્યું હતું કે સુરક્ષા માટે આશરે 14,000 પોલીસકર્મીઓ અને સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે. ખેલૈયાઓ સુરક્ષિત રીતે ઘેર પહોંચી શકે તે માટે ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરના રેન્કના 300થી વધુ અધિકારીઓ મોડી રાત્રે લગભગ 3 વાગ્યા સુધી રસ્તા પર હાજર રહેશે.

આયોજકો મંજૂરી મેળવતી વખતે દર્શાવેલી ક્ષમતા કરતાં વધુ પાસ ઇશ્યૂ કરી શકશે નહીં. મુખ્ય સ્થળો પર ભીડની હિલચાલ અને હાજરી પર નજર રાખવા માટે એઆઈ-આધારિત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ગેહલોતે ઉમેર્યું હતું કે, જે ક્ષણે  સ્થળ પર ક્ષમતા કરતા વધુ ભીડ જણાશે, અમે આયોજકોને થોડી મિનિટો માટે ગરબા રોકવા કહીશું. 

મહિલાઓની સુરક્ષા માટે ગરબા સ્થળોએ તેમજ સમગ્ર શહેરમાં 300 શી-ટીમ યુનિફોર્મ અને સાદા વસ્ત્રોમાં તહેનાત રહેશે. આ ટીમ જાગૃતિ ફેલાવવા ગરબાનું આયોજન કરતી શાળાઓ અને કોલેજોની પણ મુલાકાત લેશે. આશરે 4,000 સીસીટીવી કેમેરા પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે. આ ઉપરાંત, ખાસ વાહનો સાથે અન્ય 49 શી-ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. ઇમરજન્સી પ્રતિસાદ માટે દરેક પોલીસ સ્ટેશનને એક 'અભયમ' વાહન ફાળવવામાં આવશે, જ્યારે 129 પીસીઆર વાન સતત ડ્યુટી પર રહેશે.

પોલીસે ખેલૈયાઓને વાહનો પૂરતા પ્રકાશવાળી જગ્યાએ પાર્ક કરવાની અને નિર્જન સ્થળોથી દૂર રહેવાની સલાહ આપી હતી. કોમી સૌહાર્દ બગાડી શકે તેવી વાંધાજનક, અપમાનજનક કે ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર સાયબર ક્રાઈમ સેલ નજર રાખશે. સોશિયલ મીડિયા પર નફરત ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ગેહલોતે ચેતવણી આપી હતી.