મુંબઈ: બોલિવૂડની અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન તથા પાપારાઝી વચ્ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી થતી જોવા મળે છે. આ કારણે જયા બચ્ચન ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. જયા બચ્ચન પાપારાઝીની સંસ્કૃતિ અને સેલિબ્રિટીની તસવીરો લેવાની તેમની રીતથી નારાજગી વ્યક્ત કરી ચૂકી છે. હવે દુર્ગા પૂજા 2026 પહેલાં અભિનેત્રી તનીષા મુખર્જીએ પાપારાઝીને ખાસ અપીલ કરી છે કે તેઓ જયા બચ્ચનને હેરાન ન કરે અને જાણીજોઈને તેમને ઉશ્કેરવાનું ટાળે.
મુંબઈમાં તાજેતરમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તનીષા મુખર્જીએ દુર્ગા પૂજાના આયોજનને લઈને મીડિયા કર્મચારીઓ અને સામાન્ય લોકોને સંયમ જાળવવા અપીલ કરી હતી. તેણે કહ્યું કે આ વર્ષે પૂજામાં મોટી સંખ્યામાં લોકો આવવાની સંભાવના છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ અને માનવતા ભૂલવી ન જોઈએ. અન્ય લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જોઈએ.
તે દરમિયાન તનીષાએ જયા બચ્ચનનો ઉલ્લેખ કરતાં પાપારાઝીને હળવા અંદાજમાં ચેતવણી પણ આપી હતી. તેણે કહ્યું, 'આ વખતે અમારા જયા આન્ટીને હેરાન ન કરતા. તમે લોકોએ તેમને ઘણાં હેરાન કર્યાં છે. કૃપા કરીને આવું ન કરતા.' તનીષાએ એવો આરોપ પણ લગાવ્યો કે કેટલાક ફોટોગ્રાફર્સ જાણીજોઈને જયા બચ્ચન પાસે જઈને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે.
ઉલ્લેખનીય છે કે મુખર્જી પરિવાર દ્વારા દર વર્ષે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા એસએનડીટી ગ્રાઉન્ડ ખાતે નોર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજરી આપે છે. અભિનેત્રી રાની મુખર્જી, કાજોલ અને અયાન મુખર્જી સહિત પરિવારના સભ્યોને જોવા માટે ચાહકો આતુર રહે છે. જયા બચ્ચન પણ દર વર્ષે આ દુર્ગા પૂજામાં ભાગ લે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તનીષાએ વ્યવસ્થા જાળવવા અને સૌએ શિસ્તપૂર્વક વર્તવા અપીલ કરી છે.
જયા બચ્ચન અને પાપારાઝી વચ્ચેના તણાવની વાત કરીએ તો, જયા ઘણી વખત જાહેર સ્થળોએ તેની તસવીરો લેવાની રીત સામે નારાજગી વ્યક્ત કરી ચૂકી છે. તે ભાગ્યે જ પાપારાઝી સામે ઊભા રહીને પોઝ આપે છે. તેના આ વર્તનને કારણે સોશિયલ મીડિયા પર ઘણી વખત તેની ટીકા થાય છે, જ્યારે કેટલાક લોકો તેના સમર્થનમાં પણ સામે આવે છે.