(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે મુખ્યત્વે ટીનમાં સતત ત્રણ સત્ર દરમિયાન કિલોદીઠ રૂ. 125નો ઘટાડો આવ્યા બાદ નીચા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીનો ટેકો મળતાં ભાવમાં રૂ. 42નો ચમકારો આવ્યો હતો. આ સિવાય કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર, ઝિન્ક સ્લેબ અને નિકલમાં છૂટીછવાઈ ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ચારનો સુધારો આવ્યો હતો, જ્યારે નિરસ માગ અને સ્ટોકસસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં બ્રાસ શીટ કટિંગ્સમાં કિલોદીઠ રૂ. પાંચનો અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની નીચા મથાળેથી લેવાલી નીકળતાં ત્રણ સત્રની મંદીને બે્રક લાગી હતી અને ભાવ કિલોદીઠ રૂ. 42 વધીને રૂ. 5292ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. 440, નિકલના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. 1563, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. 1320 અને રૂ. 1489 અને કોપર કેબલ સ્ક્રેપ તથા કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. 1413 અને રૂ. 1391ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે બ્રાસ શીટ કટિંગ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. પાંચના ઘટાડા સાથે રૂ. 1005ના મથાળે અને નિરસ માગે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. 342ના મથાળે રહ્યા હતા, જ્યારે કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટાછવાયા કામકાજોને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 1402, રૂ. 940, રૂ. 300 અને રૂ. 197ના મથાળે ટકેલા રહ્યા હતા.