Sun Oct 11 2026

Logo

નાના પાટેકરના મોતનું રહસ્ય અચાનક ખુલ્યું! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો...

2026-10-11 20:47:24
Author: Mumbai Samachar Team
નાના પાટેકરના મોતનું રહસ્ય અચાનક ખુલ્યું! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો...

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના અચાનક નિધનથી ચાહકોને આઘાત લાગ્યો છે. તેમના મોતનું કારણ જાણવા માટે કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહત્વની વિગતો સામે આવી છે. અહેવાલ મુજબ, 75 વર્ષીય અભિનેતાનું 8 ઑક્ટોબરની સવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરના જણાવ્યા અનુસાર, હૃદયની ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામવાથી હાર્ટ એટેક આવ્યો હતો.

હૃદયની ધમનીમાં લોહીનો ગઠ્ઠો બન્યો કારણ 
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર નાના પાટેકરના હૃદયની મુખ્ય ધમનીઓમાંની એક, લેફ્ટ મેઈન કોરોનરી આર્ટરીમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો. આ ધમની હૃદયના મોટા ભાગમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે, તેમાં અવરોધ ઊભો થતાં હૃદયના સ્નાયુઓ સુધી લોહીનો પુરવઠો ખોરવાયો હતો, જેના પરિણામે ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. રિપોર્ટમાં તેમના મૃત્યુને કુદરતી ગણાવવામાં આવ્યું છે.

ગોવામાં ઘરે અચાનક બગડી હતી તબિયત 
નાના પાટેકર ગોવામાં પણજી નજીક ડોના પૌલામાં રહેતા હતા. 8 ઑક્ટોબરની વહેલી સવારે તેમની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ તેમના કેરટેકરે નજીકની ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરીને એમ્બ્યુલન્સની માગ કરી હતી. હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી અને અભિનેતાને સારવાર માટે લઈ જવાયા હતા.

45 મિનિટ સુધી બચાવવાના પ્રયાસો 
હોસ્પિટલમાં ડૉક્ટરોએ નાના પાટેકરને બચાવવા માટે લગભગ 45 મિનિટ સુધી કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (સીપીઆર) આપ્યું હતું. જોકે, તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા. સવારે લગભગ 5:10 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.