મુંબઈ: મલાડમાં ઘરનાં તાળાં તોડીને 22.85 લાખ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ ચોરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડી લોકઅપભેગા કરી દીધા હતા. આરોપીઓની ઓળખ સિદ્ધેશ જીતુ શેટ્ટીયાર (27) અને રજનીશ સોહનલાલ ગુપ્તા ઉર્ફે ગબ્બર (34) તરીકે થઇ હતી, જેમની પાસેથી ઘરેણાં અને રોકડ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
મલાડ પૂર્વમાં બાણડોંગરી ખાતે દત્ત મંદિર રોડ પર પ્રેસવાલા ચાલમાં રહેતા સુજિત પાત્રાના ઘરમાં 8 ઑક્ટોબરે મધરાતે ચોરી થઇ હતી. ઘરનાં તાળાં તોડી અંદર ઘૂસેલા ચોર કબાટમાં રાખેલા ઘરેણાં અને રોકડ ચોરી ફરાર થયા હતા. ચોરીની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો.
પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં ઘટનાને દિવસે બપોરે શકમંદ ત્યાં ફરતો નજરે પડ્યો હતો. પોલીસે ફૂટેજને આધારે શકમંદની શોધ આદરી હતી અને તેને મલાડથી તાબામાં લીધો હતો. તેની પૂછપરછમાં મીરા રોડના રજનીશ ગુપ્તાનું નામ સામે આવ્યું હતું. પોલીસની ટીમે બાદમાં મીરા રોડથી ગુપ્તાને પણ ઝડપી પાડ્યો હતો.
AI (પ્રતીકાત્મક તસવીર)