મુંબઈ: સાયન હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટરે હોસ્ટેલની રૂમમાં એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઇને આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ ડો. શિવશરણ અપ્પા પાટીલ (26) તરીકે થઇ હોઇ તે હોસ્પિટલના સર્જરી વિભાગમાં માસ્ટર ઓફ સર્જરી (એમએસ)નો પ્રથમ વર્ષનો પોસ્ટગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હતો.ડો. પાટીલ શનિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ હોસ્ટેલની રૂમના બાથરૂમમાં ગયો હતો. ઘણો સમય થયો છતાં તે પાછો ન ફરતાં સાથી ડોક્ટરે દરવાજો ખટખટાવ્યો હતો, પણ અંદરથી કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો.
આથી તેણે સુરક્ષારક્ષકને બોલાવ્યો હતો અને બાદમાં દરવાજો તોડવામાં આવતાં બાથરૂમમાં ડો. પાટીલ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ડો. પાટીલે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઇને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ડો. પાટીલને હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને તપાસીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.દરમિયાન બનાવની જાણ સાયન પોલીસને કરવામાં આવતાં અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ આદરી હતી. સાયન પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.