મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ અભિનેતા ઈમરાન ખાનની નાગરિકતા અંગે સવાલ ઉઠાવીને મુંબઈ પોલીસ પાસે તપાસ અને કાર્યવાહી કરવાની માગ કરી છે. સોમૈયાનો દાવો છે કે ઈમરાન ખાન વિદેશી નાગરિક હોવા છતાં મુંબઈમાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને અભિનેતાને તાત્કાલિક દેશનિકાલ કરવાની પણ માગ કરી હતી.
સોમૈયાએ મુંબઈના સંયુક્ત પોલીસ કમિશનર મનોજ કુમાર શર્માને પત્ર લખીને પૂછ્યું છે કે ઈમરાન ખાનને આવા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની કાયદેસર મંજૂરી છે કે નહીં. તેમણે અભિનેતાએ પ્રદર્શનમાં સામેલ થવા માટે જરૂરી પરવાનગી મેળવી હતી કે નહીં તેની પણ તપાસ કરવાની માગ કરી છે. જોકે, આ મામલે ઈમરાન ખાનની પ્રતિક્રિયા હજી સુધી સામે આવી નથી.
શનિવારે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા લોકોમાં ઈમરાન ખાનનો પણ સમાવેશ હતો. પોલીસ વેનમાંથી અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું, “લાગે છે કે હું ડ્રાઈવ પર જઈ રહ્યો છું.” બાદમાં સામે આવેલા એક વીડિયોમાં પોલીસ તેમને વેનમાં બેસાડી રહી હતી ત્યારે એક પત્રકારે પ્રદર્શનમાં તેમની ભાગીદારી અંગે સવાલ પૂછ્યો હતો.
વીડિયોમાં ઈમરાન ખાન કહેતા સંભળાય છે, “મારી કોઈ માગ નથી. હું કોઈ સંગઠનનો ભાગ નથી.” તેમણે પોલીસને એવો સવાલ પણ કર્યો હતો કે, “મેં શું કર્યું છે? મારી સાથે બળજબરી કેમ કરવામાં આવી રહી છે?” શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા પાયે વિરોધ પ્રદર્શન યોજવાની યોજના હતી.
જોકે, સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા અને 7,000થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયતને કારણે આ આયોજનને અટકાવવામાં સરકારને સફળતા મળી હતી. અટકાયત કરાયેલા લોકોમાં કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજીત દીપકે, ચાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોઓ અને યુટ્યુબર ધ્રુવ રાઠીનો પણ સમાવેશ હતો.