પુડુચેરીઃ અહીં ઑસ્ટ્રેલિયા-એ સામેની બિનસત્તાવાર વન-ડે સિરીઝની રવિવારની ત્રીજી મૅચમાં પણ દેવદત્ત પડિક્કલ (બે રન) સતત ત્રીજી મૅચમાં ફ્લૉપ ગયો અને આઇપીએલમાં છેલ્લા બે વખતથી ચૅમ્પિયન બની રહેલી રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) ટીમના કૅપ્ટન રજત પાટીદાર (ત્રણ રન) સતત બીજી વખત મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો ત્યારે યુવા ઑલરાઉન્ડર સૂર્યાંશ શેડગે (66 રન, 60 બૉલ, બે છગ્ગા, સાત ચોગ્ગા)ની હાફ સેન્ચુરીની મદદથી ઇન્ડિયા-એ ટીમને 275 રનનો પડકારરૂપ સ્કોર અપાવ્યો હતો અને પછી આ ભારતીય ટીમે વિજય મેળવી લીધો હતો. એ સાથે, ઇન્ડિયા-એ ટીમે 0-3નો વાઇટવૉશ ટાળ્યો હતો. ઑસ્ટ્રેલિયા-એ (Australia-A) ટીમે આ સિરીઝ 2-1થી જીતી લીધી હતી.
ટૉડ મરફીના સુકાનમાં ઑસ્ટ્રેલિયા-એ ટીમ 276 રનના લક્ષ્યાંક સામે 226 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને ઇન્ડિયા-એનો 49 રનથી વિજય થયો હતો. લેફ્ટ-આર્મ પેસ બોલર ગુર્જપનીત સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી જેને લીધે પ્રવાસી ટીમ અંકુશમાં રહી હતી અને લક્ષ્યાંકથી દૂર રહી ગઈ હતી.
#India "A" WON the 3rd unofficial #ODI against #Australia "A" by 49 runs at #Puducherry But #Australia WON the 3-match series by 2 - 1. Vipraj Nigam named POTM of his all-rounder performance of 40(44) runs & a 1 wick . Nathan McSweeney named POTS Award. Congrats Aussies https://t.co/ATwwrYCjSs
— sports news (@CricUniverse7) October 11, 2026
પેસ બોલર યશ ઠાકુર અને સ્પિનર નિશાંત સિંધુએ બે-બે વિકેટ તેમ જ અનુકૂલ રૉય અને વિપ્રજ નિગમે એક-એક વિકેટ મેળવી હતી. ઑસ્ટ્રેલિયા-એ ટીમમાં એકમાત્ર ઓપનર જૉશ ફિલિપ (56 રન)ની હાફ સેન્ચુરી હતી. નૅથન મૅક્સ્વીની (39 રન) અને માઇકલ ઑવેન (20 રન) જેવા ખતરારૂપ બૅટ્સમેનની વિકેટ ગુર્જપનીત સિંહે મેળવી હતી.
એ પહેલાં, ઇન્ડિયા-એ ટીમની ઇનિંગ્સમાં આઇપીએના જાણીતા ઓપનર્સ પ્રિયાંશ આર્ય (49 રન) અને વિકેટકીપર પ્રભસિમરન સિંહ (39 રન)ની જોડીએ 83 રનની મજબૂત ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી, પરંતુ દિગ્ગજ બૅટ્સમૅન દેવદત્ત પડિક્કલે ચાહકોને ફરી નિરાશ કર્યા હતા. તેણે શુક્રવારે સિરીઝની બીજી મૅચમાં ફક્ત એક રન બનાવી શક્યો હતો અને એ પહેલાં છઠ્ઠી ઑક્ટોબરની પ્રથમ મૅચમાં શૂન્યમાં આઉટ થયો હતો. શ્રેણીની પ્રથમ બન્ને મૅચમાં ફ્લૉપ રહેલા કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે રવિવારે 33 રન બનાવ્યા હતા, પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયા પછી શેડગે (Shedge) અને વિપ્રજ નિગમ (40 રન) વચ્ચેની 85 રનની ભાગીદારીએ ટીમની આબરૂ સાચવી લીધી હતી.
ઑસ્ટ્રેલિયા-એના નેથન મેક્સ્વીનીને પ્લેયર ઓફ ધ સિરીઝનો અને વિપ્રજ નિગમને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.