Sun Oct 11 2026

Logo

કેટરિના કૈફની મજાક ઉડાવવાની ચેનલે કરી માગ! મનીષ પૉલે આપ્યો હતો ચોંકાવનારો જવાબ

2026-10-11 17:02:13
Author: Mumbai Samachar Team
કેટરિના કૈફની મજાક ઉડાવવાની ચેનલે કરી માગ! મનીષ પૉલે આપ્યો હતો ચોંકાવનારો જવાબ

મુંબઈ: ટેલિવિઝનના જાણીતા હોસ્ટ અને અભિનેતા મનીષ પૉલે એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેને લઈ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જાગી છે. મનીષ પૉલે જણાવ્યું કે એક ટીવી ચેનલે તેને શો દરમિયાન બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની હિન્દી બોલવાની શૈલીની મજાક ઉડાવવા કહ્યું હતું, પરંતુ તેણે આ સૂચન સ્વીકાર્યું નહોતું. મનીષનું માનવું છે કે કોઈ વ્યક્તિને નીચું બતાવ્યા વિના દર્શકોને હસાવી શકાય છે.

મનીષ પૉલે આપેલા ઈન્ટરવ્યૂમાં કેટરિના સાથેના પોતાના સંબંધો અને જૂના અનુભવો વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે જ્યારે તે એવોર્ડ શો અને અન્ય કાર્યક્રમોનું સંચાલન કરતા હતા, ત્યારે કેટરિના ઘણી વખત કાર્યક્રમોમાં હાજરી આપતી હતી. મનીષના જણાવ્યા અનુસાર કેટરિના તેની હાજરીમાં અનુભવતી હતી, કારણ કે તેણે ક્યારેય તેની હિન્દીની મજાક ઉડાવી નહોતી. મનીષે સ્પષ્ટ કર્યું કે કોઈ વ્યક્તિને ભાષા પર સંપૂર્ણ પ્રભુત્વ ન હોય તો તેને મનોરંજનનો વિષય બનાવવો યોગ્ય નથી.

મનીષે ખુલાસો કર્યો કે કેટલીક વખત ટીવી ચેનલો તેને કેટરિના પાસે હિન્દીના શબ્દો બોલાવડાવીને દર્શકોને હસાવવાનું કહેતી હતી. જોકે, તેને આ વિચાર પસંદ નહોતો. મનીષે ચેનલના જવાબદાર લોકોને સમજાવ્યું હતું કે દર્શકોને હસાવવા માટે તે પોતાની રીતે રમૂજી સંવાદો અને પંચલાઇન્સ રજૂ કરી શકે છે. કોઈ કલાકારને અસહજ બનાવીને અથવા તેની મજાક ઉડાવીને જ હાસ્ય ઊભું કરવું જરૂરી નથી, એવો તેનો સ્પષ્ટ મત હતો.

કેટરિના કૈફ સાથેની પોતાની યાદો વાગોળતાં મનીષે ફિલ્મ 'તીસ માર ખાન'નો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ફિલ્મમાં કેટરિના સાથે અક્ષય કુમાર પણ જોવા મળ્યો હતો. મનીષે જણાવ્યું કે કેટરિના ફિલ્મના સેટ પર આવતી ત્યારે તે ખુશ થતો હતો. તે સમયે કેટરિના હિન્દી ભાષા શીખી રહી હતી અને તેના ઉચ્ચારણને લઈને ઘણી વખત ટિપ્પણીઓ થતી હતી. જોકે, મનીષે તેની ભાષાકીય મર્યાદાને બદલે તેના વ્યક્તિત્વ અને મહેનતને મહત્ત્વ આપ્યું હતું સમય જતાં બંને વચ્ચે સારા રિલેશન ઊભા થયા હતા.

મનીષે ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે તે કલાકારોની અંગત જિંદગી, પ્રેમસંબંધો અને બ્રેકઅપને હાસ્યનો વિષય બનાવવાના પક્ષમાં નથી. તેણે એક પ્રસંગ યાદ કરતાં કહ્યું કે એક અભિનેત્રીના બ્રેકઅપ અંગે મંચ પરથી ટિપ્પણી કરવાનું સૂચન તેને આપવામાં આવ્યું હતું. તે સમયે તેનો પૂર્વ સાથી પણ મંચ પર હાજર રહેવાનો હતો. મનીષે આવા સૂચનો સાંભળ્યા હોવા છતાં તેનો અમલ ન કરવાનો નિર્ણય લીધો હતો. તેના મતે, કોઈની અંગત લાગણીઓને ઠેસ પહોંચાડીને દર્શકોનું મનોરંજન કરવું યોગ્ય નથી.  

મનીષે એ વાત પર ભાર મૂક્યો કે એવોર્ડ શોનું સંચાલન કરતી વખતે હાસ્યની સાથે કલાકારોના સન્માનનું પણ ધ્યાન રાખવું જોઈએ. મંચ પર હાજર વ્યક્તિની મજાક ઉડાવવાને બદલે તેની સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરીને પણ કાર્યક્રમને રસપ્રદ બનાવી શકાય છે. મનીષના આ ખુલાસાથી મનોરંજનના નામે થતી વ્યક્તિગત ટિપ્પણીઓ અને કલાકારોની ભાષા કે અંગત જીવનને નિશાન બનાવવાની પ્રથાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો મનીષ પૉલ તાજેતરમાં 'ધ વન - ફોર્સ ઑફ ધ ફોરેસ્ટ' સાથે જોડાયેલા જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, તમન્ના ભાટિયા, શ્વેતા તિવારી અને અનુપ સોની સહિતના કલાકારો પણ સામેલ છે. કેટરિના કૈફની હિન્દીની મજાક ઉડાવવાનો ઈનકાર કરવાની મનીષની વાત હવે ફરી ચર્ચામાં છે. તેનો અભિગમ એ સંદેશ આપે છે કે હાસ્ય અને મનોરંજનની સાથે વ્યક્તિના આત્મસન્માનનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે.