Sun Oct 11 2026

Logo

આજે ફરી જંતર-મંતર પર CJPનું મોટું પ્રોટેસ્ટ, બેરિકેટિંગથી રૂટ ડાયવર્ઝન સુધી, કેવી છે તૈયારી?

2026-10-11 08:19:00
Author: Mumbai Samachar Team
આજે ફરી જંતર-મંતર પર CJPનું મોટું પ્રોટેસ્ટ, બેરિકેટિંગથી રૂટ ડાયવર્ઝન સુધી, કેવી છે તૈયારી?

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી કાર્યવાહી બાદ રવિવારે પ્રદર્શન વધુ ઉગ્ર બનવાની આશંકા છે. કૉકરોચ જનતા પાર્ટીએ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. CJP ના અજિંક્ય શિંદેએ શનિવારે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે.

અજિંક્ય શિંદેએ જણાવ્યું કે રવિવારે સવારે 10 વાગ્યાથી જંતર-મંતર તરફ કૂચ કરવામાં આવશે. CJP ના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રવિવારે સેન્ટ્રલ દિલ્હી, નવી દિલ્હી અને કનૉટ પ્લેસની આસપાસના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન થઈ શકે છે. શંકર રોડ-વંદે માતરમ ટી-પોઇન્ટ, ધૌલા કુઆં ફ્લાયઓવર, ઝંડેવાલાન, પંચકૂઇયાં, મંડી હાઉસ, ડૉ. દિનેશ નંદિની ડાલમિયા ચોક, રામ ચરણ અગ્રવાલ ચોક, મિન્ટો રોડ-DDU માર્ગ, ગુરુ નાનક ચોક અને ચેમ્સફોર્ડ રોડ-આઉટર સર્કલ કનૉટ પ્લેસ ટી-પોઇન્ટ જેવા સ્થળોએ રવિવારે ટ્રાફિક ડાયવર્ટ થઈ શકે છે.

 

CJP ના સ્થાપક અભિજીત દિપકે અને પાર્ટીના અગ્રણીઓ સૌરવ દાસ તથા આશુતોષ રાંકાને શનિવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બીજી તરફ, શનિવારે દિલ્હીમાં લાદવામાં આવેલા પ્રતિબંધો, મેટ્રો અને ટ્રેનોની અવરજવર રોકવા તેમજ લોકોની અટકાયત કરવાના આક્ષેપોને લઈને સુપ્રીમ કોર્ટમાં રવિવારે સુનાવણી હાથ ધરાવાની છે. આ મુદ્દાઓ પર દાખલ કરાયેલી તિરસ્કાર અરજી (contempt petition) પર વિશેષ બેંચ સુનાવણી કરશે.

દિલ્હી પોલીસે શનિવારે કૉકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનને અટકાવી દીધું હતું. CJP એ SIR ના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે જંતર-મંતર ખાતે ધરણાં કરવાની જાહેરાત કરી હતી.

પાર્ટીની ટોચની નેતાગીરી અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની વિમાનમાંથી જ અટકાયત કરી લેવામાં આવી હતી. રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાંથી 7 હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આમાં અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી સહિત 4 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સામેલ હતા. 

પોલીસે આ વિરોધ પ્રદર્શનને રોકવા માટે 38 હજાર સુરક્ષાકર્મીઓ તહેનાત કર્યા હતા. 57 મેટ્રો સ્ટેશન અને દિલ્હી આવતી 250થી વધુ પેસેન્જર ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. અનેક જગ્યાએ 3 થી 7 સ્તરના બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા.