રિયાધ: સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલા કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (King Khalid International Airport) ને લક્ષ્ય બનાવીને યમનના હુતી વિદ્રોહીઓએ એક ઘાતક મિસાઇલ હુમલો કર્યો છે. આ ભયાનક હુમલામાં વિદેશી નાગરિકો સહિત ઓછામાં ઓછા 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે 300થી વધુ પ્રવાસીઓ અને એરપોર્ટ સ્ટાફ ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટના બાદ સુરક્ષાના કારણોસર રિયાધ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
ટર્મિનલ 3 અને 4 પર મિસાઇલ ત્રાટકી હોવાના અહેવાલ મળ્યાં
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શનિવારે છોડવામાં આવેલી મિસાઇલ એરપોર્ટના એ પરિસરમાં પડી હતી જ્યાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ટર્મિનલ 3 અને 4 આવેલા છે. આ અઠવાડિયા દરમિયાન રિયાધ એરપોર્ટ પર થયેલો આ ત્રીજો હુમલો હતો, પરંતુ આ વખતે જાનમાલનું મોટા પાયે નુકસાન થયું છે. સાઉદી સત્તાવાળાઓના અધિકૃત નિવેદન પ્રમાણે, મૃતકોમાં ચાર સાઉદી નાગરિકો, બે બાંગ્લાદેશી નાગરિકો, એક અમેરિકી નાગરિક, એક ફિલિપાઈની, એક ઇજિપ્ત, એક જોર્ડન, એક સીરિયાન અને એક સુદાનનો નાગરિક સામેલ છે. ઘાયલોમાંથી કેટલાક લોકોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર મોટો હુમલો, 12 લોકોના મોત થયા અને 300થી વધુ ઘાયલ થયા #riyadh #KingKhalidAirport https://t.co/JKaAcqoRlk
— Vimal Prajapati GJ (@mgvimal_12) October 11, 2026
સાઉદી અરેબિયા પર સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા, સાઉદી ગઠબંધન સાથે મળીને યમનમાં સક્રિય ઇરાન સમર્થિત હુતી વિદ્રોહીઓ વિરુદ્ધ સીધી લશ્કરી કાર્યવાહી કરવાનો વિચાર કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, અમને રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલા અંગે માહિતી મળી છે. અમે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને સાઉદી અરેબિયાની સાથે મળીને સેન્ય કાર્યવાહી અંગે ઝડપથી યોગ્ય નિર્ણય લઈશું.
ભારતીય દૂતાવાસ દ્વારા એડવાઇઝરી જાહેર
સાઉદી અરેબિયામાં સુરક્ષાની સ્થિતિ વણસતી જોઈને ત્યાં સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે સલાહ (Advisory) જારી કરી છે. સાઉદીમાં વસતા તમામ ભારતીયોને સતર્ક રહેવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા જણાવવામાં આવ્યું છે. આ સાથે સંવેદનશીલ વિસ્તારો અથવા એરપોર્ટની આસપાસ રહેતા લોકોને જરૂર વગર બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. સ્થાનિક તંત્ર અને સાઉદી સરકાર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓને અનુસરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.