શુભાંગ બ્રહ્મભટ્ટ
ગુજરાતી પ્રજાને આહાર અતિ પ્રિય હોય છે. ભાવતા ભોજન એમના જીવનની અગ્રતા છે. આપણી સ્વાદરસિક પ્રજા ભોજનના કોમ્બિનેશનને પણ પ્રાધાન્ય આપે છે. નવરાત્રિમાં ખીર - પુરીનો મહિમા હોય છે. વેડમી કે પૂરણપોળી સાથે ઓસામણ ને લચકો દાળ, રસ ને બે પડી રોટલી. જમણવારમાં લાડુ હોય તો એની તુવેરની ગરમ ગરમ દાળ... અનેક ઉદાહરણ આપી શકાય. જોકે, આ કોમ્બિનેશનમાં સ્વાદ સાથે વિજ્ઞાન પણ જોડાયેલું હોય છે.
રસ રોટલીના ભોજન પછી ફજેતો (કેરીના પલ્પ સાથે ચણાનો લોટ, છાસ, સૂંઠ અને હિંગની મદદથી તૈયાર થતી કેરીની કઢી) પીવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. કેરીનો રસ પચવામાં ભારે હોય છે. છાસ પાચન સરળ બનાવે છે અને સૂંઠ - હિંગનો ઉપયોગ ગેસ કે અપચો થતા અટકાવે છે. એવી જ રીતે જમણવારમાં ચુરમાના લાડુ સાથે દાળનું કોમ્બિનેશન ઉત્તમ ગણાય છે. ચુરમાના લાડુ ઘઉંના જાડા લોટ, ઘી અને ગોળ કે ખાંડમાંથી બને છે. આ બધું પચવામાં ભારે હોય છે. તુવેરની દાળમાં આદુ, મરચાં, લીંબુ, કોકમ અને ખાસ કરીને હિંગનો વઘાર હોય છે. હિંગ અને આદુ પાચન ક્રિયાને તેજ કરે છે, જેથી લાડુ ખાધા પછી પેટ ભારે ભારે નથી થઈ જતું, ગેસ પણ થતો નથી અને ખોરાક સહેલાઈથી પચી જાય છે.
આહાર એટલે ખોરાક, મનુષ્યની પાચનશક્તિને અનુકૂળ કરાયેલ ખાદ્ય પદાર્થો. જીવનને ટકાવી રાખનારાં ત્રણ અનિવાર્ય સાધનો હવા, પાણી અને આહાર ગણાય છે. આહાર અને તંદુરસ્ત મનુષ્ય વચ્ચેનો સંબંધ સમજાવતી વિજ્ઞાનની શાખાને પોષણવિજ્ઞાન કહે છે. વિટામિન્સ, મિનરલ્સ સહિત અન્ય પોષક દ્રવ્યો પૂરા પાડી શકે તેવા આહારને સમતોલ આહાર કહે છે.આપણા આહારમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. કયું તત્ત્વ શરીરને ઊર્જા આપે છે અને કયું તત્ત્વ સ્નાયુઓ બનાવે છે એ વિજ્ઞાન સમજાવે છે. ખોરાકને રાંધતી વખતે તેમાં થતા ફેરફારો પણ વિજ્ઞાન છે. દૂધમાંથી દહીં બનવું (બેક્ટેરિયાની પ્રક્રિયા) એનું જાણીતું ઉદાહરણ છે.
વિજ્ઞાનમાં જોડકણાં ને જોડકણાનું વિજ્ઞાન
જોડકણું એટલે કલ્પનાથી જેમતેમ જોડી કાઢેલું ગીત. અસલના વખતમાં ગામડાંઓમાં આજના જેવી શિક્ષણવ્યવસ્થા નહોતી ત્યારે લોકવાર્તા, લોકગીતો, ટુચકા, ઉખાણાં અને જોડકણાં જેવા કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકસમાજમાં શિક્ષણનું અને સમાજઘડતરનું કામ થતું. ગેય પ્રાસવાળી રચના હોવાથી બાળકોને અને સાંભળનારને જલદી યાદ રહી જાય છે. પ્રથમ નજરે જોડકણાં કેવળ મનોરંજન આપતી પંક્તિઓ લાગે, પણ એની પાછળ સચોટ વૈજ્ઞાનિક કારણ છે.વિજ્ઞાનમાં જોડકણાં એ વિષયને આસાન બનાવે છે, જ્યારે જોડકણાનું વિજ્ઞાન માનવ મગજ માટે લય અને સંગીત જરૂરી અને ફાયદાકારક છે એ સિદ્ધ કરે છે.
ભણતરમાં આ બંનેનો સમન્વય લાભકારક છે. વિજ્ઞાનનો વિષય શીખવતા ચતુર શિક્ષકો જોડકણાંની મદદ લેતા. સૂર્યમાળામાં જે ગ્રહો છે એને ક્રમવાર યાદ રાખવા એક જોડકણું શીખવવામાં આવતું, જેમકે... ‘બુધ, શુક્ર ને પૃથ્વી માતા, મંગળ ગુરુ છે જ્ઞાનના દાતા, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન સંગે, ફરે બધા આકાશી રંગે.’ આ જોડકણું યાદ રાખવાથી ગ્રહોનો ક્રમ બરાબર યાદ રહે છે. બાળકો લયબદ્ધ જોડકણાં સાંભળે ત્યારે ડાબું અને જમણું એ મગજના બંને ભાગ સક્રિય થાય છે. ડાબું મગજ શબ્દોને સમજવાની કોશિશ કરે જ્યારે જમણું મગજ સંગીત કે લયને સમજે છે. લયબદ્ધ અને પ્રાસયુક્ત પંક્તિઓ મગજમાં આસાનીથી સચવાઈ જાય છે. આને કારણે બાળકની યાદશક્તિ તીવ્ર બને છે. બાળકને આંકડાની સમજણ આપવા ઉખાણાની મદદ લેવામાં આવતી હતી.
‘એકડે એક, પાપડ શેક, બગડે બે, રામ નામ લે, તગડે ત્રણ, વેઢા ગણ, ચોગડે ચાર, બેડો પાર, પાંચડે પાંચ, કવિતા વાંચ, છગડે છ, ન શિખેતે ઢ, સાતડે સાત, સાંભળો વાત, આઠડે આઠ, લખજો પાઠ, નવડે નવ, લડશો નવ, એકડે મીંડે દસ, આવી ગઈ બસ..’ આમ લયબદ્ધ રચના અને દરેક અંક સાથે પ્રાસ બેસે એવા શબ્દોનો ઉપયોગને કારણે બાળકોનું મગજ એ તરત સંગ્રહિત કરી શકતું અને એ જલદી મોઢે થઈ જતું.
મધમાખીઓ કેમ ડંખવા ઊમટે છે?
‘ભંવરા બડા નાદાન હૈ’ એ ગીતકારની કલ્પના છે. હકીકતમાં ભંવરા ચાલાક ઔર સમજદાર હૈ. ડંખવા માટે મધમાખીમાં દિમાગની બત્તી કઈ રીતે થાય છે એ કાયમ રસનો વિષય રહ્યો છે. સંશોધકોએ વિવિધ પ્રયોગો કરીને અભ્યાસ કરી રહ્યા છે. અનેક પ્રયોગો અને અવલોકન પછી તો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે ખતરાની ઘંટી વાગે ત્યારે મધમાખીઓની ડંખ મારવાની વૃત્તિ એકદમ પ્રબળ બની જતી હોય છે. આમ થવાનું કારણ છે ન્યુરો મોલેક્યુલર મિકેનિઝમ.
સંશોધકોએ આ વિષયમાં ઊંડો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસના એક તારણ પ્રમાણે ચોક્કસ પ્રકારની ગંધ આવવાને કારણે આ મધમાખીના શરીરમાં રહેલું ફેરોમોન નામનું તત્ત્વ મગજમાં રહેલા સિરોટોનિન અને ડોપામાઈન નામના ઘટકોનું પ્રમાણ વધારી દે છે. ફેરેમોન એટલે એક જ જાતિના એક સભ્ય દ્વારા બીજા સભ્ય તરફ માહિતી મોકલવા માટે મોલેક્યુલર મેસેન્જર તરીકે કાર્ય કરતા કાર્બનિક પદાર્થોનો સમૂહ. ફેરોમોન શબ્દ ગ્રીક શબ્દ ફેરિન એટલે લઈ જવું અને હોર્મોન એટલે ઉત્તેજિત કરવું એમ બે શબ્દો પરથી તૈયાર થયો છે. આ ઘટકો મધમાખીની ડંખ મારવાની પ્રક્રિયામાં વેગ લાવી દે છે. એટલે મધમાખીઓ નજીક રહેલી વ્યક્તિ પર સમયસર હુમલો કરવામાં સફળ રહે છે. હવે તમે સમજી ગયા હશો કે કે મધપૂડામાંથી મધ કાઢવા જતા કાર્યકર્તાઓ શું કામ માથાથી પગની પાની સુધી રક્ષણ કરતા વસ્ત્રો તેમ જ અન્ય સાધનોનો ઉપયોગ કરતા હોય છે.
ઓપ્ટોજેનેટિક્સનો શું લાભ થશે?
2026નું ફિઝિયોલોજી-મેડિસીનનું નોબેલ પ્રાઇઝ કાર્લ ડિસોરથ, પીટર હેગેમન અને જ્યોર્જ નેગલને સંયુક્તપણે એનાયત થયું છે. આ સન્માન જે સંશોધન માટે એમને આપવામાં આવ્યું છે એમાં Optogenetic - ઓપ્ટોજેનેટિક્સનો ઉલ્લેખ છે. ઓપ્ટોજેનેટિક્સ એક ટેકનોલોજી છે જેમાં પ્રકાશ અને જેનેટિક્સનો ઉપયોગ કરીને મગજના કોષોને નિયંત્રિત કરવામાં આવે છે. સરળ ભાષામાં એમ કહી શકાય કે આ ટેકનોલોજી વૈજ્ઞાનિકોને ‘ન્યુરોન્સ’ તરીકે ઓળખાતા મગજના ચોક્કસ કોષોને નાની લાઈટની જેમ ચાલુ કે બંધ કરવાની શક્તિ આપે છે.
પ્રકાશ પડતા જ સક્રિય થતા પ્રોટીન શોધી એને જીનેટિક એન્જિનિયરીંગની મદદથી મગજમાં દાખલ કરવામાં આવે છે. આ ન્યુરોન્સ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ બની જાય છે. એના પર પ્રકાશ પડવાથી કોષો સક્રિય થઈ જાય છે. માણસનું મગજ કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે આ ટેકનોલોજી ખૂબ મહત્ત્વની છે. ભવિષ્યમાં પાર્કિન્સન્સ, અલ્ઝાઈમર અને ડિપ્રેશન જેવી મગજની ગંભીર બીમારીઓનો સચોટ ઈલાજ શોધી શકાશે એવી સંભાવના છે. ટૂંકમાં માનવ સમાજ માટે એ આશીર્વાદ સાબિત થઈ શકે એમ છે.