Sun Oct 11 2026

Logo

‘આંતરિક બાબતોમાં દખલ કરશો નહીં’, દિલ્હી પ્રદર્શન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની ટિપ્પણી પર ભારતનો કડક જવાબ

2026-10-11 09:00:00
Author: Vimal Prajapati
‘આંતરિક બાબતોમાં દખલ કરશો નહીં’, દિલ્હી પ્રદર્શન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની ટિપ્પણી પર ભારતનો કડક જવાબ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં CJP દ્વારા કરવામાં આવેલા મોટા પાયાના વિરોધ પ્રદર્શનો અને તે દરમિયાન થયેલી પ્રદર્શનકારીઓની અટકાયતનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. 10 ઓક્ટોબર 2026ના રોજ પ્રદર્શનકારીઓ અને આંદોલનના નેતાઓની અટકાયત અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય (OHCHR) દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેના પર ભારતે અત્યંત સખત વલણ અપનાવતા યોગ્ય જવાબ આપ્યો છે. યુએન દ્વારા ભારતના આંકરિત મુદ્દાઓ પર જે ટિપ્પણી કરતી પોસ્ટ કરવામાં આવી તેમાં ભારત દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે.

UN માનવાધિકાર કાર્યાલયે શું ચિંતા દર્શાવી હતી? 

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા થામીન અલ-ખીથાન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પહેલાં કરવામાં આવેલી અટકાયતના અહેવાલો પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. UN એ ભારતીય સત્તાવાળાઓને શાંતિપૂર્ણ સભા યોજવાના અધિકારનું પાલન કરવા અને અટકાયતમાં લેવાયેલા લોકોને બિનશરતી મુક્ત કરવાની અપીલ કરી હતી. 

 

ભારતે યુએનને આકરો જવાબ આપ્યો

જિનેવામાં સ્થિત સંયુક્ત રાષ્ટ્ર ખાતેના ભારતના સ્થાયી મિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક સત્તાવાર નિવેદન જારી કરીને OHCHRની ટિપ્પણીઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. ભારતે આ નિવેદનોને ‘અયોગ્ય’ અને ‘દેશની આંતરિક બાબતોમાં બિનજરૂરી હસ્તક્ષેપ’ ગણાવ્યા છે. ભારતે કહ્યું કે, શાંતિપૂર્ણ રીતે એકઠા થવાનો અધિકાર ભારતીય બંધારણમાં નાગરિકોને આપેલો મૂળભૂત અધિકાર છે. પરંતુ જાહેર વ્યવસ્થા અને શાંતિ (Public Order) જાળવવા માટે આ અધિકાર પર કાયદાકીય મર્યાદાઓ પણ લાગુ થઈ શકે છે. જેથી સંયુક્ત રાષ્ટ્રને સલાહ આપી કે, તેમણે વિશ્વના અન્ય ભાગોમાં થતા મોટા વિરોધ પ્રદર્શનો પર પણ સરખી જ નિષ્પક્ષતાથી ધ્યાન આપવું જોઈએ અને કોઈ પણ પક્ષપાત વિના પોતાની જવાબદારી નિભાવવી જોઈએ

 


દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે વહીવટીતંત્રે હાથ ધરેલી કાર્યવાહી કાયદાના દાયરામાં છે, તેવું કહેતા ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશના આંતરિક મુદ્દાઓને ઉકેલવા માટે ભારતીય લોકશાહી અને ન્યાયિક પ્રક્રિયા સંપૂર્ણપણે સક્ષમ છે. આથી, બહારી સંસ્થાઓનો બિનજરૂરી હસ્તક્ષેપ સ્વીકાર્ય રહેશે નહીં. આ સાથે યુએનને વિશ્વના અન્ય પ્રદર્શનો પર ધ્યાન આપવા અને તેના પર ભાર આપવા માટે પણ અપીલ કરી છે.