મિલકતની નોંધપોથી - નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
કોઈ પણ વ્યક્તિને પોતાની મિલકતો પોતાના મૃત્યુ બાદ પોતાની ઇચ્છા, મનમરજી મુજબ વ્યવસ્થા કરવાનો પૂરેપૂરો હક અને અધિકાર છે અને તેવી વ્યવસ્થા કરવા વિલ યાને વસિયતનામું બનાવવામાં આવે છે.
વિલ કરનાર પોતાનાં સંતાનો અથવા કોઈ પણ સગાં-સંબંધી યા ત્રાહિત વ્યક્તિને તેઓની હયાતી બાદના મિલકતના માલિક બનાવવા એ તેમની મનમરજી ઉપર હોય છે.
વિલ કરનાર વસિયતનામા અન્વયે વારસદારો પૈકી કોઈ એક વારસદારને માલિક ઠરાવ્યો હોય તો તે સિવાયના વારસદારો તેવા વિલ યાને વસિયતનામા અંગે તકરાર કરતા હોય છે.
આવા પ્રકારની વિલની તકરાર થાય તેવા સંજોગોમાં વિલનો અમલ દરેક સરકારી-અર્ધસરકારી કચેરીઓમાં કરાવવા માટે અથવા કોઈક સંજોગોને આધીન વિલના લાભાર્થીએ પ્રોબેટ મેળવવાની જરૂરિયાત ઊભી થાય છે.
જ્યારે આવા વિલ અંગે પ્રોબેટની અરજી માનનીય કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવે છે અને તે પ્રોબેટ અરજીના કામે વિલની સત્યતાની ચકાસણી યાને કે વિલ સાચું છે કે ખોટું? તેની ન્યાયીક તપાસ કરવામાં આવે છે.
વિલ કરનારે સાક્ષીઓની રૂબરૂ વિલ કરનારે સહી કરી છે કે કેમ? તેમ જ વિલ કરનારની રૂબરૂ સાક્ષીઓએ સહી કરી છે કે કેમ? વગેરે જેવી કાયદાકીય જોગવાઈઓ પરિપૂર્ણ કરતું વસિયતનામું બનાવેલ છે તે પ્રોબેટ અરજીના કામે ચકાસણી-તપાસ કરી અને યોગ્ય પુરાવાઓ મેળવી માનનીય કોર્ટ દ્વારા વિલના કાયદેસર અંગે ન્યાય-નિર્ણય કરવામાં આવે છે.
પ્રોબેટ અરજીના કામે વિલમાં દર્શાવેલ મિલકત વડીલોપાર્જિત મિલકત હતી કે કેમ? યા સ્વપાર્જિત મિલકત હતી કે કેમ? તેવી મિલકતોના માલિક, મુખત્યાર કે કબજેદાર તેઓ હતા કે કેમ? વગેરે જેવા કાયદાકીય મુદ્દાઓ પ્રોબેટ અરજીના કામે તપાસવામાં આવતા નથી કે તે અંગે ન્યાયનિર્ણય કરવામાં આવતો નથી.
પ્રોબેટ અરજીમાં ફકત વિલની સત્યતાની ચકાસણી યાને કે વિલ સાચું છે કે ખોટું? તેની ન્યાયીક તપાસ કરવામાં આવે છે અને તેવી પ્રોબેટ અરજીના કામે પ્રોબેટ આપનારી અદાલત મિલકતની માલિકીનો પ્રશ્ર્ન નક્કી કરી શકે નહીં.
(સંદર્ભ: બાપુભાઈ સોમાભાઈ પટેલ, ગુજરનારના વારસદારો અને કાયદેસર પ્રતિનિધિઓ વિરુદ્ધ વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલ - નામદાર ગુજરાત હાઈ કોર્ટ)