Sun Oct 11 2026

Logo

‘શિકારી’ શબ્દ ગેરસમજ ફેલાવે એવો છે!

2026-10-11 08:47:00
Author: Vinod Bhatt
‘શિકારી’ શબ્દ ગેરસમજ ફેલાવે એવો છે!

 

 

 

વિનોદ ભટ્ટ

 

અમારા પ્રિય લેખક અર્નેસ્ટ હેમિંગ્વે વિશે તેની અંગત વાતો જાણીને અમને ઘણું દુ:ખ થવું. હેમિંગ્વેના પિતા ડૉકટર હતા અને પોતના આ પુત્રને ખાસ સલાહ આપતા કે ચિરંજીવી, ઇશ્ર્વરથી ડરજે ને સ્ત્રીને માન આપજે. તેણે  એમ માન્યું તે સ્ત્રીને પરણવાથી જ તેને માન આપ્યું ગણાય, આથી તેણે એક પછી એક એમ ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. આ રેય સ્ત્રીઓની એવી ફરિયાદ હતી કે હેમિંગ્વે અમને લગ્ન પહેલાં માનના વિકલ્પે પ્રેમ આપતો ને પ્રેમ તથા લગ્ન વચ્ચે ભેળસેળ ન થાય એ માટે લગ્ન બાદ તો પ્રેમ પણ નહોતો કરતો. જોકે તેનો ઉછેર સ્ત્રીઓના વૃંદમાં થયો હતો. મા, ચાર બહેનોને અક રસોઇયણ. સ્ત્રીઓનું જ સામ્રાજય. આ કારણે તેની મા તેને છોકરીનાં કપડાં પહેરાવતી, છોકરીની માફક ઉછેરતી.

 

તેના પિતાએ તેને સારા શિકારી થવાની શિખામણ પણ આપી હતી. અહીં પણ તેણે ગેરસમજ કરી. તે સ્ત્રીઓનો શિકાર સમજયો. પત્નીની બાબતમાં તે લોકશાહીમાં નહોતો માનતો, આપખુદ હતો. તો પણ ચારમાંની ત્રણ પત્નીઓ  કહ્યાગરી હતી એટલે તેમને છૂટાછેડા આપ્યા ને ચોથી (ક્રમમાં ત્રીજી)  પત્ની માર્થા ગેલ્હોર્ન (Martha Gelhorn) સ્વતંત્ર મિજાજની હતી એટલે તેને છોડી દીધી. પણ તેનામાં એટલી પ્રામાણિકતા હતી કે તેણે પહેલી સ્ત્રીને છૂટકો આપવા બદલ પસ્તાવો જાહેર કર્યો હતો ને ત્રીજી સાથે પરણવાના કાર્યને સૌથી મોટી ભૂલ ગણાવી હતી. આમ, તો તેને ધર્મમાં સમૂળગી શ્રદ્ધા નહોતી. પણ પોતાની માને તેણે હૈયાધારણ આપી હતી કે ‘તું ચિંતા કરીશ નહીં. હું એક સારો ખ્રિસ્તી થઇશ.’ પણ પછી તો માને ચિંતા થાય એ રીતે જ તે વર્તતો. તે સૌંદર્યને પોતાનો ધર્મ માનતો. બીજી પત્ની પૉલિનને રાજી કરવા તેણે રોમન કૅથલિક ધર્મ અપનાવ્યો.

 

હેમિંગ્વેની હૉબીઝમાંની એક હૉબી. ખોટું બોલવાની હતી. પ્રેમમાં ને યુદ્ધમાં માણસ જે કંઇ ખોટું બોલે તે માફ છે. એ કારણે તે બંને મોરચે જૂઠું બોલતો. તે કહેતો કે સ્પેનના આંતરવિગ્રહ વખતે ઇટાલીના મોરચે લડવા ગયેલો ત્યારે તેના પર બે વખત મશીનગનમાંથી ગોળીઓ છૂટી હતી, પણ તેમાંથી તે કુનેહપૂર્વક (અને નૉબેલ પ્રાઇઝ લેવાનું હોવાથી) બચી ગયો હતો.  મશ્કરા લોકો તેને મજાકમાં પૂછતા કે એ સાચે જ મશીનગન હતી? તમે યુદ્ધ મોરચે લડવા ગયા ત્યારે તમારી સાથે બીજા કોણ-કોણ હતા? કે પછી તમે સાવ એકલા એકલવીર થઇને લડવા ગયેલા? હકીકત એવી હતી કે નબળી આંખોએ તેને યુદ્ધનાં મોરચે જતાં રોકી પાડયો હતો.

 

તેની આંખો નબળી હતી એ કરતાંય તેની મોટી નબળાઇ પૈસો હતી. પૈસો ઊંચકવા માટે તે જાણીબૂજીને પ્રેમમાં પડતો. તેની પહેલી પત્ની હેડલી રિચર્ડસન તેના કરતાં ઉંમરમાં આઠ વર્ષ મોટી હતી, પણ ધનમાં તો એથી પણ મોટી હતી, એટલે તેની સાથે પરણી ગયો. તેના પૈસે તાગડધિન્ના કરવા માંડ્યા. પછી આ સ્ત્રી શરીરમાં જાડી ને પૈસામાં પાતળી પડવા માંડી એટલે હેમિંગ્વે હેડલી તરફથી નજર ખસેડી કોઇ સુંદર ધનિક સ્ત્રી પર નજર ફેરવવા લાગ્યો. હેમિંગ્વેની પસંદગી ધનિક સુંદર અને મૂર્ખ છોકરી પર ઢળતી. જેથી તે બુદ્ધિશાળી હોવાનો રુઆબ તેના પર છાંટી શકે. તેને બીજી પત્ની તરીકે પૉલિન (Pauline) મળી. જે પહેલી સ્ત્રી કરતાંય વધુ શ્રીમંત બાપની બેટી હતી. આ પૉલિન હેમિંગ્વેને ખરેખર ફળી. હેમિંગ્વેને કુલ ચાર લગ્નોમાંથી ત્રણ પુત્રરત્નો પ્રાપ્ત થયાં. એમાંના બે તો પૉલિને જ આપ્યા. ઉપરાંત ફલોરિડામાં એક સુંદર બંગલો પણ ખરીદી આપ્યો. ‘બસ, આનાથી વધારે કશું જ મારે જોઇતું નથી,’ એમ કહીને હેમિંગ્વે તેને ડિવૉર્સ આપી દીધા. જોકે પૉલિન તો હેમિંગ્વેને પોતાનાથી નાસતો અટકાવવા લાલચ પણ આપી હતી કે ‘મારા પૂજય પિતાશ્રી પાસે હજી ઘણા પૈસા બચ્યા છે. તમારે કેટલા જોઇએ છે? જણાવો. પણ હવે કોઇ સ્ત્રીને ફસાવવા પ્રયાસ ન કરશો, નહીં તો ખુદ તમે જ ફસાઇ જશે.’

 

પણ હવે તો હેમિંગ્વેને ઉંદર-બિલ્લીનો ખેલ રમવાનું વ્યસન જ પડી ગયું. માર્થા ગેલહોર્ન નામની એક રિપોર્ટર તેને અમેરિકાના ‘કી વેસ્ટ’બારમાં મળી ગઇ. શરાબમાં શબાબનો નશો ઉમેરાયો. બન્ને ઝડપથી પ્રેમમાં પડી પરણી ગયાં. માર્થા તો આજેય 84 વર્ષની વયે જીવે છે અને તેનો પતિ હેમિંગ્વે કેવો શંકાશીલ, દ્વેષી અને જુલમી હતો. એની રોષપૂર્વક ફરિયાદ કરે છે. અર્નેસ્ટ સાથે પાંચ વર્ષ તે માંડમાંડ પૂરાં કરી શકી. પતિ કયાંક બહાર જાય તો આ પત્નીને ઘરમાં પૂરીને બહાર જતો. તાળાને સૌંદર્ય સોંપીને તે બહાર નીકળતો. પોતાની પત્નીને સારી પત્રકાર- લેખિકા તરીકે તે સ્વીકારવા તૈયાર નહોતો. કોઇ પ્રતિષ્ઠિત સામયિકમાં માર્થાનો લેખ છપાય તે અર્નેસ્ટને બતાવે ત્યારે અર્નેસ્ટ તિરસ્કારથી તુચ્છકારથી હસીને કહેતો: ‘બહુ હરખાવાની જરૂર નથી. તું સારું લખે કે સારી લેખિકા છે એ કારણે તારા લેખો નથી છપાતા. પણ તું સુંદર અને આકર્ષક છે, એટલે તું જે કંઇ આપે તે એ લોકો છાપી નાખે છે. રૂપાળી સ્ત્રીઓને ખુશ રાખવાનું અને તેનો ગેરલાભ લેવાનું તંત્રીઓને ગમતું હોય છે.’ હેમિંગ્વેથી માર્થાની સફળતા સહન નતોહી થતી ને માર્થા  પતીની જોહુકમી સહી શકતી નહોતી. અત્યારે તો માર્થા સખત ગુસ્સાથી કહે છે કે ‘મને એ વાત પર નફરત છે કે હેમિંગ્વે સાથે સાંકળીને કોઇ મારી વાત કરે. તેને હું ધિક્કારું છું.’

 

હેમિંગ્વેના મૅરી વેલ્શ સાથેના ચોથા ને છેલ્લા લગ્નની વાત ઉપરાંત તેનાં લફરાંની વાત કરીને તમને તેની પત્નીઓને પડયો હતો તેવો ત્રાસ આપવાની ઇચ્છા નથી... પણ સુંદરીઓ જેટલો જેટલો અનુરાગ તેને શરાબ પર પણ હતો. તેને જ્યારે પણ તરસ લાગે ત્યારે તે પાણીની જગ્યાએ દારૂ પીતો ને એ રીતે પાણી બચાવતો. સવારના નાસ્તામાં દારૂ હોય જ. બપોરે ચામાં પણ જીન રેડીને પીતો ને એ રીતે ચામાં જીનનો ને જીનમાંથી ચાનો સ્વાદ મેળવવા પ્રયાસ કરતો. પણ પછી બંનેનો સ્વાદ ગુમાવી બેસતો. ધીરેધીરે તેણે જીનનો સ્વાદ પણ ગુમાવવા માંડયો. છેક 62 વર્ષની ઉંમરે તેને લાગ્યું કે જીવન નિરર્થક છે એટલે પછી પોતાના પિતાને આદર્શ ગણી, તેમનામાંથી પ્રેરણા લઇ, 1961ની બીજી જુલાઇએ પોતાની રિવૉલ્વરને તેણે પોતાની નિરર્થક જિંદગી સોંપી દીધી...