છેલ્લા કેટલાક સમયથી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ડાયરેક્ટ રોકાણ કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. આવા ઇન્વેસ્ટર્સની વધતી સંખ્યા પરિવર્તનની નિશાની છે, પરંતુ આના લાભ-ગેરલાભ સમજવા જોઈએ
જયેશ ચિતલિયા
મ્યુચ્યુઅલ ફંડના પ્લાનમાં મધ્યસ્થી વિના સીધું રોકાણ કરનાર ઇન્વેસ્ટરોને સીધો પ્રથમ લાભ તેના ખર્ચની બચતનો થાય છે. એજન્ટ મારફત કરવામાં જે ખર્ચ ઉઠાવવો પડે છે તેની તુલનાએ ડાયરક્ટ રોકાણમાં રોકાણકારની બચત થાય છે. પરિણામે જેમ-જેમ અવેરનેસ અને સમજણ વધી રહી છે તેમ-તેમ ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાનમાં રોકાણની વૃદ્ધિ થઈ રહી છે. ફંડ ડિસ્ટ્રિબ્યુટરનું કમિશન બચી જવાને લીધે રોકાણકારની ખર્ચ બચત થાય છે, જેને લીધે લાંબી મુદતમાં રોકાણકારો માટે વધુ વળતર પ્રાપ્તિનો અવકાશ ઊભો થાય છે.
અગ્રણી રેટિંગ એજન્સી ‘ક્રિસિલ ઇન્ટેલિજન્સ’ના અભ્યાસ મુજબ રિટેલ ઇન્વેસ્ટરોમાં ડાયરેક્ટ પ્લાન ઇન્વેસ્ટમેન્ટમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે પરિણામે ડાયરેક્ટ પ્લાનમાં મ્યૂચ્યૂઅલ ફંડ એસેટ્સનો હિસ્સો માર્ચ 2021માં 21.4 ટકા હતો તે વધીને માર્ચ 2026માં 36.7 ટકા થયો. આમ તો ડાયરેક્ટ અને રેગ્યુલર, બંને પ્લાન એક જ પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટ કરે છે અને એક જ ફંડ મૅનેજર દ્વારા તેમનું સંચાલન થાય છે. જોકે તે મુખ્યત્વે બે બાબતમાં ભિન્ન હોય છે: એકમાં ઇન્વેસ્ટર એ પ્લાનમાં સીધો પોતે રોકાણ કરે છે અને બીજામાં મધ્યસ્થી મારફત રોકાણ થતું હોવાથી ડિસ્ટ્રિબ્યુટરનું કમિશન કપાય છે, જેથી ડાયરેક્ટ પ્લાનનો એક્સ્પેન્સ રેશિયો ઓછો રહે છે અને સમયની સાથે સાથે અલગ અલગ નેટ એસેટ વૅલ્યૂ (NAV) અને રિટર્ન-વળતર વધુ મળે છે.
આર્થિક આયોજનમાં પરિવર્તન
ડાયરેક્ટ ઇન્વેસ્ટિંગ તરફ લોકોનો ઝોક રોકાણકારોના નાણાકીય આયોજનમાં એક મોટું પરિવર્તન દર્શાવે છે. આ પરિવર્તન લોકોની ડિજિટલ પહોંચ, પ્રોડક્ટ પ્રત્યે લોકોમાં વધી રહેલી જાગૃતિ અને ઇન્વેસ્ટમેન્ટ પાછળ થતા ખર્ચ પ્રત્યે એમની સંવેદનશીલતાને કારણે શક્ય બન્યું છે. વળી આ પરિવર્તન માત્ર રીટેલ ઇન્વેસ્ટરો સુધી સીમિત નથી રહ્યું, પણ જુદી જુદી વ્યક્તિગત શ્રેણીઓમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હાઈ-નેટવર્થ વ્યક્તિઓ (HNIs) માટે ડાયરેક્ટ રીતે ઇન્વેસ્ટ કરેલી એસેટ્સનો હિસ્સો જે 2021માં 28.8 ટકા હતો તે 2026માં વધીને 35.1 ટકા થયો છે. જ્યારે બિન-નિવાસી ભારતીયો (NRIs) માટે આ વૃદ્ધિ આંક 19.4 ટકાથી વધીને 27.3 ટકા થઈ છે.
સંસ્થાકીય રોકાણકારો મુખ્યત્વે ડાયરેક્ટ પ્લાનના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જેમાં બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ 87.8 ટકા AUM સાથે મોખરે છે. ત્યાર પછી આવે છે કૉર્પોરેટ (72.2 ટકા) અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો FII) 69 ટકા AUM ધરાવે છે. આમ છતાં રેગ્યુલર પ્લાનના રોકાણકાર વર્ગે હજી પણ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે.
માત્ર કમિશન બચાવવા આ માર્ગ ન લેવાય
રિટેલ ઇન્વેસ્ટર્સનો સવાલ છે ત્યાં તેમણે માત્ર કમિશન બચાવવાના ઉદેશથી ડાયરેક્ટ પ્લાનમાં જવું જોઈએ નહીં. તેમને પોતાને કઈ સ્કીમમાં ક્યારે અને કેટલું રોકાણ કરવું જોઈએ તેની વ્યવસ્થિત સમજ હોય તો જ ડાયરેક્ટ પ્લાન કરાય. યાદ રહે, મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં કરાતું રોકાણ પણ આખરે તો સમગ્ર આર્થિક આયોજનનો એક ભાગ ગણાય. આ રોકાણ શૅરબજાર જેવું હોતું નથી, બલકે લાંબો સમય માગી લે છે. તેનો પોર્ટફોલિયો બનાવવામાં પણ અભ્યાસ જરૂરી બને છે. ફંડ ઉદ્યોગમાં સતત નવી-નવી યોજનાઓ આવતી રહે છે, તેનાં પણ જુદાં પરિબળો અને સંભવિત જોખમ તેમ જ સંભવિત લાભ સમજવા પડે. વૈવિધ્યકરણ કઈ રીતે થઈ શકે તે પણ સમજવું પડે. અલબત્ત, એજન્ટ મારફત રોકાણ કરતી વખતે કમિશન કરતાં તેની સલાહનું મહત્ત્વ વધુ છે, તે પોતાના હિતમાં તમને રોકાણ ન કરાવતો હોય એવી સમજ-બુદ્ધિ હોવી જરૂરી બને. આ પણ એક વિશ્વાસનો સંબંધ છે, જ્યાંં તમને શંકા જાય તો સવાલ કરવા જોઈએ, એ એજન્ટ શા માટે ચોક્ક્સ સ્કીમમાં રોકાણ કરવાનો આગ્રહ રાખે છે એ સમજવું જોઈએ. તેની સેવાઓની ગુણવત્તા અને વિશ્ર્વસનીયતા સમજવી પડે, પરંતુ માત્ર કમિશનને લીધે સમજણ વિનાનું રોકાણ કરાય નહીં.
અલબત્ત, તમારી પાસે અલગથી ટ્રસ્ટ રાખી શકો તેવો ફાઇનાન્સિયલ પ્લાનર કે ઍડવાઇઝર હોય તો વાત જુદી છે.
રોકાણકારોએ વધુ જાગ્રત બનવું
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો ગ્રોથ સતત વધી રહ્યો છે, ખાસ કરીને શૅરબજારની મંદીમાં પણ ફંડ ઉદ્યોગને રોકાણ પ્રવાહ મળતો રહે છે. લોકો મ્યુચ્યુઅલ ફંડ સહી હૈમાં વધુ માનતા થયા હોવાનું પ્રતીત થાય છે. આ ટ્રેન્ડ હજી વધશે. તેમાં નવી યોજનાઓ પણ આવતી રહેશે, વૈવિધ્યકરણ પણ થતાં રહેશે. જેમ હરીફાઇ વધશે તેમ તક પણ વધશે. ડિજિટલ માધ્યમ કૉસ્ટ નીચે લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે, જોકે રોકાણકારોએ પોતે વધુ અભ્યાસુ, રિસર્ચ આધારિત અને સ્માર્ટ બનવું જોઈશે, ડાયરેક્ટ પ્લાનમાં અયોગ્ય રોકાણ કરીને નુકસાનમાં ન પડે એ કાળજી રોકાણકારોએ પોતે જ લેવાની રહેશે.