નવી દિલ્હી: દિલ્હીમાં ગઈ કાલે મોટી સંખ્યામાં સીજેપી (કોક્રોચ જનતા પાર્ટી)ના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતા. સીજેપી દ્વારા 10 ઓક્ટોબરે જંતર-મંતર પર યોજાયેલા વિરોધ પ્રદર્શન અને દિલ્હી પોલીસ દ્વારા લેવાયેલા સુરક્ષાત્મક પગલાંને કારણે રાજધાનીના વેપાર-ઉદ્યોગ પર ગંભીર અસર પડી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સુરક્ષાના કારણોસર નવી દિલ્હી વિસ્તારના તમામ પ્રમુખ બજારો બંધ રહેતા એક જ દિવસમાં અંદાજે રૂપિયા 2,000 કરોડનો વેપાર ઠપ થઈ ગયો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારી સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ CJP સહિત તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને દિવાળી સુધી દિલ્હીમાં કોઈ પણ પ્રકારના ધર્ણા-પ્રદર્શન નહીં કરવાની અપીલ કરી છે.
તહેવારોની સિઝનમાં 20 લાખ વેપારીઓ ચિંતિત
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સીજેપી અને વિપક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનની અસર અત્યારે વેપાર પર પડી રહી છે. આના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પણ થઈ રહ્યું છે. ખાસ કરીને આ આંદોલન દિવાળી અને નવરાત્રિ જેવા વેપારની સિઝનમાં થઈ રહ્યાં હોવાના કારણે વેપાર ઠપ થવાની ભીતિ વેપારીઓમાં વ્યાપી રહી હોવાથી વેપારી સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.
CTI એ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, આજથી આસો નવરાત્રિ અને રામલીલા ઉત્સવ શરૂ થઈ રહ્યા છે, જે દિલ્હીના 20 લાખથી વધુ વેપારીઓ માટે આખા વર્ષની સૌથી મોટી કમાણીની સીઝન હોય છે. જો આવા આંદોલનો અને રસ્તા-મેટ્રો બંધ રહેવાની સ્થિતિ લાંબો સમય ચાલશે, તો દિલ્હીનું અર્થતંત્ર તૂટી પડશે.
10 ઓક્ટોબરે સદર બજાર, ચાંદની ચોક, ચાવડી બજાર, કનોટ પ્લેસ, કરોલ બાગ અને લાજપત રાય માર્કેટ જેવા દિલ્હીના મુખ્ય વેપારી કેન્દ્રો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. જેના કારણે દિલ્હી બહારથી દરરોજ આવતા ત્રણથી 4 લાખ ખરીદદારો ટ્રાફિક અને સુરક્ષાના ડરે દિલ્હી ન આવ્યા! માત્ર રિટેલ વેપાર જ નહીં, પરંતુ હોટેલ, રેસ્ટોરા, સર્વિસ સેક્ટર, ટ્રાન્સપોર્ટ અને ટૂરિઝમ ક્ષેત્રે પણ બુકિંગ કેન્સલ થતાં કરોડોનું નુકસાન થયું છે.
બીજા શહેરોમાં પ્રદર્શન કરવાની અપીલ
દિલ્હી આખા દેશનું સૌથી મોટું ડિસ્ટ્રિબ્યુશન હબ છે. CTI એ સ્પષ્ટ કર્યું છે કે, દિલ્હીમાં દર વર્ષે 650થી વધુ જગ્યાએ રામલીલાનું આયોજન થાય છે, જેનાથી લાખો લોકોને રોજગારી મળે છે. જો પ્રદર્શનોના કારણે મેટ્રો સ્ટેશનો બંધ રહેશે તો લોકો રામલીલા અને બજારો સુધી પહોંચી શકશે નહીં.
આથી, સંગઠને CJP અને તમામ રાજકીય પક્ષોને વિનંતી કરી છે કે દિવાળી સુધી વિરોધ પ્રદર્શન માટે દિલ્હી સિવાય અન્ય કોઈ શહેરની પસંદગી કરવામાં આવે, જેથી તહેવારોની સીઝનમાં સામાન્ય જનતા અને વેપારીઓની આજીવિકા બચી શકે. હવે સીજેપી અને વિપક્ષી દળો દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવે છે તે જોવાનું રહેશે.