Sun Oct 11 2026

Logo

સચિન પછી હવે સ્મૃતિ મંધાનાને મળ્યું આ મોટું સન્માન

2026-10-11 17:05:59
Author: Ajay Motiwala
સચિન પછી હવે સ્મૃતિ મંધાનાને મળ્યું આ મોટું સન્માન

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમની નવી કૅપ્ટન સ્મૃતિ મંધાનાને યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ)ના ભારતીય એક યુનિસેફ ઇન્ડિયા દ્વારા `સેલિબ્રિટી ઍડવોકેટ' તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ક્રિકેટ આઇકન સચિન તેન્ડુલકરની નિયુક્તિ યુનિસેફ (UNICEF) દ્વારા દક્ષિણ એશિયા માટેના રિજનલ ઍમ્બેસેડર તરીકે થઈ છે.

છોકરીઓને સમાન તકો મળી રહે એ માટે તેમ જ તેમના સ્વાસ્થ્ય અને કલ્યાણને લગતા કાર્યોમાં સ્મૃતિ (Smriti)ની લોકપ્રિયતા અને તેના પ્રભાવશાળી વ્યક્તિત્વની મદદ મળી રહે એ હેતુથી તેને આ સન્માન આપવામાં આવ્યું છે.

રવિવારે `ઇન્ટરનૅશનલ ડે ઑફ ધ ગર્લ' નિમિત્તે આ જાહેરાત કરવામાં આવી હતી. અર્જુન અવૉર્ડ પુરસ્કારથી સન્માનિત સ્મૃતિ મંધાના ક્રિકેટના મેદાન બહારની તેની આ નવી ભૂમિકામાં કિશોરીઓને આવશ્યક અધિકારો મળી રહે, તેમના સ્વાસ્થ્ય સારા રહે, તેમના કલ્યાણ માટેના કાર્યો થાય તેમ જ તેમને સંબંધિત ક્ષેત્રમાં નવું શીખવાની, ભાગ લેવાની તેમ જ નેતૃત્વની ભાવના કેળવવાની તક મળી રહે એ માટેના યુનિસેફ ઇન્ડિયાના પ્રયાસોમાં સાથ આપશે.

સ્મૃતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે `યુનિસેફ ઇન્ડિયા સાથે સેલિબ્રિટી ઍડવોકેટ તરીકે જોડાવા બદલ હું ગર્વ અનુભવું છું. હું નાનપણથી ક્રિકેટ રમી છું અને એમાં મેં શીખ્યું છે કે દરેક સપનાંની શરૂઆત તકથી જ થતી હોય છે. જો તનતોડ મહેનત કરવા તૈયાર રહો, સંકલ્પશક્તિ પણ હોય અને પ્રોત્સાહન પણ મળી રહેતું હોય તો તકો કંઈક અસાધારણ સિદ્ધિ અપાવતી હોય જ છે.'