મુંબઈઃ 2026ના ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને ચીફ સિલેક્ટર અજિત આગરકરના શાસનકાળ દરમ્યાન ભારતીય ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો અને ટ્રેઇનિંગ કૅમ્પમાં હાજરી ન આપવા બદલ રવિવાર, 11મી ઑક્ટોબરે શરૂ થનારી રણજી ટ્રોફીની નવી સીઝન માટેની મુંબઈની ટીમ (Team)માં પણ સામેલ નથી કરવામાં આવ્યો એવામાં જાણવા મળ્યું છે કે તેણે મુંબઈની સ્થાનિક ટૂર્નામેન્ટો માટેની ટીમ બદલી છે.
36 વર્ષનો સૂર્યકુમાર લગભગ 12 વર્ષથી પારસી જિમખાનાની ટીમ સાથે જોડાયેલો હતો, પણ હવે બાંદરા (પૂર્વ)ની એમઆઇજી ક્રિકેટ ક્લબ સાથે જોડાયો હોવાનું જાણવા મળ્યું છે. તે નવી સીઝનમાં આ નવી ટીમ વતી રમવા માટે સજ્જ થઈ ગયો છે.
સૂર્યકુમાર નવી સીઝનમાં એમઆઇજી ક્લબની ટીમનું નેતૃત્વ સંભાળશે. મુંબઈના ભૂતપૂર્વ ખેલાડી અમિત દાણી એમઆઇજી ક્લબના ક્રિકેટ સેક્રેટરી છે. સૂર્યકુમાર રવિવાર, 11મી ઑક્ટોબરે એમસીએ પ્રેસિડન્ટ્સ કપમાં એમઆઇજી ક્લબની ટીમના સુકાની તરીકેની નવી સ્થાનિક `ઇનિંગ્સ' શરૂ કરશે.
સૂર્યકુમારની ટૅલન્ટ બહાર લાવવામાં તેમ જ તેની કરીઅર વિકસાવવામાં પારસી જિમખાનાની મોટી ભૂમિકા છે. ભારતીય ટીમમાં કમબૅક કરવા માટે તેના માટે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટો વધુ મહત્ત્વની બની રહેશે.