Sun Oct 11 2026

Logo

કલ્યાણમાં દુર્ગાડી કિલ્લાના મેળાને લઈને ટ્રાફિકના નવા નિયમો જાહેર, 20 ઑક્ટોબર સુધી ભારે વાહનો પર પ્રતિબંધ

2026-10-11 18:59:38
Author: Mumbai Samachar Team
કલ્યાણમાં દુર્ગાડી કિલ્લાના મેળાને લઈને ટ્રાફિકના નવા નિયમો જાહેર, 20 ઑક્ટોબર સુધી ભારે વાહનો પર પ્રતિબંધ

મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક દુર્ગાડી કિલ્લા ખાતે નવરાત્રિ અને દશેરાના ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે. આ દરમિયાન મેળામાં આવનારા લોકોની ભીડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કલ્યાણ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા ટાળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 11થી 20 ઑક્ટોબર દરમિયાન ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.

નવરાત્રિથી દશેરા સુધી દુર્ગાડી કિલ્લા ખાતે આવેલા પ્રસિદ્ધ દુર્ગામાતા મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે. આ સમયગાળા દરમિયાન કિલ્લાની આસપાસ મેળો પણ ભરાય છે, જેના કારણે રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધી જાય છે. આ પરિસ્થિતિમાં વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે અને ભક્તોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે હેતુથી થાણે શહેર ટ્રાફિક વિભાગે વિશેષ ટ્રાફિક નિયંત્રણની જાહેરાત કરી છે. ટ્રાફિક વિભાગના પોલીસ ઉપાયુક્ત પંકજ શિરસાટે આ અંગેની અધિસૂચના જાહેર કરી છે.

આ નિયંત્રણો 11થી 20 ઑક્ટોબર સુધી દરરોજ સાંજે 4 વાગ્યાથી મધરાતે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન શહેર તરફ આવતા કેટલાક મુખ્ય માર્ગો પર છ પૈડાંવાળાં વાહનો, ભારે વાહનો તેમજ ખાનગી અને સરકારી બસોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. કલ્યાણ નાકા, ખોણી નિસર્ગ ઢાબા, નેવાળી નાકા, શ્રીરામ ચોક, આધારવાડી ચોક, રાંજણોલી નાકા અને સાવદ નાકા સહિતના સાત મુખ્ય પ્રવેશમાર્ગો પર ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે, પોલીસ વાહનો, ફાયર બ્રિગેડ, ઍમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક સેવાઓનાં વાહનોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કલ્યાણ નાકા પર મુમ્બ્રા બાયપાસ તરફથી કલ્યાણમાં પ્રવેશતાં છ પૈડાંવાળાં ભારે વાહનો, કન્ટેનર અને ખાનગી-સરકારી બસોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આવા વાહનોને મુમ્બ્રા બાયપાસ, ખારેગાંવ ટોલનાકા અને મુંબઈ-નાશિક હાઇવેના માર્ગે જવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, તળોજા બાયપાસથી ખોણી નિસર્ગ ઢાબા થઈ કલ્યાણ ફાંટા તરફ આવતાં ભારે વાહનો અને બસોએ બદલાપુર-અંબરનાથ માર્ગ, કટાઈ-બદલાપુર ચોક તરફનો વૈકલ્પિક માર્ગ અપનાવવાનો રહેશે.

નેવાળી નાકા પર ભારે વાહનોને રોકવામાં આવશે. આ વાહનોએ બદલાપુર-અંબરનાથ હાઇવેનો ઉપયોગ કરવાનો રહેશે. શ્રીરામ ચોકથી કલ્યાણ તરફ આવતાં ભારે વાહનોને પણ પ્રતિબંધનો સામનો કરવો પડશે અને તેમને ઉલ્હાસનગર, શહાડ તથા અંબરનાથના માર્ગે આગળ વધવાનું રહેશે. આધારવાડી ચોકથી ભિવંડી તરફ જતાં ભારે વાહનો માટે ગાંધીરી પુલ, બાપગાંવ અને સોનાળેનો વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, રાંજણોલી નાકા પરથી કલ્યાણ તરફ આવતાં ભારે વાહનોને પ્રવેશ આપવામાં નહીં આવે અને તેમને ખારેગાંવ ટોલનાકા થઈ મુંબઈ-નાશિક હાઇવેના માર્ગે જવાની સલાહ આપવામાં આવી છે. સાવદ નાકા તરફથી આવતાં વાહનો માટે સોનાળે માર્ગનો ઉપયોગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

ટ્રાફિક પોલીસે વાહનચાલકોને નિયત વૈકલ્પિક માર્ગો અપનાવવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને પોલીસ તંત્રને સહયોગ આપવા અપીલ કરી છે. તહેવારના દિવસોમાં ભીડ અને ટ્રાફિકજામથી બચવા માટે વાહનચાલકોએ મુસાફરીનું અગાઉથી આયોજન કરવું જરૂરી છે.