નવી મુંબઈમાં ૧૬ ઑક્ટોબરથી ફરી ૧૦ ટકા પાણીકાપ લાગુ પડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘અલ નિનો’ની અસર હેઠળ મહારાષ્ટ્રમાં કારમો દુકાળ જાહેર કરીને રાજ્ય સરકારે સમગ્ર રાજ્યની સ્વરાજ્ય સંસ્થાઓને ૧૦ ટકા પાણીકાપ લાગૂ કરવાનું ફરમાન કર્યું છે, જે હેઠળ હવે નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૧૬ ઑક્ટોબરથી શહેરમાં ફરી ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવે એવી શક્યતા છે. આ દરમ્યાન ૧૫ મેથી જ ૧૦ ટકા પાણીકાપ સહન કરનારા મુંબઈગરાના સ્વિમિંગ પૂલના પાણી ફરી બંધ કરવાનો વિચાર મુંબઈ મહાનગરપાલિકા કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈમાં ૧૫ મેના લાગુ કરવામાં આવેલો ૧૦ ટકા પાણીકાપ આગામી દિવસોમાં કાયમ રાખવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે, જળાશયોની ઘટતી સપાટી અને આગામી દિવસોમાં ગરમીને કારણે જળાશયોમાં પાણીના થનારા બાષ્પીભવનથી પાણીમાં થનારા ઘટાડાને ધ્યાનમાં રાખીને આગામી જુલાઈ સુધી પાણી ચાલી રહે તે માટે અનેક ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવવાની છે, જે અંતર્ગત મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ફરી વખત સ્વિમિંગ પૂલને પાણીપુરવઠાને રોકવા બાબતે વિચાર કરી રહી છે.
મુંબઈમાં ૧૫ મેના ૧૦ ટકા પાણીકાપ લાગુ કર્યા બાદ ૧૭ જૂન, ૨૦૨૬થી સ્વિમિંગ પૂલના પાણી બંધ કરવામાં આવ્યા હતા પણ જુલાઈમાં સારો વરસાદ પડતા ૧૬ ઑગસ્ટથી સ્વિમિંગ પૂલનો પાણીપુરવઠો ફરી ચાલુ કરવામાં આવ્યો હતો. હવે જોકે પાલિકા ફરી એક વખત પાણી પુરવઠો બંધ કરવાનું વિચાર કરી રહી હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
આ દરમ્યાન મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં શનિવારે સવારના સાતેય જળાશયોમાં ૧૩,૫૩,૩૭૨ મિલ્યન લિટર એટલે કે ૯૩.૫૧ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. ગયા વર્ષે આ જ સમયે સાતેય જળાશયોમાં ૧૪,૨૮,૭૪૪ મિલ્યન લિટર એટલે કે ૯૮.૭૧ ટકા અને ૨૦૨૪માં ૧૪,૨૩,૪૩૬ મિલ્યન લિટર એટલે કે ૯૮.૩૫ ટકા પાણીનો જથ્થો હતો.
આ દરમ્યાન નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તહેવારનો ધ્યાનમાં રાખીને અગાઉ લાદવામાં આવેલો ૧૦ ટકા પાણીકાપ પાછો ખેંચવામાં આવ્યો હતો તેને હવે ૧૬ ઑક્ટોબરથી ફરી લાદવામાં આવે એવી શકયતા છે. નવી મુંબઈ મહાનગરપાલિકાને પાણીપુરવઠો કરનારા મોરબે ડેમમાં પાણીનું સ્તર ૮૫.૫૮ મીટર એટલે કે ૮૭.૯૧ ટકા છે. ડેમમાં પાણીનો પૂરતો સંગ્રહ હોવા છતાં આગામી ચોમાસા સુધી પાણી ચાલી રહે અને ‘અલ નિનો’ની સંભવિત અસર અને વરસાદની ખાધને કારણે રાજ્ય સરકારે પીવાના પાણીને પ્રાથમિકતા આપતા પાણી આગામી ચોમાસા સુધી ચાલી રહે તે મુજબનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ વર્ષે ચોમાસાનું આગમન લંબાઈ જતા નવી મુંબઈને પાણી પુરવઠો કરનારા મોરબે ડેમમાં પાણીનું સ્તર ઘટી જતા નવી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો હતો. અમુક વિસ્તારમાં ચોક્કસ દિવસોમાં પાણીપુરવઠો બંધ રાખવાનું ટાઈમટેબલ પણ બનાવવામાં આવ્યું હતું. વાહનો ધોવા માટે પીવાના પાણીનો ઉપયોગ ટાળવા અને સ્વિમિંંગ પૂલનો પાણીપુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો.. જોકે ચોમાસાનું આગમન મોડું થવા છતાં જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની સારી આવક થવાથી તહેવારોને ધ્યાનમાં રાખીને પાલિકાએ પાણીકાપ પાછો ખેંચ્યો હતો.
હવે જોકે રાજ્ય સરકારના નિર્દેશને કારણે નવી મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા પાણીના ઉપલબ્ધ રહેલા જથ્થા અને શહેરની પાણીની માગણી બાબતે પાલિકા કમિશનલ કૈલાશ શિંદેના નેતૃત્વમાં સમીક્ષા કરવામાં આવી રહી છે, જે હેઠળ પાણીના ગળતરને રોકવા અને બિનજરૂરી વપરાશને નિયંત્રણમાં રાખવા અને સ્યુએજ પાણી પર પ્રક્રિયા કરીને પીવા સિવાયના અન્ય વપરાશ માટે ઉપયોગ કરવા પર ભાર આપવામાં આવવાનો હોવાનું કહેવાય છે.