નવી દિલ્હીથી ચેન્નાઈ જતી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં રવિવારે ધુમાડો નીકળતા જોવા મળતા તેનું હૈદરાબાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ અંગે તપાસમાં જાણવા મળ્યું કે આ ધુમાડો ઓવરહેડ બિન માં મુકાયેલા મુસાફરના અંગત ઈલેક્ટ્રોનિક ઉપકરણમાંથી નીકળી રહ્યો હતો.
કેબિન ક્રૂએ તાત્કાલિક પગલાં લઇ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી
આ અંગે મળતી માહિતી મુજબ ફ્લાઇટ દરમિયાન કેબિનમાં એક મુસાફરના અંગત ઇલેક્ટ્રોનિક ઉપકરણમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે કેબિન ક્રૂએ તાત્કાલિક પગલાં લીધાં અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તેમજ સુરક્ષાની નિર્ધારિત પ્રક્રિયાઓને અનુસરીને, પાયલોટોએ વિમાનને હૈદરાબાદ તરફ વાળવાનો નિર્ણય લીધો. ત્યારબાદ વિમાન હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. એરલાઇને જણાવ્યું હતું કે ક્રૂએ નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ મુજબ પરિસ્થિતિને સંભાળી હતી.
VIDEO | Hyderabad: Smoke detected in Chennai-bound Indigo flight from Delhi; plane diverted to Hyderabad, lands safely. Inside visuals from the plane. (Source: Third Party) (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/RSt6vbeTpB
— Press Trust of India (@PTI_News) October 11, 2026
પટનાથી લખનઉ જતી ઇન્ડિગોની ફ્લાઇટ પર વીજળી પડી હતી
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ, પટના થી લખનઉ જતી ઇન્ડિગોની ફ્લાઇટ પર વીજળી પડી હતી. જેનાથી વિમાનના આગળના ભાગને નુકસાન થયું હતું. આ ઘટના સમયે વિમાન લગભગ 17,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. ત્યારબાદ તે લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. આ વિમાનમાં 104 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા. આ ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં લગભગ આઠ મિનિટ વહેલી લખનઉ પહોંચી હતી.