મુંબઈ: કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજીત દીપકે મહારાષ્ટ્રમાં પરત ફરતાં જ આંદોલનને લઈને મોટી જાહેરાત કરી છે. તેણે સ્પષ્ટ કર્યું કે ગમે તે થાય, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથેનું આંદોલન અટકશે નહીં અને તેઓ પીછેહઠ નહીં કરે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં દીપકેએ તેમને સરમુખત્યાર ગણાવ્યા હતા. દીપકેની દાદીનું નિધન થતાં તે દિલ્હીથી મહારાષ્ટ્ર પરત આવ્યા છે.
દીપકેએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીના માર્ગે ચાલનારા લોકો છે. તેણે કહ્યું, “નરેન્દ્ર મોદી સરમુખત્યાર છે. આ સરમુખત્યારશાહીનો અંત લાવવો જ પડશે.” તેણે વધુમાં જણાવ્યું કે તેઓ ડરવાના નથી અને આંદોલન ચાલુ રાખશે.
ठाकरे… https://t.co/P5g4uV0Olk
— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) October 11, 2026
મુંબઈમાં આદિત્ય ઠાકરે અને તેજસ ઠાકરે દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે પ્રતિક્રિયા આપતાં દીપકેએ કહ્યું કે હવે દરેક વ્યક્તિએ રસ્તા પર ઉતરીને લડવું પડશે. તેમણે આરોપ લગાવ્યો કે માત્ર જ્ઞાનેશ કુમારને બચાવવા માટે નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં કટોકટી જેવી સ્થિતિ ઊભી કરી હતી. તેમના દાવા મુજબ, મેટ્રો અને બસ સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી.
Note down 👇 https://t.co/XQ3A72PSnV
— Cockroaches of India (@CJP_for_India) October 11, 2026
પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતાં દીપકેએ કહ્યું કે તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીના માર્ગે ચાલે છે, છતાં તેમની સાથે આવો વ્યવહાર કેમ કરવામાં આવે છે? તેમણે સવાલ કર્યો કે ભારતમાં પહેલાં ક્યારેય વિમાનમાંથી જ કોઈની ધરપકડ કરવામાં આવી છે કે નહીં અને વિરોધ કરનારાઓને આતંકવાદીઓની જેમ કેમ જોવામાં આવે છે. દીપકેએ એવો આરોપ પણ લગાવ્યો કે પોલીસ યુવાનો સાથે મારપીટ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે જો દેશનું સંચાલન ગુંડાઓના હાથમાં હોય તો તેમને જ પ્રોત્સાહન મળે છે.'
દીપકેએ જણાવ્યું કે તેમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “તેમને લાગ્યું કે હું ડરી જઈશ, પરંતુ હું ડરવાનો નથી.” તેમણે ઉમેર્યું કે નરેન્દ્ર મોદી જેવા સરમુખત્યારો આવશે અને જશે, પરંતુ દેશ યથાવત રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથેનું આંદોલન ચાલુ રાખવાનો પુનરોચ્ચાર કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પીછેહઠ કરવાના નથી.