ઇન્દોરઃ ભારતે પાંચ ટી-20 મૅચવાળી સિરીઝની ત્રીજી મૅચમાં વેસ્ટ ઇન્ડિઝ (West Indies) સામે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં 223 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરના આખરી બૉલ પર મયંક યાદવ શૂન્યમાં આઉટ થયો હતો, પણ એ પહેલાં અભિષેક શર્મા (69 રન, 30 બૉલ, પાંચ છગ્ગા, છ ચોગ્ગા) તથા સ્ટમ્પ-આઉટ થયેલા ઇશાન કિશન (37 રન, 18 બૉલ, એક છગ્ગો, છ ચોગ્ગા)ની આતશબાજી બાદ ટીમને ખાસ કરીને પૂંછડિયાઓએ સંગીન સ્થિતિમાં લાવી દીધી હતી.
ભારત (India)ની 135મા રને નમન ધીર (10 રન)ની પાંચમી વિકેટ અને 15મી ઓવરમાં 169 રનના સ્કોર પર નીતીશ રેડ્ડી (21 રન)ની વિકેટ પડી ત્યારે એવું લાગતું હતું કે ટીમ ઇન્ડિયા 200 રન સુધી કદાચ નહીં પહોંચી શકે.
Cheeky! Prince Yadav's crucial late flourish 👏 🔽 WATCH | #TeamIndia | #INDvWI | @mflone_ https://t.co/JFziypMEF9
— BCCI (@BCCI) October 11, 2026
જોકે તિલક વર્મા (28 રન) બાદ અક્ષર પટેલ (20 રન) તેમ જ અર્શદીપ સિંહ (11 રન) તથા પ્રિન્સ યાદવ (13 અણનમ) સહિતના પૂંછડિયા બૅટ્સમેનોએ 10-20 રનના યોગદાન સાથે ટીમનો સ્કોર 223 રન સુધી પહોંચાડી દીધો હતો.
રૉસ્ટન ચેઝ, શમાર જોસેફ અને શમાર સ્પ્રિંગરે બે-બે વિકેટ લીધી હતી. 69 રન બનાવનાર અભિષેકની સૌથી મહત્ત્વની વિકેટ સ્પ્રિંગરે લીધી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયર (એક રન) અને ઓપનર સંજુ સૅમસન (ત્રણ રન) સારું રમવામાં સદંતર નિષ્ફળ ગયા હતા. આ મૅચમાં પ્રિન્સ યાદવને કુલદીપ યાદવના સ્થાને અને નીતીશ રેડ્ડીને શિવમ દુબેના સ્થાને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો.