શ્રીનગરઃ રણજી ટ્રોફી (Ranji Trophy)ની નવી સીઝન રવિવારે શરૂ થઈ અને એમાં રાજકોટની ચાર-દિવસીય મૅચમાં સૌરાષ્ટ્રને રવીન્દ્ર જાડેજા (72 અણનમ), પ્રેરક માંકડ (92 અણનમ) અને ઓપનર ચિરાગ જાની (83 રન)એ છત્તીસગઢ સામે અને કલ્યાણી શહેર ખાતેની બીજી મૅચમાં બેન્ગાલને મોહમ્મદ શમી (30 રનમાં ચાર વિકેટ)એ દિલ્હી વિરુદ્ધ સંગીન સ્થિતિમાં મૂકી દીધું હતું.
પરંતુ શ્રીનગરમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન જમ્મુ-કાશ્મીરને બોલર રોહિત શર્મા (36 રનમાં પાંચ વિકેટ)ની બોલબાલા હતી. અરુણાચલ પ્રદેશના ક્રિકેટ અસોસિયેશનમાં વિવાદ હોવાને કારણે નાગાલૅન્ડ સામેની એની મૅચ મોકૂફ રાખવામાં આવી હતી.

કઈ મુખ્ય રણજી મૅચમાં શું બન્યું?ઃ મુંબઈના યશસ્વીનો ઝીરો, કૅપ્ટન લાડ સેન્ચુરીની નજીક
(1) રાજકોટમાં પ્રથમ દિવસે છત્તીસગઢ સામે બૅટિંગ મળ્યા પછી સૌરાષ્ટ્રએ ચાર વિકેટે 308 રન બનાવ્યા જેમાં જાડેજા (Jadeja), પ્રેરક માંડક અને ચિરાગ જાનીના હાફ સેન્ચુરી સાથે સૌથી મોટા યોગદાન હતા. છત્તીસગઢના પેસ બોલર દેવ આદિત્ય સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તેણે ચિરાગ જાની (83 રન), જય ગોહિલ (31 રન) અને અર્પિત વસાવડા (0)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. પાંચમી વિકેટ માટે રવીન્દ્ર જાડેજા અને પ્રેરક માંકડ વચ્ચે 157 રનની તોતિંગ ભાગીદારી થઈ હતી અને રમતને અંતે અતૂટ હતી. જયદેવ ઉનડકટના નેતૃત્વમાં સૌરાષ્ટ્રની ટીમ મોટા ટોટલ પછી છત્તીસગઢને મુસીબતમાં મૂકી શકે.
(2) કલ્યાણીમાં મધ્ય પ્રદેશની ટીમ માત્ર 196 રનમાં ઑલઆઉટ થઈ હતી અને એ માટે જમ્મુ-કાશ્મીરનો 32 વર્ષનો પેસ બોલર રોહિત શર્મા કારણરૂપ હતો. આ રોહિત શર્માનો જન્મ જમ્મુમાં થયો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં ઝળકી રહેલા આ રોહિતે 36 રનમાં પાંચ વિકેટ લીધી હતી. ચાર વિકેટ બીજા ઝડપી બોલર સુનીલ કુમારે મેળવી હતી. પછીથી જમ્મુ-કાશ્મીરે ત્રણ રનમાં એક વિકેટ ગુમાવી હતી.
(3) વાનખેડે સ્ટેડિયમમાં ચંડીગઢે બૅટિંગ આપ્યા બાદ મુંબઈએ પહેલા જ રન પર યશસ્વી જયસ્વાલ (0)ની વિકેટ ગુમાવી હતી. ભવિષ્યમાં ભારતના વિકેટકીપર બની શકાય એ માટે અત્યારથી પ્રૅક્ટિસ કરીને ચર્ચાસ્પદ બનેલા યશસ્વીની વિકેટ બાદ આયુષ મ્હાત્રે 48 રન બનાવીને અને મુશીર ખાન 65 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ કૅપ્ટન સિદ્ધેશ લાડ 80 રને રમી રહ્યો હતો. પ્રથમ દિવસની રમતને અંતે મુંબઈનો સ્કોર 5/249 હતો.
(4) અમદાવાદમાં ગુજરાત સામે ઓડિશાએ ઓપનર ગૌરવ ચૌધરીના 121 નૉટઆઉટની મદદથી ત્રણ વિકેટે 272 રન કર્યા હતા. ગુજરાતના સાતમાંથી માત્ર ત્રણ બોલરને વિકેટ મળી હતી.
(5) જયપુરમાં તમિળનાડુ સામે રાજસ્થાને ચાર વિકેટે 286 રન બનાવ્યા હતા.
(6) દિલ્હીમાં સર્વિસીઝ સામે મહારાષ્ટ્રએ પાંચ વિકેટે 287 રન કર્યા હતા.
(7) નાગપુરમાં પુડુચેરી સામે વિદર્ભએ પાંચ વિકેટે 300 રન કર્યા હતા. યશ રાઠોડ 131 રને અને કૅપ્ટન અક્ષય વાડકર 112 રને રમી રહ્યો હતો.
(8) પણજીમાં ગોવા સામે બરોડાએ ત્રણ વિકેટે 204 રન બનાવ્યા હતા.