નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારીએ રવિવારે દેશના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને વધતા આતંકવાદી હુમલાઓને ટાંકીને કટોકટી લાદવાની જાહેરાત કરી હતી. આ સાથે જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના નેતૃત્વ હેઠળની પ્રાંતીય સરકારને બરતરફ કરવામાં આવી છે.
પાક પ્રમુખ ઝરદારીએ બંધારણની કલમ ૨૩૨ અને ૨૩૪ હેઠળ આ જાહેરનામું બહાર પાડ્યું હતું. કટોકટી લદાયાના થોડા સમય પછી મુખ્ય પ્રધાન સોહેલ આફ્રિદી અને પાર્ટીના પ્રાંતીય પ્રમુખ જુનૈદ અકબરની ધરપકડ કરવામાં આવી હોવાનો પીટીઆઇના નેતાઓએ આરોપ લગાવ્યો હતો.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ખૈબર પખ્તુનખ્વાની પીટીઆઇ સરકાર પર આતંકવાદનો સામનો કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો. ખૈબર પખ્તુનખ્વાના ગવર્નર ફૈઝલ કરીમ કુંડીએ એક વીડિયો નિવેદનમાં કહ્યું કે જો કોઇ કાયદો પોતાના હાથમાં લેશે તો અમે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરીશું.
પીટીઆઇના અધ્યક્ષ બેરિસ્ટર ગોહર અલી ખાને આ નિર્ણયની નિંદા કરતા તેને ખૂબ જ ચિંતાજનક અને ગંભીર રાજકીય ભૂલ તેમજ અલોકતાંત્રિક પગલું ગણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે આ પગલાથી આતંકવાદ પ્રભાવિત પ્રદેશમાં શાંતિ લાવવાને બદલે કેન્દ્ર સરકાર અને પ્રાંત વચ્ચે ઘર્ષણ વધશે.
આ નિર્ણય રવિવારે શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી પાકિસ્તાનની ફેડરલ કેબિનેટની ઇમરજન્સી બેઠકમાં લેવામાં આવ્યો હતો. પ્રધાન મંડળે પીટીઆઇ વહીવટીતંત્ર પર ઇરાદાપૂર્વક પ્રાંતીય સરકારને આતંકવાદ વિરુદ્ધની લડાઇથી દૂર રાખવાનો આરોપ મૂક્યો હતો.