Mon Oct 12 2026

Logo

અભિષેકની આતશબાજી પછી બોલર્સે બાજી પલટાવી, ભારત 2-1થી આગળ...

2026-10-11 23:02:21
Author: Ajay Motiwala
અભિષેકની આતશબાજી પછી બોલર્સે બાજી પલટાવી, ભારત 2-1થી આગળ...

BCCI


ઇન્દોરઃ વેસ્ટ ઇન્ડિઝ (West Indies) સામેની ત્રીજી ટી-20માં અભિષેક શર્મા (69 રન, 30 બૉલ, પાંચ છગ્ગા, છ ચોગ્ગા)એ અને પછીથી બોલર્સે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા માટે સુપર સન્ડે સાબિત કર્યો હતો. ભારત (India)એ આ રોમાંચક મુકાબલો 14 રનથી જીતીને પાંચ મૅચવાળી શ્રેણીમાં 2-1થી સરસાઈ લીધી હતી. કૅરિબિયનો ભારત આવ્યા ત્યાર બાદ ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મળીને કુલ છ મૅચમાં પહેલી વખત પ્રથમ બૅટિંગ કરનાર ટીમે વિજય મેળવ્યો હતો.

કૅરિબિયનો 224 રનના લક્ષ્યાંક સામે સાત વિકેટે 209 રન બનાવી શક્યા હતા. શિમરૉન હેટમાયર (43 રન, 26 બૉલ, બે છગ્ગા, છ ચોગ્ગા), કમિલ પૂરન (42 રન, 27 બૉલ, ત્રણ છગ્ગા, ત્રણ ચોગ્ગા), શેરફેન રુધરફર્ડ (32 રન, 20 બૉલ, બે છગ્ગા, બે ચોગ્ગા) તેમ જ છેલ્લે છેલ્લે શમાર સ્પ્રિંગરે (35 અણનમ, 11 બૉલ, ચાર છગ્ગા, બે ચોગ્ગા)એ થોડીઘણી ફટકાબાજી કરી હતી, પરંતુ ભારતીય બોલર્સે તેમને એકંદરે કાબૂમાં રાખ્યા હતા.

છ બોલરમાંથી લેફ્ટ-આર્મ પેસ બોલર અર્શદીપ સિંહને ત્રણ તથા સ્પિનર નમન ધીરને બે વિકેટ તેમ જ ઑલરાઉન્ડર અક્ષર પટેલ તથા નીતીશ રેડ્ડીને એક-એક વિકેટ મળી હતી. શુક્રવારે રાંચીની બીજી મૅચમાં કલાકે 140.00-પ્લસ કિલોમીટરની ઝડપ સાથે ત્રણ વિકેટનો તરખાટ મચાવનાર ફાસ્ટ બોલર મયંક યાદવને રવિવારે 34 રનમાં એકેય વિકેટ નહોતી મળી. પ્રિન્સ યાદવને 37 રનમાં વિકેટ નહોતી મળી, પણ મયંક અને પ્રિન્સે પેસ, યૉર્કર સહિતના વૅરિએશન્સથી કૅરિબિયનોને સંયમમાં રાખ્યા હતા.

પૂંછડિયા બૅટ્સમેનોએ જિતાડ્યા

એ પહેલાં, ભારતે 20 ઓવરમાં 223 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરના આખરી બૉલ પર મયંક યાદવ શૂન્યમાં આઉટ થયો હતો, પણ એ પહેલાં અભિષેક શર્મા  તથા સ્ટમ્પ-આઉટ થયેલા ઇશાન કિશન (37 રન, 18 બૉલ, એક છગ્ગો, છ ચોગ્ગા)ની આતશબાજી બાદ ટીમને ખાસ કરીને પૂંછડિયાઓએ સંગીન સ્થિતિમાં લાવી દીધી હતી. ભારતની 135મા રને નમન ધીર (10 રન)ની પાંચમી વિકેટ અને 15મી ઓવરમાં 169 રનના સ્કોર પર નીતીશ રેડ્ડી (21 રન)ની વિકેટ પડી ત્યારે એવું લાગતું હતું કે ટીમ ઇન્ડિયા 200 રન સુધી કદાચ નહીં પહોંચી શકે. જોકે તિલક વર્મા (28 રન) બાદ અક્ષર પટેલ (20 રન) તેમ જ અર્શદીપ સિંહ (11 રન) તથા પ્રિન્સ યાદવ (13 અણનમ) સહિતના પૂંછડિયા બૅટ્સમેનોએ 10-20 રનના યોગદાન સાથે ટીમનો સ્કોર 223 રન સુધી પહોંચાડી દીધો હતો.

રૉસ્ટન ચેઝ, શમાર જોસેફ અને શમાર સ્પ્રિંગરે બે-બે વિકેટ લીધી હતી. 69 રન બનાવનાર અભિષેકની સૌથી મહત્ત્વની વિકેટ સ્પ્રિંગરે લીધી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયર (એક રન) અને ઓપનર સંજુ સૅમસન (ત્રણ રન) સારું રમવામાં સદંતર નિષ્ફળ ગયા હતા. આ મૅચમાં પ્રિન્સ યાદવને કુલદીપ યાદવના સ્થાને અને નીતીશ રેડ્ડીને શિવમ દુબેના સ્થાને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો.