મુંબઈ: ચોમાસાની વિદાય સાથે જ મુંબઈમાં હવાની ગુણવત્તા ઝડપથી કથળી રહી છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 425 'ગંભીર' શ્રેણીમાં નોંધાયો છે. નેવી નગર, દેવનાર, ચેમ્બુર અને મલાડ જેવા વિસ્તારોમાં પણ પ્રદૂષણનું સ્તર હાનિકારક રહ્યું છે.
શિયાળાની શરૂઆત થવાના લગભગ બે મહિના પહેલાં જ મુંબઈની હવાની ગુણવત્તા બગડીને સ્વાસ્થ્ય માટે હાનિકારક લેવલે પહોંચી ગઈ છે. રવિવારે સવારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે એર ક્વોલિટી ઈન્ડેક્સ (એકયુઆઈ) 425 નોંધાયો હતો, જેને 'ગંભીર' શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.
જો કે,નાગરિક વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રદૂષણના આંકડા બધે ગંભીર સ્તરે નહોતા અને બીકેસી ખાતે નોંધાયેલા વધારાનું કારણ મોનિટરિંગ સિસ્ટમમાં સંભવિત ખામી હોઈ શકે છે. વધતું પ્રદૂષણ મુંબઈગરાઓ માટે જોખમી સાબિત થઈ શકે છે, જેને લઈ ગંભીર બીમારી પણ થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાયની જાહેરાત કરવામાં આવી તેના એક દિવસ પહેલા, 2 ઓક્ટોબરના રોજ મુંબઈનો એકંદરે એકયુઆઈ (હવાની ગુણવત્તા સૂચકાંક) પ્રથમ વખત 'હાનિકારક ' શ્રેણીમાં પહોંચ્યો હતો.
સ્થાનિક સ્તરે, અનેક મોનિટરિંગ સ્ટેશનો પર ઘણા દિવસો સુધી એકયુઆઈનું ઊંચું સ્તર નોંધાયું હતું. નેવી નગર અને દેવનારમાં સાત-સાત દિવસ સુધી એકયુઆઈનું સ્તર 'હાનિકારક' શ્રેણીમાં નોંધાયું હતું ત્યાર બાદ બીકેસીમાં છ દિવસ, ચેમ્બુર અને મલાડમાં ચાર-ચાર દિવસ, તથા કુર્લા અને વરલીના સિદ્ધાર્થ નગરમાં ત્રણ-ત્રણ દિવસ આવું સ્તર જોવા મળ્યું હતું.
સ્થાનિક વહીવટી તંત્ર અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે વોર્ડ સ્તરે હવાની ગુણવત્તામાં થતા બગાડ માટે બાંધકામ પ્રવૃત્તિ, વાહનોમાંથી નીકળતો ધુમાડો અને કચરો સળગાવવા જેવા અનેક સ્થાનિક પરિબળો જવાબદાર હોઈ શકે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બીએમસી અને એમપીસીબી સંયુક્ત રીતે સમગ્ર મુંબઈમાં બાંધકામ સ્થળોને નોટિસ આપી રહ્યા છે અને સંબંધિત પક્ષોને પ્રદૂષણ-નિયંત્રણના પગલાંનું પાલન કરવાનો નિર્દેશ આપી રહ્યા છે.
બીએમસીએ તમામ 26 વોર્ડના અધિકારીઓને પ્રદૂષણના હોટસ્પોટ ઓળખવા અને સ્થાનિક પગલાં અમલમાં મૂકવાનો નિર્દેશ પણ આપ્યો છે. દેવનાર, કુર્લા અને મઝગાંવના અધિકારીઓ ઝૂંપડપટ્ટી વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને પ્રદૂષણના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.