નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અગ્રણી વિપક્ષી 11 નેતાએ મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાઓના આરોપ સાથે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે, જેમાં પહેલી વખત વિપક્ષી એકતા પણ જોવા મળી હતી.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં મતદાર યાદીમાંથી વ્યાપક પ્રમાણમાં મતદારોના નામ હટાવવા અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓનો આરોપ લગાવવામાં આવ્યા છે.
આ મામલામાં કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોના નેતાઓએ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની પણ માંગ કરી છે.
એક રિપોર્ટ અનુસાર, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં 11 નેતાઓના નામ સામેલ છે. જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસના સૌગત રોય, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે.
શિવસેના (યુબીટી)ના સંજય રાઉત, સીપીઆઈ (એમ)ના એમ.એ. બેબી અને અન્યનો સમાવેશ થાય છે. અરજીમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના ડી. રાજા, ઝારખંડ મુક્તિ મોરચાના મહુઆ માજી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સુપ્રિયા સુળે અને ભારતીય યુનિયન મુસ્લિમ લીગના ઇ.ટી. મોહમ્મદ બશીરનું નામ પણ છે.
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર, આ અરજી સાંજના સમયે દાખલ કરવામાં આવી હતી. વિપક્ષી સાંસદો અને નેતાઓએ સેંકડો સમર્થકો અને કાર્યકરો સાથે મળીને આજે સુપ્રીમ કોર્ટ સુધી 'લોકશાહી માટે કૂચ' (માર્ચ ફોર ડેમોક્રેસી) શરૂ કરી હતી. આ કૂચનો હેતુ 'મત ચોરી'ના આરોપ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી સુપરત કરવાનો હતો.
આ કૂચનું નેતૃત્વ કરનારાઓમાં લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાઓ અનુક્રમે ગાંધી અને ખડગે તેમ જ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, સીપીઆઈના ડી. રાજા , આરજેડીના તેજસ્વી યાદવ સામેલ હતા. અગાઉ રવિવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતે 'મત ચોરી'ના આરોપો અંગે રાહુલ ગાંધીને મળવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કારણ આપ્યું હતું કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં આ મામલો વિચારણા હેઠળ છે.
રાહુલ ગાંધી અને ખડગેએ મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને આજે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે મુલાકાતનો સમય માંગ્યો હતો. તેઓ એક આવેદનપત્ર સોંપવા માંગતા હતા જેમાં મત ચોરીનો અંત લાવવા, કુમારના રાજીનામા, મતદાર યાદીઓની એસઆઈઆર પ્રક્રિયા અટકાવવા અને ફરીથી પેપર બેલેટ પદ્ધતિ અપનાવવાની માંગ કરવામાં આવી હતી.