Mon Oct 12 2026

Logo

નેપાળમાં આવેલા પૂરમાં તણાયા 40 ઘર અને 6 પુલ ધરાશાયી, 150થી વધુ વિદેશી પર્યટક ફસાયા

Kathmandu   2026-10-12 12:34:00
Author: Mumbai Samachar Team
નેપાળમાં આવેલા પૂરમાં તણાયા 40 ઘર અને 6 પુલ ધરાશાયી, 150થી વધુ વિદેશી પર્યટક ફસાયા

કાઠમંડુ: નેપાળના મનાસલુ ટ્રેકિંગ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે બુઢી ગંડકી નદીમાં આવેલા વિનાશક પૂરે ફરી એકવાર તબાહી મચાવી છે. આ ભયાનક હોનારતમાં આશરે 40 ઘરો, 6 પુલ અને જળવિદ્યુત પ્રોજેક્ટનું માળખું તણાઈ ગયા છે, જ્યારે 10 લોકો ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે.

હાલ ટ્રેકિંગ સીઝન ચાલતી હોવાથી આ પૂરના કારણે 150થી વધુ વિદેશી પ્રવાસીઓ રસ્તામાં ફસાઈ ગયા છે. રાહતની વાત એ રહી કે સમયસર મોકલવામાં આવેલા SMS એલર્ટને લીધે ઘણા સ્થાનિક લોકો સુરક્ષિત ઊંચાણવાળા વિસ્તારો તરફ ખસી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. હાલ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

સેના અને રાહત એજન્સીઓએ અત્યાર સુધીમાં 49 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. અધિકારીઓએ લોકોને સલામત સ્થળોએ જવાનો આદેશ આપ્યો છે અને નીચાણવાળા વિસ્તારો ધરાવતા જિલ્લાઓને એલર્ટ જારી કર્યું છે.

રવિવારે વહેલી સવારે 4 વાગ્યે બુઢી ગંડકી નદીમાં અચાનક કાટમાળ સાથે આવેલા ધસમસતા પૂરે ભારે તબાહી મચાવી છે. અચાનક આવેલા પૂર બાદ આસપાસના પ્રવાહોમાંથી આવતા જોરદાર અવાજો સાંભળતાં જ ચુમલિંગ અને લોકપા જેવી વસાહતોના સ્થાનિક લોકો તેમજ ત્યાં રોકાયેલા પ્રવાસીઓ જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળો તરફ દોડી ગયા હતા.

150થી વધુ વિદેશી પ્રવાસીઓ ફસાયા

મનાસલુ ટ્રેકિંગ વિસ્તારમાં 150થી વધુ વિદેશી પ્રવાસીઓ ફસાયેલા છે. અધિકારીઓને આશંકા છે કે ભૂસ્ખલનને કારણે કોઈ સહાયક નદીનો પ્રવાહ અસ્થાયી રૂપે અવરોધાઈ ગયો હતો, જેના લીધે મોટા પ્રમાણમાં પાણી અને કાટમાળ જમા થઈ ગયો હતો.

ત્યારબાદ અવરોધ દૂર થતાં પાણી તીવ્ર વેગ સાથે નીચે તરફ ધસી આવ્યું હતું. જોકે, વહીવટીતંત્ર હજુ સુધી પૂરનું ચોક્કસ કારણો જાણી શક્યું નથી. પૂરના પ્રકોપથી લગભગ 40 ઘરો અને એક પ્રાથમિક શાળા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં છે, જ્યારે અન્ય 20થી 22 મકાનો ધરાશાયી થવાનું જોખમ પણ તોળાઈ રહ્યું છે.

જળવિદ્યુત પ્રોજેક્ટ પણ પ્રભાવિત

સલ્લેરીમાં નિર્માણાધીન 341 મેગાવોટના બુઢી ગંડકી જળવિદ્યુત પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન કેમ્પ અને સાધન-સામગ્રીને પણ પૂરના પાણીએ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે.