Mon Oct 12 2026

Logo

જીબૂતી તટ નજીક દરિયામાં બોટ ડૂબી જતાં 15 બાળકો સહિત 139 પ્રવાસીઓના મોત, 84 લોકો હજી પણ ગુમ

Djibouti   2026-10-12 09:25:00
Author: Vimal Prajapati
જીબૂતી તટ નજીક દરિયામાં બોટ ડૂબી જતાં 15 બાળકો સહિત 139 પ્રવાસીઓના મોત, 84 લોકો હજી પણ ગુમ

જીબૂતી: પૂર્વ આફ્રિકાના દેશ જીબૂતીના કિનારે એક અતિશય હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આફ્રિકાના હોર્ન વિસ્તારમાંથી રોજગારી અને સલામત આશ્રયની શોધમાં નીકળેલા પ્રવાસીઓની એક બોટ દરિયામાં પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) ના તાજેતરના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 139 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાંથી દફનાવવામાં આવેલા દર્જનથી વધુ માસૂમ બાળકો પણ શામેલ છે.   

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠને જીવિત બચેલા લોકોના હવાલેથી માહિતી આપતાં જણાવ્યું કે, આ ઘટના ગુરુવારની મોડી રાત્રે અથવા શુક્રવારની વહેલી સવારે ઘટી હતી. આ બોટ આશરે 305 લોકોને લઈને જીબૂતીથી યમન તરફ જઈ રહી હતી. દરિયાની સફર દરમિયાન અદનની ખાડીમાં ગુહેરે કિનારા નજીક બાબ અલ-મંદેબ જળડમરુમધ્ય વિસ્તારમાં બોટનું સંતુલન બગડી જતાં તે દરિયામાં ઊંધી વળી ગઈ હતી.   

મૃતકોમાં 52 પુરુષો, 42 મહિલાઓ અને 15 બાળકો સામેલ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ મૃતકોમાં 52 પુરુષો, 42 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય દરિયામાં તણાયેલા 84થી વધુ લોકો હજુ પણ ગુમ છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 80થી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને અત્યારે મૃતકોના પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. 

સારા ભવિષ્ય અને રોજગારી માટે આ જોખમી સવારી

આ ઘટના પર જીબૂતીમાં IOMના મિશન ચીફ અલેક્ઝાન્ડર કોઇસાકે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, આ જાનમાલનું અત્યંત દર્દનાક નુકસાન છે. આ ટ્રેજેડી દર્શાવે છે કે વધુ સારા ભવિષ્ય અને રોજગારી માટે આ જોખમી રસ્તાઓ પરથી પસાર થતા પ્રવાસીઓ કેવી રીતે પોતાના જીવનું જોખમ ખેડે છે. વધુમાં તેમણે કહ્યું કે, ઘણા મૃતદેહોને સાથી પ્રવાસીઓએ પોતે જ દફનાવ્યા છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા પૂરેપૂરું વેરિફિકેશન થયા બાદ જ તે મૃતદેહોનો આંકડો સરકારી ચોપડે નોંધવામાં આવશે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે.