Mon Oct 12 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પનો નોબલ પ્રાઈઝ વિશે લવારો, ડોહાની ડાગળી હાચે ચસકી છે

2026-10-12 07:35:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પનો નોબલ પ્રાઈઝ વિશે લવારો, ડોહાની ડાગળી હાચે ચસકી છે

ભરત ભારદ્વાજ

ભારતીય મૂળનાં સાઉથ આફ્રિકન ન્યાયવિદ નવનેથમ ‘નાવી’ પિલ્લઈને 2026ના વર્ષ માટે શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ આપવાની જાહેરાત થઈ એ સાથે જ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા ભૂરાંટા થયા છે. ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર પોતાને ના મળ્યો એ બદલ જાહેરમાં બળાપો કાઢ્યો છે અને એવા લવારા કર્યા છે કે, જે સાંભળીને એવું જ લાગે કે ડોહાની ડાગળી પૂરેપૂરી ચસકી ગઈ છે. 

ટ્રમ્પનું કહેવું છે કે, પોતે પ્રમુખ બન્યા પછી 8 યુદ્ધ રોક્યાં હોવાથી ખરેખર તો પોતે 8 વાર નોબલ પ્રાઈઝના હકદાર છે પણ એક પણ વાર નોબલ પ્રાઈઝ નહીં આપીને નોર્વેએ પોતાના માથે એવી કાળી ટીલી લગાવી દીધી છે કે જે કદી નહીં ભૂંસાય. ડાયનેમાઈટના શોધક આલ્ફ્રેડ નોબલે બનાવેલા ટ્રસ્ટમાંથી નોર્વે નોબલ પ્રાઈઝ આપે છે તેથી ટ્રમ્પે નોર્વેને લઈ પાડ્યું છે.  

ટ્રમ્પે  નોબલ વિજેતા નવનેથમ ‘નાવી’ પિલ્લઈને પણ નથી છોડ્યાં. ટ્રમ્પના કહેવા પ્રમાણે તો નવનેથમ ’નાવી’ પિલ્લઈને કોઈ ભોજીયોભાઈ પણ ઓળખતું નથી ને દુનિયામાં કોઈ તેમના વિશે કંઈ જાણતું પણ નથી. ટ્રમ્પના કહેવા પ્રમાણે તો  નોબેલ પુરસ્કાર એવી ઉદારવાદી વ્યક્તિને આપવામાં આવ્યો છે કે જે યુનાઈટેડ નેશન્સમાં કામ કરે છે અને જેમના વિશે કોઈએ કંઈ જ સાંભળ્યું નથી.

આ વાત સાંભળીને ટ્રમ્પની બુદ્ધિની દયા ખાવી કે તેમના જનરલ નોલેજ પર હસવું એ ખબર પડતી નથી. દયા તો અમેરિકાની પ્રજાની પણ આવે છે કે, આવો નમૂનો તેમનો પ્રમુખ છે. ખેર, ટ્રમ્પ પોતે મોડલો અને પોર્ન એક્ટ્રેસીસને જ ઓળખતા હોય એટલે તેમને  નવનેથમ ‘નાવી’ પિલ્લઈ વિશે ખબર ના હોય એ શક્ય છે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નવનેથમ ‘નાવી’ પિલ્લઈ જાણીતું નામ છે. દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ભારતીય તમિલ મૂળના એકદમ ગરીબ પરિવારમાં જન્મેલાં નવનેથમ નાવી પિલ્લઈએ પહેલાં તો આફ્રિકામાં જ યશસ્વી કામગીરી કરીને ડંકો વગાડેલો.

આફ્રિકામાં કાળા-ગોરાનો ભેદ એટલે કે  રંગભેદ હતો ત્યારે નાવી મોટા પડકારોનો સામનો કરીને વકીલ બનેલાં અને લોકોને ન્યાય અપાવવા માટે ભારે સંઘર્ષ કરીને નામ કમાયેલાં. નાવી પિલ્લાઈએ  યુએનમાં માનવાધિકાર પંચનાં અધ્યક્ષ તરીકે કામ કરેલું છે ને ઈન્ટરનેશનસ કોર્ટ ઓફ જસ્ટિસમાં પણ કામ કર્યું છે. 

નાવી પિલ્લાઈએ રવાન્ડા સહિતના દેશો અંગે આપેલા ચુકાદા આજેય લોકો યાદ કરે છે પણ ટ્રમ્પને લાગે છે કે, નાવી પિલ્લાઈ વિશે કોઈ જાણતું નથી. તેનું કારણ એ કે, ટ્રમ્મ કૂવામાંના દેડકા જેવા છે. આખી જીંદગી ઐયાશી કરી હોય ને પોતાની ક્લબમાં પડ્યો રહ્યો હોય એ  માણસને બીજાંના અધિકારો માટે લડનારી વ્યક્તિ વિશે ખબર જ ના હોય.

ટ્રમ્પને ખબર હોય તો પણ એ સ્વીકારવા તૈયાર નહીં થાય કેમ કે શાંતિ માટેનું પીસ પ્રાઈઝ મેળવવાની ખંજવાળ છેક તેમના મગજ લગી પહોંચી ગઈ છે તેમાં મગજ બહેર મારી ગયું છે, કામ કરતું નથી ને પોતે શું બકે છે તેનું પણ ટ્રમ્પને ભાન નથી રહ્યું.  પોતાના વર્તનના કારણે આખી દુનિયામાં પોતે હાસ્યાસ્પદ બની ગયા છે ને લોકો મશ્કરી કરી રહ્યાં છે એ વાતનું પણ ટ્રમ્પને ભાન નથી. 

આશ્ચર્ય એ જોઈને થાય કે, ટ્રમ્પની આજુબાજુ પણ એવો કોઈ માણસ નથી કે જે ટ્રમ્પને વારે ને સમજાવે કે, બાપલા આ બધા લવારા કરીને તમે ભૂંડા લાગી રહ્યા છો. કોઈ સમજાવતું હોત પણ ટ્રમ્પ સાંભળતા હશે કે કેમ તેમાં પણ શંકા છે.

ડોનલ્ડ ટ્રમ્પનો શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મેળવવાનો રઘવાટ બહુ જૂનો છે અને આ રઘવાટ વધી રહ્યો છે કેમકે ટ્રમ્પ સામેથી નોબલ પ્રાઈઝ આપવાની માગણી કરી રહ્યા છે પણ નોર્વેની નોબલ કમિટી તેમને ગણકારતી જ નથી. ટ્રમ્પે પહેલી વાર પ્રમુખ બન્યા ત્યારથી જ પોતાને નોબલ પીસ પ્રાઈઝ મળવું જોઈએ એવું વાજું વગાડવાનું શરૂ કરી દીધેલુ.

ટ્રમ્પને પહેલી ટર્મ વખતે ઉત્તર કોરીયા સાથે શાંતિની ખંજવાળ ઉપડેલી એટલે કોરીયન સરમુખત્યાર કીમ ઉન જોંગને મળેલા. ટ્રમ્પને મળ્યા પછી જોંગ તો બદલાયા નહીં પણ ટ્રમ્પને લાગવા માંડેલું કે, પોતે જોંગને મળીને દુનિયા પર બહુ મોટો ઉપકાર કરી દીધો છે તેથી પોતાને નોબલ પ્રાઈઝ મળવું જોઈએ. પ્રાઈઝ કમિટીએ તેમની વાત ના ગણકારી એટલે  ઑક્ટોબર 2018માં એક કાર્યક્રમમાં ટ્રમ્પે બળાપો કાઢેલો કે, પોતે  ઉત્તર કોરિયા અને સીરિયામાં શાંતિ સ્થાપવા માટેના ગમે તેટલા પ્રયાસ ભલે કરે, નોબેલ શાંતિ પુરસ્કાર પોતાને કદી  નહીં મળે.

2019ના ફેબ્રુઆરીમાં તો ટ્રમ્પે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે પર દબાણ કરાવીને પોતાનું નોમિનેશન કરાવેલું પણ ફાવ્યા નહીં. 2019માં એક પત્રકારના સવાલના જવાબમાં ટ્રમ્પે કહેલું કે, નોબલ પીસ પ્રાઈઝ આપવાનો નિર્ણય પૂર્વગ્રહ વિના  નિષ્પક્ષ રીતે લેવાય તો પોતાને અનેક બાબતો માટે નોબેલ પુરસ્કાર મળી શકે એવું તેમને લાગે છે. 2020ની પ્રમુખપદની ચૂંટણી વખતે તો ટ્રમ્પે બધી હદ વટાવીને કહી દીધેલું કે, બરાક ઓબામાને નોબલ પ્રાઈઝ અપાતો હોય તો પોતાને પણ મળવો જોઈએ કેમ કે પોતે વધારે લાયક છે.  

ટ્રમ્પે દાવો કરેલો કે, પ્રમુખ બન્યાના ફક્ત 8 મહિનામાં જ ઓબામાને નોબલ પ્રાઈઝ મળી ગયું હતું પણ વાસ્તવમાં ઓબામાએ તો કશું કર્યું જ નહોતું. ઓબામાને પણ આજ સુધી ખબર નથી કે, નોબલ પ્રાઈઝ શા માટે મળ્યું હતું.

ટ્રમ્પ 2020ની પ્રમુખની ચૂંટણીમં હારી ગયા પછી ટાઢા પડી ગયેલા એટલે 4 વર્ષ શાંતિ રહી પણ 2025માં બીજી વાર પ્રમુખ બનતાં જ તેમણે ફરી ઉપાડો લીધો. છેલ્લાં બે વર્ષથી ટ્રમ્પ કહ્યા કરે છે કે, મેં ઇતિહાસમાં બીજા કોઈપણ  કરતાં વધારે લોકોના જીવ બચાવ્યા છે. ટ્રમ્પે તો  પોતે  ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવીને 5 કરોડ લોકોના જીવ બચાવ્યા હોવાનો દાવો પણ કરી રહ્યા છે. 

ટ્રમ્પે તો પોતે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરાવવા માટે કરેલા કામ બદલ પણ નોબલ પ્રાઈઝની માગણી કરી છે.  ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે, પોતે  ઈરાનને પરમાણુ સત્તા નહીં બનવા દઈને  સમગ્ર મધ્ય-પૂર્વની સાથે યુરોપ અને અમેરિકાને પણ બચાવી લીધાં છે.

ટ્રમ્પની વાતો મોં-માથા વિનાની છે તેમાં કોઈ શંકા નથી. લોકો ટ્રમ્પની વાતો સાંભળીને મજાક ઉડાવે છે  પણ  નોબલ પ્રાઈઝની લાલસામાં ટ્રમ્પની બુદ્ધિ એ હદે  બહેર મારી ગઈ છે કે, આ બધું તેમને દેખાતું જ નથી. દુનિયામાં બીજા ઘણા નેતાઓને આવી લાલસા હશે તેથી ટ્રમ્પની લાલસામાં કશું વાંધાજનક નથી પણ આ લાલસા ના સંતોષાતાં ટ્રમ્પ જે રીતે રઘવાયા બનીને વર્તી રહ્યા છે એ આઘાતજનક છે. એ રીતે રઘવાયું બનીને કોઈ વર્તતું નથી.