ભુજ: આજના આધુનિક યુગમાં શારીરિક સૌંદર્ય જાળવવા કેમિકલયુક્ત કૃત્રિમ પ્રસાધનો પાછળ દોટ મૂકતી મહિલાઓ વચ્ચે ભુજ તાલુકાના ગંગાપર ગામની બહેનોએ સ્વાસ્થ્ય, માનસિક અને આત્મિક શાંતિ માટે દેશી ગૌવંશ આધારિત પરંપરાગત પંચગવ્ય સ્નાનનો નવતર પ્રયોગ કરી સમગ્ર દેશ સમક્ષ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગંગાપર સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને ગંગાપર પાટીદાર મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ગામની ગૌશાળા ખાતે ભારતભરમાં સૌપ્રથમવાર કેવળ મહિલાઓ માટે ગોબરયુક્ત પંચગવ્ય સ્નાન કાર્યક્રમ સંપન્ન થયો હતો.
ગૌસેવા ગતિવિધિ પશ્ચિમ કચ્છના સંયોજક નવીન ભુડિયાની પ્રેરણાથી આ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો. કચ્છમાં પુરુષો માટે છેલ્લા બે વર્ષથી આવા સ્નાન પ્રયોગો નિયમિત યોજાઈ રહ્યા છે, જેમાં શુદ્ધ ખોરાક આરોગતી દેશી ગાયનું તાજું ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં અને શુદ્ધ ઘીના મિશ્રણથી તૈયાર થતાં પંચગવ્ય સ્નાનથી ચામડીના અનેકવિધ રોગોમાં ચમત્કારિક રાહત મળતી હોવાનો અનુભવ થયો હતો. આ અનુભવોના આધારે મહિલાઓ તરફથી પણ આવા આયોજનની સતત માંગ ઊઠી રહી હતી.
મહિલાઓની સામાજિક મર્યાદા અને સુરક્ષાને ધ્યાને રાખી ગંગાપરની ગૌશાળામાં ચારેય બાજુથી બંધ અને અત્યંત સુરક્ષિત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. 'ૐ સુરભ્યૈ નમ:'ના પવિત્ર મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલા આ પ્રયોગમાં ૩ વર્ષની માસૂમ બાળકીઓથી લઈને ૬૭ વર્ષના વયોવૃદ્ધ માતૃશક્તિ સહિત કુલ ૪૫ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્નાન બાદ તમામ બહેનોએ અદ્ભુત શાંતિ અને તાજગીની લાગણી વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવાં આયોજનો નિયમિત કરવા અનુરોધ કર્યો હતો.
વિધિના પ્રચાર સંયોજક રામજી વેલાણી સાથે વાત કરતાં રાષ્ટ્ર સેવિકા સમિતિના કાર્યકર્તા જયશ્રીબેન હિરાણી તેમજ ઇરાબેન જાટિયાએ જણાવ્યું હતું કે, "દેશી ગાયનું ગોબર દુર્ગંધ મારે છે તેવી સામાજિક માન્યતાનો અહીં છેદ ઊડી ગયો છે; શરીર પર પંચગવ્ય ધારણ કરતાં જ એક દિવ્ય અને શીતળ અનુભૂતિ થઈ હતી." સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સ્થાનિક મહિલાઓ અને યુવાનોનો ઉત્કૃષ્ટ સહયોગ સાંપડ્યો હોવાનું કાર્યકર્તા હિરેન વાસાણીએ જણાવ્યું હતું.