Mon Oct 12 2026

Logo

કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વધી મુશ્કેલી, FIR રજિસ્ટર

2026-10-12 08:24:00
Author: Mumbai Samachar Team
કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વધી મુશ્કેલી, FIR  રજિસ્ટર

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર દરમિયાન કથિત રીતે પોલીસ ઇન્સ્પેક્ટરની ફરજમાં અડચણ ઊભી કરવા, પેથાપુર પોલીસ સ્ટેશનની અંદર હોબાળો મચાવવા અને સમુદાયો વચ્ચે તણાવ ભડકાવવાનો પ્રયાસ કરવાના આરોપસર કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને અન્ય 7 લોકો સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી એક ન્યૂઝ એજન્સીને આપી હતી.

આ ઘટના કથિત રીતે 8 ઓક્ટોબરે બની હતી. વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા, કારણ કે એવી ફરિયાદ મળી હતી કે તેમણે અને તેમના સાથીઓએ ભાજપના એક પ્રચારકને ધમકી આપી હતી. પેથાપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઓફિસર (PSO) એ પુષ્ટિ કરી કે રવિવાર રાત્રે મેવાણી અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ફરિયાદમાં જિગ્નેશ મેવાણી સામે આ બાબતનો ઉલ્લેખ

પેથાપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. દેસાઈની ફરિયાદ અનુસાર, 8 ઓક્ટોબરે રાત્રે આશરે 10 વાગ્યે પેથાપુરના સંજારી પાર્કમાં પરમાર અને તેમના સાથીઓએ ભાજપના ઉમેદવારના પ્રચારક ભાવેશ ભાવસારને કથિત રીતે ધમકી આપી હતી. તેમણે કથિત રીતે ભાવસારને તે વિસ્તારમાં પ્રચાર ન કરવા અથવા ન આવવાની ચેતવણી આપી હતી અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.

ત્યારબાદ પરમાર અને અજ્ઞાત સાથીઓ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દેસાઈએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ પોતાની સત્તાવાર ફરજ હેઠળ ફરિયાદના સંદર્ભમા પરમારની પૂછપરછ કરી રહ્યા હતા, ત્યારે મેવાણી અને અન્ય આરોપીઓએ કથિત રીતે ગેરકાયદેસર ભીડ એકત્ર કરી હતી અને પોલીસ સ્ટેશનના રાઇટર રૂમમાં ઘૂસી આવ્યા હતા

ફરિયાદ મુજબ, તેઓએ કથિત રીતે દેસાઈને તેમની કાનૂની ફરજો બજાવતા અટકાવ્યા, અપશબ્દો બોલ્યા, હોબાળો મચાવ્યો અને બળજબરીપૂર્વક પરમારનું નિવેદન નોંધતા રોક્યા. આરોપીઓએ કથિત રીતે અન્ય સમર્થકો સાથે પોલીસ સ્ટેશનની બહાર બેસીને ઠાકોર સમાજ/સમુદાયના નામે સૂત્રોચ્ચાર કર્યા.

જિગ્નેશ મેવાણી સહિત અન્ય 7 સામે FIR

તેમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના કૃત્યોથી ગાંધીનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું ઉલ્લંઘન થયું હતું. આ કેસ રવિવારે નોંધવામાં આવ્યો હતો, જે દિવસે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થયું હતું.

મેવાણી અને અન્ય સાત લોકો સામે ગેરકાયદેસર મંડળી રચવા, રમખાણ કરવા, સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઊભી કરવા, ગુનાહિત ધમકી આપવા અને શાંતિ ભંગ કરવાના ઈરાદે જાણીજોઈને અપમાન કરવાના આરોપ હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 189(2), 191(2), 221, 351(2), 352 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.