અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે રશિયા અને યુક્રેન વચ્ચે "તાત્કાલિક અસરથી" ઊર્જા યુદ્ધવિરામની અચાનક જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમિર ઝેલેન્સકીએ સ્પષ્ટતા કરી કે તેમને આ કરારની વિગતો વિશે કોઈ માહિતી નથી અને તેઓ અમેરિકી પક્ષ તરફથી સંપૂર્ણ વિગતો મળવાની રાહ જોઈ રહ્યા છે. ટ્રમ્પની આ અચાનક જાહેરાત પછી હવે સૌની નજર રશિયાની પ્રતિક્રિયા પર ટકેલી છે, કારણ કે મોસ્કો તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું.
ટ્રમ્પે રવિવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતાં જણાવ્યું કે રશિયા અને યુક્રેન ઊર્જા મથકો પર હુમલા રોકવા માટે સંમત થયા છે. તેમણે બંને દેશોને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ન કરવાની અપીલ કરી. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિએ એ સ્પષ્ટ ન કર્યું કે આ કરાર કેટલા સમય માટે છે અને તેને લાગુ કરવાની વ્યવસ્થા શું રહેશે.
જેલેન્સ્કીએ કહ્યું- આ મારા માટે નવા સમાચાર
ટ્રમ્પની જાહેરાત પર પ્રતિક્રિયા આપતાં ઝેલેન્સકીએ સમાચાર વેબસાઇટ 'એક્સિઓસ' (Axios) ને જણાવ્યું કે આ તેમના માટે નવા સમાચાર છે. તેમણે કહ્યું કે જો રશિયા ઊર્જા મથકો પર હુમલા રોકવા માટે તૈયાર હોય, તો યુક્રેન પણ તેના માટે સંમત થશે. ઝેલેન્સકીએ જણાવ્યું કે જો ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આ મુદ્દે વાતચીત કરી હોય, તો યુક્રેનને જણાવવું જોઈએ કે આ યુદ્ધવિરામ ક્યારથી લાગુ થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે યુક્રેન આ પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર છે.
આ પછી ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપી કે તેમણે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, નાટોના મહાસચિવ માર્ક રુટે અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું કે યુક્રેન તણાવ ઘટાડવા અને લોકોના જીવ બચાવવા માટેના પગલાંને સમર્થન આપે છે, પરંતુ એ જરૂરી છે કે રશિયા પણ યુદ્ધવિરામ માટે તૈયાર થાય. તેમણે અમેરિકી પક્ષને કરારની વિગતો શેર કરવા અપીલ કરી.