આર. સી. શર્મા
શારદીય નવરાત્રિ માત્ર નવ દિવસ સુધી ચાલનારો ધાર્મિક તહેવાર નથી. ભારતીય પરંપરામાં આ અનુષ્ઠાન શક્તિ, સાધના અને સ્વ-શિસ્તનો એવો પર્વ છે જેમાં દેવી માતાના નવ સ્વરૂપોની આરાધના દ્વારા જીવનનાં વિવિધ પરિમાણોને સમજવાના પ્રયાસ કરવામાં આવે છે. નવરાત્રિની દરેક રાત્રિ એક દેવીને સમર્પિત છે અને દરેક દેવીનું પોતાનું સ્વરૂપ, વાહન, અસ્ત્ર-શસ્ત્ર અને ધાર્મિક મહત્ત્વ છે. આ સ્વરૂપોને માત્ર પૂજાની વિવિધ વિધિઓ તરીકે જોવાના બદલે જો આપણે તેના પ્રતીકાત્મક અર્થને સમજીએ તો દેવીઓ જીવનની નવ અલગ-અલગ શક્તિઓ અને ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે.
નવરાત્રિનો પહેલો દિવસ દેવી શૈલપુત્રીની આરાધનાથી શરૂ થાય છે. પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેનું નામ શૈલપુત્રી પડ્યું છે. શૈલપુત્રી નંદી પર વિરાજમાન હોય છે અને હાથમાં ત્રિશૂળ અને કમળ ધારણ કરેલા હોય છે. શૈલપુત્રી પ્રકૃતિ અને સ્થિરતા સાથે સંબંધ ધરાવે છે. માતાનું આ સ્વરૂપ પર્વતની જેમ અડગ રહેવું અને જીવનની કપરામાં કપરી પરિસ્થિતિઓ વચ્ચે પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાનો પ્રતીકાત્મક સંદેશ આપે છે.
માતાનું બીજી સ્વરૂપ બ્રહ્મચારિણી છે. આ સ્વરૂપમાં માતાએ હાથમાં કમંડળ અને જાપમાળા ધારણ કરેલી હોય છે. તેમનું આ સ્વરૂપ તપ, સાધના, સંયમ અને ધીરજનું પ્રતીક છે. માતાનું આ સ્વરૂપ આપણને શીખવે છે કે લક્ષ્ય પ્રાપ્તિ માત્ર ઇચ્છાથી થતી નથી, તેના માટે સતત પ્રયાસ, શિસ્ત અને ધીરજ રાખવી જરૂરી છે. જીવનમાં સફળતાનો કોઇ પણ માર્ગ સરળ હોતો નથી. શિક્ષણ, કારકિર્દી, કલા અને આધ્યાત્મિક સાધના કોઇપણ ક્ષેત્રમાં ટકી રહેવાની ક્ષમતા જ આખરે આપણને સફળતા તરફ દોરી જાય છે. આ જ દેવીના બીજા સ્વરૂપનો સંદેશ છે.
દેવી દુર્ગાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાનું છે. તેમના આ સ્વરૂપમાં લલાટ પર અર્ધચંદ્ર ઘંટના રૂપમાં સુશોભિત હોય છે. તેથી તેમના આ સ્વરૂપને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમનું આ સ્વરૂપ સૌમ્યતા અને બહાદુરીનું સંતુલન દર્શાવે છે. માતાનું આ સ્વરૂપ શક્તિનો અર્થ આક્રમકતા નથી એ શીખવે છે. સાચી શક્તિમાં સાહસની સાથે સંવેદનશીલતા પણ હોય છે.
માતાના ચોથા સ્વરૂપનું નામ કુષ્માંડા છે. ધાર્મિક માન્યતા મુજબ તેમણે પોતાના હળવા સ્મિતથી બ્રહ્માંડનું સર્જન કર્યું હતું, તેથી તેમને સૃષ્ટિની અર્ધ શક્તિ તરીકે જોવામાં આવે છે. માતાનો સંદેશ સર્જન અને સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલો છે. કારણ કે જીવનમાં માત્ર સમસ્યાઓનો સામનો કરવો પૂરતું નથી, કંઇક નવું બનાવવાની ક્ષમતા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. વિચાર, જ્ઞાન, કલા, સંબંધ કે કોઇપણ નવું કાર્ય સર્જન મનુષ્યને આગળ વધારે છે. કુષ્માંડાનું સ્વરૂપ આ સર્જનાત્મક શક્તિનું પ્રતીક છે.
નવરાત્રિના પાંચમાં દિવસે માતા સ્કંદમાતાની આરાધના કરવામાં આવે છે. માતાના આ સ્વરૂપમાં ખોળામાં બાળક સ્કંદ એટલે કે કાર્તિકેય હોય છે અને તેમનું આ સ્વરૂપ માતૃત્વ, રક્ષણ અને કરુણાનું પ્રતીક છે. જો કે અહીં માતૃત્વ માત્ર જૈવિક સંબંધ સુધી મર્યાદિત રહેતું નથી. કોઇ વ્યક્તિ, વિચાર, પરિવાર અથવા સમાજની જવાબદારી ઉઠાવવી એ પણ રક્ષણની ભાવના છે. સ્કંદમાતા આપણને યાદ અપાવે છે કે શક્તિનું એક સ્વરૂપ બીજાનું રક્ષણ કરવું અને સક્ષમ બનાવવામાં પણ પ્રગટ થાય છે.
નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાની આરાધના કરવામાં આવે છે. માતા કાત્યાયનીએ મહિષાસુરનો વધ કર્યો હતો. તેમનું આ સ્વરૂપ અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ સંઘર્ષનું પ્રતીક છે. નવરાત્રિમાં દેવીના આ સ્વરૂપની આરાધના એ સંદેશ આપે છે કે અન્યાય સામે મૌન રહેવું એકમાત્ર વિકલ્પ નથી. અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે હિંમતની જરૂર પડે છે અને આ હિંમત પણ શક્તિનું જ એક સ્વરૂપ છે. આ પ્રકારે માતાનું કાત્યાયની સ્વરૂપ શક્તિનો સમયસર ઉપયોગ કરવાનો સંદેશ આપે છે.
માતાનું સાતમું સ્વરૂપ કાલરાત્રિ છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિ માતાની પૂજા કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ નવરાત્રિના બાકીના સ્વરૂપોથી તદ્દન અલગ અને અત્યંત ઉગ્ર છે. તેથી આ સ્વરૂપનું વર્ણન અંધકાર અને ભયનો નાશ કરનારી શક્તિ સ્વરૂપે થયું છે. માતાના આ સ્વરૂપનો પહેલો આભાસ ભય પેદા કરે છે, પરંતુ આ ભય ભયભીત થવા માટે નહીં પરંતુ ભય પર વિજય મેળવવા માટેનો હોય છે. એટલે કે માતાના આ સાતમા સ્વરૂપનો પ્રતીકાત્મક સંદેશ ભય પર વિજય મેળવવો છે.
મનુષ્યના જીવન પર એક નહીં અનેક ભયનાં વાદળો છવાયેલા હોય છે. જેમ કે નિષ્ફળતાનો ભય, ભવિષ્યની મુશ્કેલીઓનો ભય, આવનાર સમયના ફેરફારોનો ભય અને ક્યારેક પોતામાં છુપાયેલી નબળાઇઓનો ભય. કાલરાત્રિનું આ સ્વરૂપ આપણને તમામ પ્રકારના ભયનો સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે. તેથી આ ભય પર વિજયનું પ્રતીક છે.
માતાનું આઠમું સ્વરૂપ મહાગૌરીનું છે. માતાનું આ સ્વરૂપ પવિત્રતા, શાંતિ અને નિર્મળતા સાથે જોડાયેલું છે. કાલરાત્રિના ઉગ્ર સ્વરૂપ પછી માતાના મહાગૌરી સ્વરૂપનો એક મહત્ત્વપૂર્ણ સંદેશ છે- એ છે સંઘર્ષ પછી શાંતિનો સંદેશ. આ પ્રતીકનો અર્થ એ છે કે માત્ર બાહ્ય સિદ્ધિઓ મનુષ્યને સંતુષ્ટ કરી શકતી નથી. મનની શાંતિ, આત્મચિંતન અને આંતરિક શુદ્ધતા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.
માતાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે. નામ જ સૂચવે છે કે માતાનું આ સ્વરૂપ સિદ્ધિઓ પ્રદાન કરે છે. તેમનું આ સ્વરૂપ સાધનાની પૂર્ણતા અને સિદ્ધિનું પ્રતીક છે. પરંતુ સિદ્ધિનો અર્થ માત્ર અલૌકિક શક્તિ ન સમજવો જોઇએ. લક્ષ્ય સુધી પહોંચવું, પોતાની ક્ષમતાને ઓળખવી અને જ્ઞાનના અનુભવ દ્વારા પોતાનો વિકાસ કરવો એ પણ જીવનની એક પ્રકારની સિદ્ધિ જ ગણાય છે.
આ રીતે નવ દેવીઓને ક્રમમાં જોઇએ તો નવરાત્રિ માત્ર ઉજવણીના નવ દિવસ નથી. તે આપણી સમગ્ર જીવન યાત્રાનો સારાંશ છે. આ ક્રમ ધાર્મિક શ્રદ્ધાનો વિષય તો છે જ પણ સાથે આપણને જીવનને સમજવા માટે એક શિસ્તબદ્ધ રૂપક પણ પ્રદાન કરે છે. કદાચ એટલા માટે જ શરદીય નવરાત્રિની સૌથી મોટી સુંદરતા એ છે કે આ નવ દિવસમાં આપણે સમગ્ર જીવન યાત્રાને ધાર્મિક દૃષ્ટિકોણથી સારી રીતે સમજવાની સાથે તેનો અર્થ પણ સમજી લઇએ છીએ.