Mon Oct 12 2026

Logo

ગુરુદ્વારા પરિસરમાં અશાંતિ ફેલાવવા બદલ AAP અને કેજરીવાલ સામે FIR, DSGMC એ નોંધાવી ફરિયાદ

2026-10-12 09:55:00
Author: Vimal Prajapati
ગુરુદ્વારા પરિસરમાં અશાંતિ ફેલાવવા બદલ AAP અને કેજરીવાલ સામે FIR, DSGMC એ નોંધાવી ફરિયાદ

નવી દિલ્હી: દિલ્હી રાજકારણમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC) ના અધ્યક્ષે આમ આદમી પાર્ટી (AAP) ના સીનિયર નેતાઓ અને અર્વિંદ કેજરીવાલ સામે દિલ્હી પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. કમિટીનો ગંભીર આરોપ છે કે, આમ આદમી પાર્ટીના સમર્થકો અને કાર્યકર્તાઓએ ગુરુદ્વારા પરિસરમાં બળજબરીથી પ્રવેશ કરીને તેની પવિત્રતા ભંગ કરવાનો અને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કર્યો છે. આ ફરિયાદના આધારે દિલ્હી પોલીસે એફઆઈઆર (FIR) દાખલ કરીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

સુનિયોજિત રીતે ગુરુદ્વારામાં અફરા-તફરી મચાવ્યાનો આરોપ

DSGMC ના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અનુસાર, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો એક ખાસ યોજના હેઠળ ગુરુદ્વારા પરિસરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે 'ગુરુ ઘર' જેવા પવિત્ર સ્થળની ગરિમાને બાજુ પર મૂકીને અંદર અફરા-તફરી અને અશાંતિનો માહોલ ઊભો કર્યો હતો. કમિટીએ દાવો કર્યો છે કે AAP એ રાજકીય વિરોધ અને પોતાના રોટલા શેકવા માટે ગુરુદ્વારાની પવિત્રતાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર ભ્રામક વિડીયો વાયરલ કરવાનો દાવો

ફરિયાદમાં એવો પણ સનસનાટીભર્યો આરોપ મૂકવામાં આવ્યો છે કે આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓએ સોશિયલ મીડિયા પર પસંદગીના અને ભ્રામક વીડિયો પોસ્ટ કરીને સમગ્ર બનાવને ખોટી રીતે રજૂ કર્યો હતો. એટલું જ નહીં, AAP નેતાઓએ ઊલટાનું ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી પર જ ખોટા આરોપો મઢી દીધા હતા. DSGMC ના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, આપના સંયોજક અર્વિંદ કેજરીવાલે પણ આ ભ્રામક દાવો અને આરોપોનું જાહેરમાં સમર્થન કર્યું હતું અને તેને આગળ વધાર્યું હતું.

DSGMC દ્વારા પોલીસને પુરાવા પણ આપવામાં આવ્યાં

કમિટી તરફથી દિલ્હી પોલીસને ઘટના સંબંધિત સીસીટીવી અને અન્ય વીડિયો ફૂટેજ પુરાવા તરીકે સોંપવામાં આવ્યા છે. DSGMC નો દાવો છે કે, વીડિયોમાં આપ કાર્યકર્તાઓનું હંગામાભર્યું વર્તન સ્પષ્ટપણે જોઈ શકાય છે. કમિટીએ આશંકા વ્યક્ત કરી છે કે ગુરુદ્વારા પરિસરમાં હંગામો મચાવવો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવી એ એક મોટા અને સોચી-સમઝી કાવતરાનો ભાગ છે. હાલમાં દિલ્હી પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વીડિયો ફૂટેજની ચકાસણી કરી રહી છે.