રાજકોટના યુનિવર્સિટી રોડમાં મોડી રાતે અંદાજે દોઢ વાગ્યા સાધુ વાસવાણી કોર્નર પાસે અજંતા પાર્કમાં રહેતા 37 વર્ષીય ચિરાગસિંહ તલાટીયા અને માતા જસુબા મંદિરેથી દર્શન કરીને એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે તેમને ઉડાડ્યા હતા. કારની ભયાનક ઠોકર લાગતા બંને ફૂટબોલની માફક ફંગોળાયા અને ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં મહિલાનો પગ કપાઈ ગયો હતો.
સ્થાનિકોએ 108 મારફતે ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. આ દુર્ઘટનામાં 68 વર્ષીય જશુબા તલાટીયા નામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે યુનિવર્સિટી પોલીસે કાર ચાલક ઋષિ રૂપારેલીયા સામે BNSની કલમ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારચાલકે માતા-પુત્રને હડફેટે લીધા, ત્યારબાદ કારમાંથી ગરબા રમીને પરત ફરતા યુવક અને યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ઉતરે છે અને સ્થાનિકો દોડી આવે છે.
જોરદાર ટક્કર વાગતા માતા અને પુત્ર બંને હવામાં ફંગોળાયા
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, રોડ પરથી એક સફેદ રંગની કાર પૂરઝડપે પસાર થઇ રહી છે. બીજી તરફ એક્ટિવામાં માતા-પુત્ર આવી રહ્યા છે. એક્ટિવા સાથે કારની જોરદાર ટક્કર વાગતા માતા અને પુત્ર બંને હવામાં ફંગોળાઈ જાય છે અને ગંભીર રીતે રોડ પર પટકાય છે.
ટ્રેડિશનલ ડ્રેસમાં કારચાલકો હતા
અકસ્માત સર્જ્યા બાદ કાર થોડી આગળ જઈને ઊભી રહે છે અને તેમાંથી બે યુવક તથા 2 યુવતી નીચે ઉતરે છે. તેમજ આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવીને ઈજાગ્રસ્તોની મદદે પહોંચે છે અને વિસ્તારમાં દોડાદોડી તથા અફરાતફરીનો માહોલ સર્જાય છે.
કાર નંબરના આધારે પોલીસની તપાસ
આ સમગ્ર મામલે રાજકોટની યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જનાર કારના નંબર સહિત અન્ય વિગતોના આધારે જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માત સમયે કારની ઝડપ કેટલી હતી અને કાર કોણ ચલાવી રહ્યું હતું તે સહિતની બાબતો તપાસનો વિષય છે.
મોડી રાત્રિના અકસ્માતો સામે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો
શહેરમાં મોડી રાત્રે બેફામપણે વાહનો હંકારવાની વધતી જતી પ્રવૃત્તિઓને કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. યુનિવર્સિટી રોડ પર બનેલી આ ઘટના બાદ સ્થાનિક નાગરિકો અને રાહદારીઓમાં સ્પીડિંગ વાહનચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ફરાર અથવા સંડોવાયેલા કારચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવાની ખાતરી આપી છે.