Mon Oct 12 2026

Logo

આતમના અજવાળેઃ સાત આસમાનનો ભેદ ને ઈશ્કનો કીમિયાગર-નિઝામી ગંજવી

2026-10-12 08:04:00
Author: Bhargav Thakar
આતમના અજવાળેઃ સાત આસમાનનો ભેદ ને ઈશ્કનો કીમિયાગર-નિઝામી ગંજવી

ભાર્ગવ ઠાકર 

બારમી સદીનો એ સમય, જ્યારે પર્શિયન સાહિત્યના આકાશમાં મોટાભાગના તારાઓ રાજદરબારની આસપાસ જ ચક્કર લગાવતા હતા. કવિઓ રાજાઓની પ્રશંસામાં કસીદા પઢતા અને સોનામહોરોથી પોતાની કલમનું વજન તોલતા. પણ આ કોલાહલથી દૂર, કાકેશસ પર્વતમાળાની તળેટીમાં આવેલા ગંજા (આજનું અઝરબૈજાન) શહેરની એક સાંકડી અને શાંત ગલીમાં એક માણસ બેઠો હતો. તેણે આખી જિંદગીમાં ગંજા શહેરની સરહદ ભાગ્યે જ વટાવી હતી, છતાં તેની કલમ આખા બ્રહ્માંડનો પ્રવાસ કરી રહી હતી. એ એકાંતવાસી સર્જક, એ શબ્દોનો કીમિયાગર એટલે જમાલ અલ-દીન અબુ મુહમ્મદ ઇલ્યાસ ઇબ્ન યુસુફ, જેને દુનિયા આજે ‘નિઝામી ગંજવી’ (ઈ.સ. 1141 - 1209) ના નામે ઓળખે છે.

નિઝામીના જીવનની કથા કોઈ સીધી વહેતી નદી જેવી નથી, પણ એક એવા સરોવર જેવી છે જેના શાંત જળની નીચે રહસ્યોનાં અનેક વમળો છુપાયેલાં છે. તેમના જીવનનું પહેલું પડળ ખૂલે છે એક અત્યંત અજાણી પણ હૃદયસ્પર્શી ઘટનાથી. નિઝામી ત્યારે યુવાન હતા. દર્બંદના શાસકે તેમની કવિતાથી ખુશ થઈને તેમને એક કિપચાક (તુર્કિક) ગુલામ સ્ત્રી ભેટમાં મોકલી. એ જમાનામાં ગુલામોને માત્ર મિલકત ગણવામાં આવતા, પણ નિઝામીની આંખોમાં તો સૂફીવાદનો સૂરમો આંજેલો હતો. તેમણે આ સ્ત્રીને ગુલામીમાંથી મુક્ત કરી અને તેની સાથે નિકાહ પઢ્યા. એ સ્ત્રીનું નામ હતું ‘અફાક’.

અફાક માત્ર તેમની પત્ની નહોતી, પણ નિઝામીના ભીતર સૂતેલા ઇશ્કને જગાડનાર અરીસો બની ગઈ. નિઝામીની પ્રખ્યાત કૃતિ ‘ખોસરો અને શિરીન’ના કેન્દ્રમાં રહેલી શિરીનની સ્વતંત્રતા, બહાદુરી અને નિખાલસતા એ અફાકના જ વ્યક્તિત્વનો પડઘો છે. પરંતુ, નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે નિઝામી ‘ખોસરો અને શિરીન’નાં અંતિમ પ્રકરણો લખી રહ્યા હતા, ત્યારે જ અફાકનું અકાળ અવસાન થયું. આ વિરહની વેદનાએ નિઝામીની કલમને એક નવો જ વળાંક આપ્યો. તેમણે પોતાની કવિતામાં અફાકને યાદ કરતા જે પીડા ઠાલવી છે. 

‘મારી શિરીન, 
મારું અસ્તિત્વ તારા વિના એવી રીતે વીખરાઈ ગયું છે, 
જેમ પાનખરના પહેલા પવનમાં ખરી પડતું કોઈ ગુલાબ; 
તું ગઈ, અને મારી કલમમાંથી વહેતી આ શાહીમાં, 
મારા પોતાના જ આંસુઓની ખારાશ કાયમ માટે ભળી ગઈ.’

અફાકના મૃત્યુ પછી નિઝામી દુન્યવી પ્રેમ (ઇશ્કે-મિજાઝી) ની સીડી ચઢીને ઈશ્વરીય પ્રેમ (ઇશ્કે-હકીકી) ના શિખર તરફ આગળ વધ્યા. અહીંથી તેમની વાર્તાનું બીજું અને સૌથી ગહન પડળ ખૂલે છે- ‘લયલા અને મજનુ’. અરબસ્તાનના રણમાં રઝળતી કૈસ અને લયલાની આ લોકકથા તો સદીઓથી લોકોની જીભે રમતી હતી, પણ નિઝામીએ તેને માત્ર એક પ્રણયકથા ન રહેવા દીધી. તેમણે આ કથાને આધ્યાત્મિકતાનો એવો રંગ આપ્યો કે મજનુનું ગાંડપણ એ ઈશ્વરને પામવાની સર્વોચ્ચ અવસ્થા બની ગયું.

સામાન્ય વાર્તાઓમાં મજનુ લયલા માટે રડે છે, પણ નિઝામીનો મજનુ જ્યારે રણમાં એકલો ભટકે છે, ત્યારે તે પશુ-પક્ષીઓ અને તારાઓ સાથે સંવાદ કરે છે. તે પ્રકૃતિ સાથે એટલો એકરૂપ થઈ જાય છે કે જ્યારે અંતે તેને લયલાને મળવાની તક મળે છે, ત્યારે તે લયલાને જ નકારી કાઢે છે! આ એક અત્યંત ચોંકાવનારી ઘટના છે. મજનુ લયલાને કહે છે કે હવે મને તારા આ ભૌતિક અસ્તિત્વની કોઈ જરૂર નથી, કારણ કે તું મારા અસ્તિત્વમાં ઓગળી ચૂકી છે. આ અદ્વૈતની ભાવનાને નિઝામીએ આ રીતે વહેવા દીધી છે:

‘મેં તને મારી ભીતર એટલી હદે શોધી લીધી છે કે, 
હવે બહારની દુનિયામાં તારું હોવું મને પારકું લાગે છે; 
હું જ લયલા છું, અને લયલા જ હવે મારો શ્વાસ છે, 
જ્યારે હું મારી જાતને શોધું છું, ત્યારે માત્ર તું જ મળે છે.’

જેમ જેમ ઉંમર વધતી ગઈ, તેમ તેમ નિઝામીની કલમમાંથી બ્રહ્માંડનાં રહસ્યો ખૂલવા લાગ્યાં. તેઓ માત્ર કવિ નહોતા, પણ ખગોળશાસ્ત્ર, રસાયણવિદ્યા (આલ્કેમી), ગણિત અને ફિલસૂફીના પ્રખર જાણકાર હતા. આ જ્ઞાનનો નીચોડ તેમની સૌથી રહસ્યમય અને જટિલ રચના ‘હફ્ત પૈકર’ (સાત સુંદરીઓ)માં જોવા મળે છે.આ માત્ર સસાનીદ રાજા બહેરામ ગુરની કથા નથી, પણ માનવઆત્માની અંધકારથી પ્રકાશ તરફની યાત્રાનો નકશો છે. 

રાજા બહેરામ સાત અલગ-અલગ રંગના ગુમ્બજ (મહેલ) માં સાત રાજકુમારીઓને મળે છે. દરેક રંગ એક ગ્રહ, એક મનોભાવ અને આધ્યાત્મિક સફરના એક તબક્કાનું પ્રતીક છે. યાત્રા શનિ ગ્રહના કાળા રંગ (અજ્ઞાન અને અંધકાર) થી શરૂ થઈને સૂર્યના સફેદ રંગ (પૂર્ણતા અને ઈશ્વરીય પ્રકાશ) સુધી પહોંચે છે. નિઝામી અહીં સ્પષ્ટ કરે છે કે બહારની સત્તા માણસને ક્યારેય તૃપ્ત નથી કરી શકતી, ખરી સત્તા તો પોતાની જાત પર વિજય મેળવવામાં છે:

‘સાત આસમાન અને સાત રંગોનો ભેદ તું શું જાણે? 
તારી ભીતર જ આખું બ્રહ્માંડ એક બિંદુમાં સમેટાયેલું છે; 
જો તું તારા પોતાના અંધકારને ઓળખીને અજવાળી શકે, 
તો આ કાળી માટીમાંથી જ તું સોનું નીપજાવી શકે.’

નિઝામીની સાહિત્યિક સફરનું અંતિમ શિખર એટલે ‘ઇસ્કંદરનામા’ (સિકંદરની કથા). ઇતિહાસ સિકંદરને એક મહાન વિજેતા માને છે, જેણે આખી દુનિયાને લોહીલુહાણ કરી નાખી, પરંતુ નિઝામીના હાથે સિકંદરની છબી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. નિઝામીના સિકંદર માટે દુનિયા જીતવી એ માત્ર એક ભ્રમ છે. તેમની વાર્તામાં સિકંદર જ્યારે ‘ઝુલ્મત’ (અંધકારના પ્રદેશ) માં ‘આબે હયાત’ (અમૃત)ની શોધમાં જાય છે, ત્યારે તેને રસ્તો નથી મળતો, પણ તેના માર્ગદર્શક ખિઝ્રને તે અમૃત મળી જાય છે. 

આ પ્રસંગ દ્વારા નિઝામી બહુ મોટો કટાક્ષ કરે છે કે સત્તા અને શક્તિથી ઈશ્વર કે અમરત્વ ક્યારેય પામી શકાતા નથી, તેના માટે તો નિખાલસતા અને સમર્પણની જ જરૂર પડે છે. સિકંદરની આખી જિંદગીની દોડધામના અંતે નિઝામી તેને જે સત્ય સમજાવે છે, તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે:

‘ઓ સિકંદર, તેં દુનિયા જીતીને પણ શું પામી લીધું? 
તારા રસ્તાઓ તો આખરે કબ્રસ્તાનના દરવાજે જ પૂરા થાય છે;
જો કંઈ હંમેશાં માટે જીવંત રહેવાનું હોય આ દુનિયામાં, 
તો તે માત્ર ને માત્ર પ્રેમથી બોલાયેલા શબ્દો જ છે.’

નિઝામી ગંજવીએ પોતાના જીવનમાં પાંચ મહાકાવ્યો રચ્યાં, જેને દુનિયા આજે ‘ખમસા’ (પંજ ગંજ - પાંચ ખજાના) તરીકે ઓળખે છે. તેમણે આ ખજાનો કોઈ રાજાની તિજોરી ભરવા નહોતો બનાવ્યો,પણ આવનારી સદીઓ સુધી માણસાઈની તરસ છીપાવવા માટે વહાવ્યો હતો. રાજદરબાર ના વૈભવને ઠોકર મારીને, ગંજાની એ નાનકડી ઝૂંપડીમાં બેસીને તેમણે સાબિત કરી દીધું કે જ્યારે માણસ પોતાની ભીતર એકાકાર સાધી લે છે, ત્યારે તેને કોઈ બહારની રોશનીની જરૂર પડતી નથી. તેમની કલમની એ નદી આજે નવ સદીઓ પછી પણ વહી રહી છે, જેના દરેક વળાંક પર ઈશ્કનું એક નવું જ રહસ્ય ખૂલે છે.