Mon Oct 12 2026

Logo

અલખનો ઓટલોઃ જુગત સે નર જીવે જોગી, મુગત સે પરમાણ રે...

2026-10-12 08:11:00
Author: Dr Niranjan Rajyaguru
અલખનો ઓટલોઃ જુગત સે નર જીવે જોગી, મુગત સે પરમાણ રે...

ડૉ. નિરંજન રાજ્યગુરુ

(ગતાંકથી ચાલુ)

સેજે સાયાંજી મારું મનડું ન માને મમતાળું,
કહો ને ગુરુજી મારું, દિલડું ન માને દુબજાળું...
વારી વારી મનને હું તો વાડલે પૂરું રે ગુરુ મારા,
પતળેલ જાય પરબારું... ગુરુજી મારું...મનડું ન માને મમતાળું.
ઘડીકમાં મનડું કીડી અને કુંજર વાલા
ઘડીક ઘોડે ને ઘડીક પાળું... ગુરુજી મારું...મનડું ને માને મમતાળું.
કામ અને કાજ મુંને કાંઈ નવ સૂઝે વાલા
ખલક લાગે છે બધું ય ખારું... ગુરુજી મારું...મનડું ન માને મમતાળું.
 તીરથ જઈને ક્યો તો તપસ્યા રે માંડું વાલા,
ક્યો તો પંચ રે ધૂણી હું પરજાળું... ગુરુજી મારું...મનડું ન માને મમતાળું.
કહો તો ગુરુજી રૂડાં મંદિરું ચણાવું ને,
હવે કહો તો સમાત્યું રે ગળાવું... ગુરુજી મારું...મનડું ન માને મમતાળું.
 કહો તો ગુરુજી રૂડી રસોયું બનાવું ને,
રૂઠડા રે રામને જમાડું... ગુરુજી મારું...મનડું ન માને મમતાળું.
દાસી જીવણ સત ભીમ કેરાં શરણાં ને,
હે જી તમે સરજયું હશે તો થાશે સારું... ગુરુજી મારું...મનડું ન માને મમતાળું.  
આ ભજનની જવાબમાં ભીમસાહેબે સંદેશો મોકલાવ્યો :
હે જી વાલા જીવણ, જીવને જ્યાં રાખીએ, વાગે અનહદ તૂરા
ઝળહળ જ્યોતું ઝળહળે વરસે નિરમળ નૂરા, હે જી વાલા જીવણ જીવને...
પાંચ તત્ત્વને ત્રણ ગુણ છે, પચવીસાં લેજો રે વિચારી
મંથન કરોને એના મૂળનાં, એમાંથી તત્ત્વ લેજો એક તારી... જીવણ જીવને..

આ ઉપદેશમાં જ્ઞાન અને યોગનો સમન્વય કરીને મન ઉપર કાબૂ લાવવાનો ઉપાયો બતાવ્યા છે. આ શરીરનું બંધારણ જે પાંચ તત્ત્વથી થયું છે એ પૃથ્વી, પાણી, આકાશ, અગ્નિ અને વાયુ એ પાંચ તત્ત્વો ; સત્ત્વ, તમ અને રજ એ ત્રણ ગુણ અને પચીસ પ્રકૃતિને જાણી લઈને એનાં મૂળ સુધી પહોંચીને એક તત્ત્વની શોધ કરવાની આ યાત્રા છે. 

લોકસંતોએ સાવ સીધી સાદી સરળ વાણીમાં વેદાન્તના તત્ત્વદર્શનનો અર્ક આપી દીધો હોય એમ લાગે છે. દાસી જીવણે તો કરી સાધના અને પછી ગાયું : ‘અજવાળું રે હવે અજવાળું, ગુરુજી તમ આવ્યે મારે અજવાળું..’ પણ એ બધું સાધનાને પ્રતાપે, મન ઉપ કાબર મેળવ્યા પછી આટલો તીવ્ર વૈરાગ્ય જન્મ્યો હોય ત્યારે જ મન વશ થાય, અને છતાં ગુરુની કૃપા તો હોવી જ જોઈએ.