Mon Oct 12 2026

Logo

સપ્ટેમ્બર મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં આંતરપ્રવાહ 31 ટકા વધીને રૂ. 38,306 કરોડ

2026-10-12 19:45:00
Author: Ramesh Gohil
સપ્ટેમ્બર મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં આંતરપ્રવાહ 31 ટકા વધીને રૂ. 38,306 કરોડ

નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બર મહિનામાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવા છતાં રોકાણકારોનું ખાસ કરીને મિડિકેપ અને સ્મોલકેપ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં આકર્ષણ જળવાઈ રહેતાં કુલ ઈક્વિટીમાં આંતરપ્રવાહ આગલા ઑગસ્ટ મહિનાના રૂ. 29,329 કરોડના આંતરપ્રવાહ સામે 31 ટકા વધીને રૂ. 38,306 કરોડની સપાટીએ રહ્યો હોવાનું એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાએ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે.

એસોસિયેશનના જણાવ્યાનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ રૂ. 9039 કરોડનો આંતરપ્રવાહ સ્મોલકેપ ફંડોમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મિડકેપ ફંડોમાં રૂ. 7835 કરોડનો અને લાર્જકેપ ફંડોમાં રૂ. 860 કરોડનો આંતરપ્રવાહ જોવા મળ્યો હતો. 

ગત સપ્ટેમ્બર મહિનામાં સ્થાનિક બજાર દબાણ હેઠળ હોવા છતાં ઈક્વિટી ફંડોના આંતરપ્રવાહમાં જોવા મળેલો વધારો મુખ્યત્વે સંપત્તિ સર્જન માટેનાં શ્રેષ્ઠ લાંબાગાળાના માધ્યમોમાં ભારતીય રોકાણકારો ઈક્વિટીમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે, એવું દર્શાવે છે. જોકે, આમાંનું અમુક રોકાણ ડેબ્ટ અને હાઈબ્રિડ ફંડમાંથી નાણાં પાછાં ખેચવાને કારણે પણ થયું હોઈ શકે, એમ ગ્રોના ફંડ મેનેજર અને રિસર્ચ હેડ નિરવ કરકેરાએ જણાવ્યું હતું. 

એસોસિયેશનની માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડોમાં બાહ્યપ્રવાહ જે આગલા ઑગસ્ટ મહિનામાં રૂ. 8127 કરોડનો હતો તેની સામે નોંધપાત્ર વધીને રૂ. 1.83 લાખ કરોડની સપાટીએ રહ્યો હોવાથી એકંદરે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ગત સપ્ટેમ્બર મહિનામાં રૂ. 1.33 લાખ કરોડનો ચોખ્ખો બાહ્યપ્રવાહ રહ્યો હતો. આ પૂર્વે ઑગસ્ટ મહિનામાં રૂ. 41,353 કરોડનો ચોખ્ખો બાહ્યપ્રવાહ રહ્યો હતો. તેમ જ મ્યુચ્યુઅલ ફંડની એસેટ્ અન્ડર મેનેજમેન્ટ આગલા ઑગસ્ટ મહિનાના રૂ. 87.07 લાખ કરોડ સામે ઘટીને 82.64 લાખ કરોડના સ્તરે રહી હતી.