મુંબઈ: અભિનેત્રી પરિણીતિ ચોપરા હાલ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવી રહી છે. તાજેતરમાં વેબ સિરીઝ ‘શક: ટ્રસ્ટ નો વન’ દ્વારા ઓટીટી પર ડેબ્યૂ કરનાર પરિણીતિએ એક ઇન્ટરવ્યૂમાં માતા બન્યા પછીના પોતાના અનુભવો, કામ પર પાછા ફરવાના પડકારો અને પતિ રાઘવ ચઢ્ઢાના સાથ વિશે વાત કરી છે. તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દુનિયાનું ગમે તેટલું મોટું કે રોમાંચક કામ મળે, પરંતુ જો તેના માટે માતૃત્વ સાથે એક ક્ષણનું પણ સમાધાન કરવું પડે તો તે એવું કોઈ કામ પસંદ નહીં કરે. તેના માટે દીકરો નીર દરેક વસ્તુથી ઉપર છે.
પરિણીતિએ જણાવ્યું કે દીકરા નીરને છોડીને પહેલીવાર કામ માટે જવું તેના જીવનની સૌથી મુશ્કેલ ક્ષણોમાંની એક હતી. તેણે આ અનુભવને ‘મોમ ગિલ્ટ’ એટલે કે બાળકને છોડીને કામ પર જવાના અપરાધભાવ ગણાવ્યો હતો. પરિણીતિના મતે માતા બન્યા પછી બાળક માટે કામ કરવાની અને તેના માટે ઉદાહરણ બનવાની ઈચ્છા થાય છે, પરંતુ બાળકથી દૂર રહેવાનું દુઃખ પણ એટલું જ મોટું હોય છે. જોકે, તેણે કહ્યું કે કામ કરવાથી તેને વધુ સારી અને સંપૂર્ણ માતા બનવામાં મદદ મળે છે.
પરિણીતિએ પોતાના પતિ અને સાંસદ રાઘવ ચઢ્ઢાને કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવામાં મોટો આધાર ગણાવ્યો. તેના જણાવ્યા અનુસાર, રાઘવે તેને કામ ફરી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી અને ખાતરી આપી કે તે દરેક પગલે તેની સાથે છે.
પરિણીતિએ કહ્યું કે તેની વ્યસ્ત કારકિર્દી અચાનક બંધ થઈ જવાથી તેના પર અસર થઈ શકે છે, એ વાત રાઘવ સમજતા હતા. તેથી તેમણે તેને કામ પર પાછા ફરવા માટે પ્રેરણા આપી. પરિણીતિના જણાવ્યા મુજબ, જ્યારે તે કામ પર હોય છે ત્યારે રાઘવ દીકરાની સંભાળ રાખે છે અને જ્યારે રાઘવ કામમાં વ્યસ્ત હોય છે ત્યારે તે બાળક સાથે રહે છે.
પરિણીતિના મતે બાળકના ઉછેરની જવાબદારી બંને માતા-પિતાએ વહેંચવી જોઈએ. તેણે કહ્યું કે જ્યારે બાળક પોતાના માતા-પિતાને એકબીજાને સાથ આપતા અને જવાબદારીઓ વહેંચતા જોશે, ત્યારે તે પણ જીવનમાં મજબૂત નિર્ણયો લેવાનું શીખશે. પરિણીતિએ માતૃત્વને પોતાની કારકિર્દીનો અંત નહીં, પરંતુ જીવનનો નવો તબક્કો ગણાવ્યો છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું કે કારકિર્દી કેટલીય મહત્ત્વની હોય, દીકરાની જરૂરિયાતો અને માતૃત્વ તેની પ્રથમ પ્રાથમિકતા રહેશે.
પરિણીતિએ પોતાની વેબ સિરીઝ ‘શક: ટ્રસ્ટ નો વન’ સાથે જોડાયેલો એક રસપ્રદ અનુભવ પણ શેર કર્યો. આ સિરીઝમાં તે પોતાની દીકરી ગુમાવતી માતાની ભૂમિકા ભજવે છે. તેણે જણાવ્યું કે સિરીઝનું શૂટિંગ કરતી વખતે જ તેને પોતાની પ્રેગ્નન્સીની જાણ થઈ હતી. તે સમયે તેને માતૃત્વનો વધુ અનુભવ નહોતો, પરંતુ હવે જ્યારે તે સિરીઝનાં દૃશ્યો જુએ છે ત્યારે તે પાત્રની લાગણીઓને વધુ ઊંડાણથી અનુભવી શકે છે.
પરિણીતિએ માતા બન્યા પછી અભિનેત્રીઓના વજન અને શરીરમાં થતા ફેરફારોને લઈને થતી ટ્રોલિંગ પર પણ નારાજગી વ્યક્ત કરી. તેણે સવાલ કર્યો કે કોઈને મહિલાના વજન પર સવાલ કરવાનો કે તેના શરીર વિશે ટિપ્પણી કરવાનો અધિકાર કોણે આપ્યો છે?
તેના મતે ગર્ભાવસ્થા પછી શરીરમાં ફેરફાર થવો સ્વાભાવિક છે. સ્ટ્રેચ માર્ક્સ, ડાઘ કે વધેલું વજન કોઈ ખામી નથી, પરંતુ બાળકને જન્મ આપવાની પ્રક્રિયાનો ભાગ છે. પરિણીતિએ કહ્યું કે અન્ય લોકોએ મહિલાના શરીર માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવી કે તેને ચોક્કસ સમય સુધીમાં પહેલાં જેવી દેખાવાની અપેક્ષા રાખવી યોગ્ય નથી.
‘ઇશ્કઝાદે’થી ઓળખ મેળવનાર પરિણીતિ ચોપરા હવે એક તરફ પોતાની કારકિર્દીને આગળ વધારી રહી છે અને બીજી તરફ માતૃત્વની નવી જવાબદારીઓ પણ નિભાવી રહી છે. તેના ઇન્ટરવ્યૂમાં સૌથી મહત્ત્વની વાત એ રહી કે કારકિર્દી અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવા માટે જીવનસાથીનો સહકાર કેટલો જરૂરી છે. પરિણીતિ માટે સફળતાનો અર્થ માત્ર મોટાં પ્રોજેક્ટ્સ મેળવવો નથી, પરંતુ પોતાના દીકરા સાથે સમય વિતાવવો અને માતૃત્વને પ્રાથમિકતા આપવી પણ છે.