મુંબઈઃ મુંબઈમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અપૂરતા વરસાદને કારણે જળાશયો પૂરા ભરાયા નથી, જેના કારણે 2027 સુધી પાણીકાપની શક્યતા સેવાઈ રહી છે. આ વર્ષે ઓછા વરસાદને કારણે શહેરને આગામી વર્ષ સુધી 10 ટકા પાણીકાપનો સામનો કરવો પડી શકે તેવી શક્યતા છે ત્યારે બીએમસીના હાઇડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગના આંકડા શહેરની વધતી જતી માંગને પહોંચી વળવા અને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પાણીના નવા સ્ત્રોતો વિકસાવવાની તાકીદની જરૂરિયાત પર ભાર મૂકે છે.
મુંબઈને સાત તળાવો અને ડેમમાંથી દૈનિક ૪,૧૦૦ મિલિયન લિટર પાણી મળે છે. પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાણીની માંગ અત્યારે જ દરરોજ આશરે ૪,૬૦૦ એમએલડી જેટલી છે.
જોકે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અપૂરતા વરસાદને કારણે આ વર્ષે ચોમાસાના અંત સુધીમાં આ તળાવો તેમની સંપૂર્ણ ક્ષમતા (૧૦૦%) સુધી ભરાઈ શક્યા નથી. જેના કારણે અછત ઊભી થઈ છે જેને હાલના જળસ્ત્રોતો દ્વારા પૂરી કરી શકાય તેમ નથી.
બીએમસી દ્વારા તાજેતરમાં પ્રકાશિત 'પર્યાવરણ સ્થિતિ અહેવાલ ૨૦૨૫-૨૬' મુજબ, વર્ષ ૨૦૪૧ સુધીમાં શહેરની દૈનિક પાણીની માંગ વધીને ૬,૪૨૪ એમએલડી થવાનો અંદાજ છે જે પુરવઠા કરતાં વધુ છે. ભવિષ્યમાં માંગને પહોંચી વળવા માટે બીએમસીએ પાણીના છ નવા સ્ત્રોતોની ઓળખ કરી છે, જેનાથી શહેરના પાણીના પુરવઠામાં સંયુક્ત રીતે ૩,૩૦૩ એમએલડીનો વધારો થવાની અપેક્ષા છે.
ત્રણ મુખ્ય પ્રોજેક્ટ્સ ગરગાઈ, પિંજલ અને આંતર-રાજ્ય દમણગંગા-પિંજલ પ્રોજેક્ટ છે. બીએમસીએ મનોરી અને વર્સોવા ખાતે ૨૦૦ એમએલડીની ક્ષમતા ધરાવતા ડિસેલિનેશન પ્લાન્ટ્સ અને કોલાબા ખાતે ૧૨ એમએલડી ક્ષમતાનો અદ્યતન ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. પ્રસ્તાવિત મનોરી ડિસેલિનેશન પ્લાન્ટ માટેનું પ્રાથમિક કાર્ય શરૂ થઈ ગયું છે.
મેયર રિતુ તાવડે અને બીએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પ્રભાકર શિંદે દ્વારા પાલિકાના તાનસા અને મોદક સાગર તળાવોની મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટ્સની સ્થિતિ ચર્ચાના કેન્દ્રમાં આવી હતી.
આ મુલાકાત વખતે, નેતાઓએ લાંબા સમયથી પડતર એવા પિંજલ અને દમણગંગા-પિંજલ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવાના પગલાં અંગે હાઇડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ પાસેથી વિગતો માંગી હતી.