મુંબઈ: દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત સામે દિગ્ગજ કલાકારો પણ સાવચેતીપૂર્વક અભિનય કરતા હોય છે ત્યારે 'ડર્ટી પિક્ચર' ફેમ અભિનેત્રી વિદ્યા બાલનને તેમની સામે સિગારેટ પીવાના એક સીનમાં ભારે ગભરાટ થયો હતો. ફિલ્મ ‘જેલર 2’ના આ સીનમાં વિદ્યાને રજનીકાંતના ચહેરા તરફ સિગારેટનો ધુમાડો છોડવાનો હતો. ફિલ્મના નિર્દેશક નેલ્સન દિલીપકુમારે આ સીન સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો એક પ્રમોશનલ કાર્યક્રમ વખતે જણાવ્યો હતો.
નેલ્સનના જણાવ્યા અનુસાર 'વિદ્યા'ના ટ્રેલરમાં જોવા મળતો આ સીન શૂટિંગના પહેલા જ દિવસે ફિલ્માવવામાં આવ્યો હતો. વિદ્યાનું પાત્ર દમદાર છે અને તે રજનીકાંતના પાત્ર ટાઇગર મુથુવેલ પાંડિયન સામે પણ મક્કમતાથી ઊભું રહે છે. જોકે, આવું મજબૂત પાત્ર ભજવવા અંગે વિદ્યાએ શરૂઆતમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે તેમને રજનીકાંત સામે સિગારેટ પીને તેમના ચહેરા તરફ ધુમાડો છોડવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમની ગભરામણ ખૂબ જ વધી ગઈ હતી.
નિર્દેશકે જણાવ્યું કે સીનના શૂટિંગ દરમિયાન વિદ્યાના હાથમાં રહેલી સિગારેટ ધ્રૂજી રહી હતી. મોનિટર પર આ દૃશ્ય જોતી વખતે નેલ્સનને પણ એક ક્ષણ માટે લાગ્યું કે કદાચ સીન યોગ્ય રીતે નહીં બને. વિદ્યાની સિગારેટ પકડવાની રીત જોઈને તેમને એવું લાગ્યું કે જાણે તે સિગારેટ નહીં, પરંતુ લિપસ્ટિક લગાવી રહી હોય!
જોકે, થોડા પ્રયાસો બાદ સીન યોગ્ય રીતે ફિલ્માવવામાં આવ્યો હતો. નેલ્સનના જણાવ્યા અનુસાર, લગભગ ત્રીજા ટેકમાં આ શોટ ઓકે થયો હતો. તેમણે એમ પણ કહ્યું કે આજે પણ આ સીન જોતી વખતે વિદ્યાની આંખોમાં થોડી ગભરામણ દેખાય છે. આ કિસ્સો દર્શાવે છે કે પડદા પર નિર્ભય દેખાતું પાત્ર ભજવવા માટે કલાકારને શૂટિંગ દરમિયાન કેવા પડકારોનો સામનો કરવો પડી શકે છે.
નેલ્સન દિલીપકુમારના નિર્દેશનમાં બનેલી ‘જેલર 2’માં રજનીકાંત ફરી એકવાર નિવૃત્ત જેલર ટાઈગર મુથુવેલ પાંડિયનના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત રમ્યા કૃષ્ણન, યોગી બાબુ, મિર્ના, એસ.જે. સૂર્યા, મિથુન ચક્રવર્તી, વિજય સેતુપતિ અને અન્ય કલાકારો પણ સામેલ છે. અહેવાલ મુજબ, ફિલ્મ 15 ઑક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.