નવી દિલ્હીઃ ભારત વિશ્વનું સૌથી વધુ ઝડપભેર વિકસતું મુખ્ય સ્ટીલ બજાર છે અને વર્ષ 2026માં તેની માગ 7.9 ટકા વધીને 17.24 કરોડ ટનની સપાટીએ રહેવાનો અંદાજ વર્લ્ડ સ્ટીલ એસોસિયેશન (વર્લ્ડ સ્ટીલ)એ મૂક્યો છે. વધુમાં એસોસિયેશને તાજેતરમાં જાહેર કરેલા `શોર્ટ રેન્જ આઉટલૂક ઑક્ટોબર, 2026'નામક અહેવાલમાં આગામી વર્ષ 2027માં ભારતની માગમાં આઠ ટકા વધીને 18.62 કરોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. જોકે, વર્ષ 2026માં સ્ટીલની વૈશ્વિક માગ 172.2 કરોડના સ્તરે સ્થિર રહેવાનો અને વર્ષ 2027માં વૈશ્વિક માગ 1.7 ટકાની વૃદ્ધિ સાથે 175.2 કરોડ ટનના સ્તરે રહેવાની ધારણા મૂકી છે.
જોકે, વર્ષ 2026માં સ્ટીલના વૈશ્વિક અગ્રણી ઉત્પાદક દેશ ચીનની માગ બે ટકા ઘટવાનો અને વર્ષ 2027ની માગમાં એક ટકાનો ઘટાડો થવાની શક્યતા બેલ્જિયમ સ્થિત આ સંગઠને વ્યક્ત કરી હતી. એસોસિયેશને વર્ષ 2026માં ભારત સ્ટીલની સૌથી ઝડપથી વિકસતી બજાર તરીકે રહેવાની શક્યતા વ્યક્ત કરવાની સાથે માગ 7.9 ટકા વધીને 17.24 કરોડ ટનના સ્તરે અને વર્ષ 2027ની માગ આઠ ટકા વધીને 18.62 કરોડ ટનની સપાટીએ રહેવાનો અંદાજ મૂક્યો હતો અને માગનું મુખ્ય પ્રેરકબળ માળખાકીય બાંધકામ ક્ષેત્ર રહેશે, એમ જણાવ્યું હતું.
વધુમાં અહેવાલમાં જણાવ્યું હતું કે ખાનગી રિઅલ એસ્ટેટ ક્ષેત્રની માગ મજબૂત છે. ઉત્પાદન ક્ષેત્રે સારી વૃદ્ધિ, પાઈપલાઈનમાં રહેલા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટો અને ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા વિસ્તરણ ઈલેક્ટ્રિસિટી અને મશીનરીની માગ વૃદ્ધિને ટેકો આપશે, જ્યારે સ્થાનિક માગને ટેકે ઑટોમેટિવ ઉત્પાદનોમાં વધારો, નિકાસમાં વૃદ્ધિ અને નીતિવિષયક ટેકો પણ મળતો રહેશે.
અખાતી દેશોમાં ખાસ કરીને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવા અંગેની અને પુરવઠાચેઈન રાબેતા મુજબ થવાની અનિશ્ચિતતા દૂર થતાં સ્ટીલની માગમાં મજબૂત સુધારો જોવા મળશે અને આ આશાવાદી સિનારિયાને જોતા વર્ષ 2027માં સ્ટીલની માગ 11.3 ટકા વધીને વર્ષ 2025ના સ્તરે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વધુમાં વર્ષ 2026માં અમેરિકાની સ્ટીલની માગમાં ખાસ કરીને ડેટા સેન્ટરોમાં મજબૂત રોકાણ અને એનર્જી માળખાકીય ક્ષેત્રની માગને ટેકે સ્ટીલની માગમાં બે ટકાનો વધારો થવાની અને યુરોપની વર્ષ 2026ની માગમાં 0.3 ટકાનો ઘટાડો થવાની, પરંતુ વર્ષ 2027માં 3.1 ટકાની વૃદ્ધિ થવાની ધારણા અહેવાલમાં મૂકવામાં આવી છે.