નવી દિલ્હીઃ ઑક્ટોબર મહિનામાં દેશનાં થર્મલ પાવર એકમોમાં કોલસાના સ્ટોકમાં ઘટાડાની ગતિ નોંધપાત્ર ધોરણે ધીમી પડી છે ગત 29મી સપ્ટેમ્બરથી સ્ટોક 1.8 કરોડ ટન કરતાં વધુ માત્રામાં જળવાઈ રહ્યો હોવાનું સરકારે જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે ગત 29મી સપ્ટેમ્બરના રોજ સ્ટોક જે 1.8932 કરોડ ટન હતો તે 10મી ઑક્ટોબરના રોજ ઘટીને 1.8205 કરોડ ટન થયો હતો.
અગાઉ સપ્ટેમ્બરમાં થર્મલ પાવર એકમોમાં કોલસાનો સ્ટોક ખૂબ નીચા સ્તરે પહોંચી ગયો હતો.
કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્ટોકમાં જોવા મળેલી સ્થિરતા દર્શાવે છે કે કોલસાનો પુરવઠો થર્મલ પાવર એકમોમાં દૈનિક વપરાશી માગ સાથે તાલમેલ જાળવી રહ્યો છે. જોકે, જે એકમોમાં સ્ટોકનું સ્તર ગંભીર માત્રામાં ઓછું છે ત્યાં પુરવઠા પર નજર રાખવામાં આવી રહી છે અને પૂરતો પુરવઠો તથા અવિરત વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે આવશ્યકતાનુસાર પુનઃ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે ચાલુ મહિનામાં રેક લોડિંગ (ટ્રેન મારફતે થતી હેરફેર)માં વધારો થવાને કારણે પાવર એકમોમાં કોલસાના સ્ટોકમાં થતાં ઘટાડાની ગતિ નોંધપાત્ર સ્તરે ધીમી પડી છે. વધુમાં મંત્રાલયે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિના દરમિયાન દૈનિક સરેરાશ 2.4 લાખ ટનના ઘટાડા સાથે સ્ટોકમાં અંદાજે 72.8 લાખ ટનનો ઘટાડો થયો હતો. જોકે, તેની સામે ઑક્ટોબરના પ્રથમ 10 દિવસોમાં સ્ટોકમાં કુલ માત્ર 56 લાખ ટનનો ઘટાડો થયો છે.
મંત્રાલયના જણાવ્યાનુસાર ગત તા. 1થી 10 ઑક્ટોબર દરમિયાન પાવર ક્ષેત્ર માટે દૈનિક સરેરાશ 469 રેક લોડ કરવામાં આવી હતી, જ્યારે આગલા સપ્ટેમ્બર મહિનાના 426 રેકની સરખામણીમાં 10 ટકા જેટલી વધુ છે. તેમ જ ઑક્ટોબર મહિનામાં દૈનિક રેક લોડિંગ 447થી 482 આસપાસના થયા છે. પરિણામે કોલસાના ક્ષેત્રને વાસ્તવિક પુરવઠો આગલા સપ્ટેમ્બર મહિનાના દૈનિક 22.1 લાખ ટન સામે વધીને 24.9 લાખ ટનનો રહ્યો છે. તેમ જ ઑક્ટોબર મહિનાના પહેલા 10 દિવસમાં કોલસાનો વાસ્તવિક પુરવઠો દૈનિક 23.7 લાખ ટનના પુરવઠાના આયોજન કરતાં વધુ રહ્યો છે અને 10માંથી નવ દિવસોમાં પુરવઠો આયોજન કરતાં વધુ રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે થર્મલ પાવર એકમોમાં કોલસાનો પૂરતો જથ્થો જાળવી રાખવા માટે કોલસાના સતત પરિવહન અને પુરવઠાને સુનિશ્ચિત કરવાના હેતુસર મંત્રાલય કોલસા મંત્રાલય કૉલ ઈન્ડિયા લિ., સિંગારેની કોલિઅરીઝ કંપની લિ., રેલવે મંત્રાલય અને પાવર કંપનીઓ સાથે ગાઢ સંકલનમાં રહીને કાર્ય કરી રહ્યું છે. તેમ જ મંત્રાલયે જણાવ્યું હતું કે કોલસા મંત્રાલય કોલસાના કાર્યક્ષમ પરિવહનને સુગમ બનાવવા ભારતીય રેલ વેના સતત સહયોગ અને વ્યવસાયિક પ્રતિબદ્ધતાની નોંધ લે છે અને તેનાં સહકારને આવકારે પણ છે.