રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને બરોડા સારી સ્થિતિમાં
મુંબઈઃ રાઇટ-આર્મ પેસ બોલર તુષાર દેશપાંડેએ સોમવારે રણજી ટ્રોફીની નવી સીઝનની પ્રથમ મૅચના બીજા દિવસે ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું હતું અને તેના તેમ જ બીજા કેટલાક ખેલાડીઓના શાનદાર પર્ફોર્મન્સને લીધે મુંબઈની ટીમ ચંડીગઢ સામે એક દાવથી વિજય મેળવવાની તૈયારીમાં હતી. દેશપાંડેએ પહેલાં બૅટથી પરચો બતાવ્યો હતો અને પછી હૅટ-ટ્રિક (Hat trick) લઈને તરખાટ મચાવી દીધો હતો.
મુંબઈ (Mumbai)એ પ્રથમ દાવમાં બૅટિંગ મળ્યા પછી ચાર બૅટ્સમેનની હાફ સેન્ચુરીની મદદથી 429 રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન સિદ્ધેશ લાડ 86 રન હાઇએસ્ટ હતા તેમ જ ટીમના બીજા ત્રણ હાફ સેન્ચુરિયનોમાં મુશીર ખાન (65 રન), તનુષ કોટિયન (58 રન) તેમ જ મોહિત અવસ્થી (56 અણનમ)નો સમાવેશ હતો. ચંડીગઢના રોહિત ઢાંડા અને રાજ બાવાએ ચાર-ચાર વિકેટ લીધી હતી.
જોકે ચંડીગઢની ટીમ દેશપાંડેની હૅટ-ટ્રિક સહિતની પાંચ વિકેટ લીધી હતી. તેણે ત્રણ બૉલમાં અર્જુન આઝાદ (20 રન), શિવમ ભાંબરી (0) અને દિપેન્દર કુશ (0)ની વિકેટ લીધી હતી. પછીની ઓવરમાં દેશપાંડેએ રાજ બાવા (0)ને આઉટ કર્યો હતો. બીજા પેસ બોલર મોહિત અવસ્થીની ત્રણ વિકેટ અને સિલ્વેસ્ટર ડિસોઝાની બે વિકેટને કારણે ફક્ત 78 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. નિશંક બિરલાના 33 રન ટીમમાં હાઈએસ્ટ હતા અને ચાર બૅટ્સમેને શૂન્યમાં વિકેટ ગુમાવી હતી. મુંબઈએ 351 રનની સરસાઈ લીધા પછી ચંડીગઢને ફૉલો-ઑન આપ્યું અને બીજા દાવમાં ચંડીગઢે શૂન્યમાં જે વિકેટ ગુમાવી એ પણ દેશપાંડેએ લીધી હતી.
અન્ય મુખ્ય રણજી મૅચોમાં શું બન્યું?
(1) રાજકોટમાં બીજા દિવસે સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં પ્રેરક માંકડ (129 રન) અને રવીન્દ્ર જાડેજા (102 રન)ની સેન્ચુરી ઉપરાંત ચિરાગ જાની (83 રન)ની મોટી ઇનિંગ્સની મદદથી 392 રન બનાવ્યા હતા. છત્તીસગઢના પેસ બોલર દેવ આદિત્ય સિંહે 67 રનમાં છ વિકેટ લીધી હતી. બે વિકેટ ધર્મેન્દ્રસિંહ જાડેજાને અને બે વિકેટ રુદ્ર દેહારીને મળી હતી. છત્તીસગઢે ત્રણ વિકેટે 122 રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન અનુજ તિવારી 72 રને રમી રહ્યો હતો.
(2) અમદાવાદમાં ઓડિશાના 324 રનના જવાબમાં ગુજરાતે બે વિકેટે 205 રન બનાવ્યા હતા. આર્ય દેસાઈ 94 રને આઉટ થઈ ગયો હતો, પણ વેદાંત ત્રિવેદી 94 રને રમી રહ્યો હતો.
(3) બરોડાએ કૅપ્ટન અતિત શેઠની 99મા રને વિકેટ પડી ત્યાર બાદ 8/472ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. પછીથી ગોવાએ પાંચ રનમાં એક વિકેટ ગુમાવી હતી.
(4) શ્રીનગરમાં મધ્ય પ્રદેશને 196 રનમાં આઉટ કર્યા બાદ ખુદ જમ્મુ-કાશ્મીરની ટીમ ફક્ત 120 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. બીજા દાવમાં મધ્ય પ્રદેશે 59 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી.
(5) કલ્યાણીમાં દિલ્હીએ 240 રન બનાવ્યા પછી બેંગાલની ટીમે સુદીપ ઘરામીના 122 રન અને અભિષેક પોરેલના અણનમ 114 રનની મદદથી ત્રણ વિકેટે 304 રન કર્યા હતા.
(6) જમશેદપુરમાં કેરળ સામે ઝારખંડે કૅપ્ટન વિરાટ સિંહના 108 રન, શિખર મોહનના 143 રન અને આદિત્ય સિંહના 147 રનની મદદથી પ્રથમ દાવમાં 587 રનનું તોતિંગ ટોટલ નોંધાવ્યું હતું.