Mon Oct 12 2026

Logo

મૅચ રેફરી પ્રકાશ ભટ્ટે બે કૅરિબિયન ક્રિકેટર પૉવેલ અને રુધરફર્ડને કેમ ઠપકો આપ્યો?

2026-10-12 19:38:24
Author: Ajay Motiwala
મૅચ રેફરી પ્રકાશ ભટ્ટે બે કૅરિબિયન ક્રિકેટર પૉવેલ અને રુધરફર્ડને કેમ ઠપકો આપ્યો?

ઇન્દોરઃ ભારત સામેની વન-ડે સિરીઝ 1-2થી હારી ચૂકેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ હાલમાં પાંચ મૅચની ટી-20 શ્રેણીમાં 1-2થી પાછળ છે અને બુધવારની ચોથી મૅચ (સાંજે 7.00 વાગ્યાથી લાઇવ)માં સિરીઝને 2-2થી લેવલ કરવા માટેની યોજના ઘડી રહી હશે એવામાં સમાચાર મળ્યા છે કે શાઇ હોપની કૅરિબિયન ટીમના બે ખેલાડીને મૅચ રેફરી પ્રકાશ ભટ્ટ (Prakash Bhatt)એ જોરદાર ઠપકો આપ્યો છે અને તેમના નામે એક-એક ડીમેરિટ પૉઇન્ટ પણ લખી નાખ્યો છે. બન્ને ખેલાડીએ શુક્રવાર, નવમી ઑક્ટોબરે રાંચીની બીજી ટી-20માં જે ક્રિકેટ સંબંધિત ગુનો કર્યો એ બદલ તેમને આ સજા કરવામાં આવી છે.

બૅટ્સમૅન રૉવમૅન પૉવેલે આઇસીસીની આચારસંહિતાની કલમ 2.2નો ભંગ કર્યો હતો. ફાસ્ટ બોલર મયંક યાદવે એ મૅચમાં ઉપરાઉપરી ત્રણ વિકેટ લીધી હતી. મયંકના બૉલમાં પૉવેલ ક્લીન બોલ્ડ થયો હતો. મયંકે તેનું ઑફ સ્ટમ્પ ઉખાડી નાખ્યું હતું અને સ્ટમ્પ દૂર ફેંકાઈ ગયું હતું. 24 રને પોતાની વિકેટ પડ્યા બાદ પૉવેલે ગુસ્સામાં પોતાના બૅટથી બૉલને ફટકાર્યો હતો. તેણે ક્રિકેટના સાધનનો અનાદર કર્યો એ બદલ તેને ઠપકો આપવામાં આવ્યો હતો.

રુધરફર્ડે કલમ 2.8નો ભંગ કર્યો હતો. તેણે ગુસ્સામાં અમ્પાયર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. 13મી ઓવરમાં એક બૉલ વાઇડ હોવાનું રુધરફર્ડ (Rutherford)ને લાગ્યું હતું. જોકે અમ્પાયરે વાઇડ ન આપ્યો એટલે રુધરફર્ડે અમ્પાયર સામે જોઈને બૂમ પાડી હતી અને તેમની તરફ ક્રોધ ઠાલવ્યો હતો. પૉવેલ અને રુધરફર્ડ, બન્નેએ સુનાવણી દરમ્યાન ગુનો કબૂલ કર્યો હતો એટલે તેમને મૅચ-ફીના દંડ જેવી સજા કરવાને બદલે મૅચ રેફરી ભટ્ટે તેમને ઠપકો આપીને છોડી દીધા હતા.

પૉવેલ અને રુધરફર્ડ વિરુદ્ધ મેદાન પરના બે અમ્પાયર જયરામ મદનગોપાલ અને રોહન પંડિત તેમ જ થર્ડ અમ્પાયર (ટીવી અમ્પાયર) નીતિન મેનન અને ફૉર્થ અમ્પાયર વીરેન્દર શર્માએ આરોપ મૂક્યા હતા.