Mon Oct 12 2026

Logo

ભુવનેશ્વર કુમારની ફિટનેસનું આ છે રહસ્ય...બાવીસમી ઑક્ટોબરે નવી ઇનિંગ્સ શરૂ કરશે...

2026-10-12 18:20:00
Author: Ajay Motiwala
ભુવનેશ્વર કુમારની ફિટનેસનું આ છે રહસ્ય...બાવીસમી ઑક્ટોબરે નવી ઇનિંગ્સ શરૂ કરશે...

મુંબઈઃ એપ્રિલ, 2026માં ભુવનેશ્વર કુમાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ઇતિહાસમાં કુલ 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો એ પહેલાં તેણે ભારત વતી પણ ઘણી સિદ્ધિઓ મેળવી હતી અને ટીમ ઇન્ડિયાને ઘણી મૅચો તથા સિરીઝો જિતાડી હતી, પરંતુ 2022 બાદ તેને ભારત વતી રમવા જ નહોતું મળ્યું અને છેક હવે (અજિત આગરકરે ચીફ સિલેક્ટરના હોદ્દા પરથી વિદાય લીધી અને પ્રજ્ઞાન ઓઝાએ સૂત્રો સંભાળ્યા ત્યાર બાદ) ભારતીય ટીમમાં ભુવીને કમબૅક કરવા મળ્યું છે જેને પગલે ભુવીના ડાયટ પ્લાનનો અહેવાલ વાઇરલ થયો છે. ભુવીને ખાસ કરીને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ન્યૂ ઝીલૅન્ડ ખાતેના આગામી પ્રવાસ માટેની ટીમમાં સમાવવામાં આવ્યો છે. કિવીઓ સામેની ટી-20 સિરીઝ બાવીસમી ઑક્ટોબરે શરૂ થશે.

જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, આકાશ દીપ, નીતીશ કુમાર રેડ્ડી સહિત ઘણા પેસ બોલરને સમયાંતરે કોઈને કોઈ ઈજા નડી છે, પરંતુ 36 વર્ષના સ્વિંગ સ્પેશ્યાલિસ્ટ ભુવનેશ્વરની બાબતમાં ઈજા કે ફિટનેસ વિશે નકારાત્મક બહુ ઓછું સાંભળવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ભુવનેશ્વર છ વર્ષથી ફિટનેસ (Fitness) રિજીમના ભાગરૂપે એક ડાયટ પ્લાન ફૉલો કરી રહ્યો છે. એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ ભુવી (Bhuvi)ના ફિઝિયોથેરપિસ્ટ રમનીશ વોહરાએ કહ્યું છે કે `ભુવનેશ્વરનું વજન 80 કિલો હતું જે ઘટીને 75 કિલો થઈ ગયું છે. 

ભુવનેશ્વરે છેલ્લા છ વર્ષથી (સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન મુજબ) સાકર તેમ જ ગ્લુટેન અને લેક્ટૉઝથી દૂર રહ્યો છે. તે ખાસ કરીને મીઠી વાનગી ખાવાનું ટાળે છે. ગ્લુટેન સામાન્ય રીતે ઘઉં, મેંદો, દલિયામાં હોય છે તેમ  જ બ્રેડ, પિત્ઝા, પુલાવ વગેરેમાં વપરાય છે. તેના ફિઝિયોએ કહ્યું છે કે ભુવીએ ખૂબ સંયમ રાખ્યો છે અને આ બધી ચીજોથી દૂર રહ્યો છે. એટલું જ નહીં, ભુવીએ કસરત જાળવી રાખવા પર પણ ખાસ ધ્યાન આપ્યું છે.

ફાસ્ટ બોલર સામાન્ય રીતે આક્રમક સ્વભાવના હોય છે અને મેદાન પર તેમના ચહેરા પર અને બૉડી-લેન્ગવેજમાં જ તેમની આક્રમકતા જોવા મળતી હોય છે. જોકે ભુવનેશ્વર ભૂતપૂર્વ પેસ બોલર જાવાગલ શ્રીનાથ જેવો શાંત સ્વભાવનો છે. ભુવીનું બૉડી-ફૅટ 22-25 ટકાથી ઘટીને 16 ટકા થઈ ગયું છે અને આ જ બતાવે છે કે તેણે ફિટનેસ-પ્લાનને વળગી રહેવાનું પસંદ કર્યું છે. આ અભિગમને લીધે જ ભુવી ફાસ્ટ બોલર હોવા છતાં ફિટનેસ જાળવી રાખવામાં સફળ રહ્યો છે.

રમનીશ વોહરા 2020માં કોવિડકાળમાં પહેલી વખત ભુવનેશ્વરના ફિઝિયો બન્યા હતા અને ભુવી ચાર વર્ષથી ભારતીય ટીમમાં નહોતો ત્યારે પણ તેમણે ભુવી સાથે ફિટનેસ બાબતમાં કામ કર્યું હતું જેનો ભુવીને ફાયદો ખાસ કરીને આઇપીએલમાં થયો હતો. ભુવીએ 2022થી 2026 સુધીની પાંચ આઇપીએલમાં કુલ 84 વિકેટ લીધી હતી.